પરાળીમાંથી વિકસાવ્યું ઇનોવેટિવ બૂકશેલ્ફ: NID અમદાવાદના વિદ્યાર્થીઓએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી જીત્યું પ્રથમ સ્થાન
એન.આઈ.ડી. અમદાવાદના બેચલર્સ ઇન ડીઝાઇન (ફર્નીચર એન્ડ ઇન્ટીરીયર ડીઝાઇન)ના ચાર વિદ્યાર્થીઓની ટીમ "ગ્રીન મંકી" દ્વારા ખેતીમાં બચી રહેલી પરાળી અને અન્ય કૃષિઆધારિત વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને એક અનોખી બૂકશેલ્ફ ડીઝાઇન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નામ "સ્કેલ્ક્યુઅન્સ" છે, જેને 3D પ્રિન્ટીંગ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ બૂકશેલ્ફનો ડિઝાઇન એવી રીતે કરવામાં આવ્યો છે કે તેમાં પુસ્તકોને આડું, ઊભું તેમજ વિવિધ ક્રિએટિવ રીતે ગોઠવી શકાય છે. 3D પ્રિન્ટીંગ ટેકનોલોજીના ઉપયોગથી આ શેલ્ફને તેના ઉપયોગસ્થળ મુજબ સરળતાથી કસ્ટમાઇઝ પણ કરી શકાય છે, જે તેની વિશિષ્ટતા સાબિત થાય છે.વિદ્યાર્થીઓની ટીમમાં આશ્રય સચાન, રીધીમાં પાંડે, કવીશ લાઈન્સવાલા અને આર્યમાન ભગાડે નામના ચાર વિદ્યાર્થીઓનો સામેલ છે.
આ શેલ્ફની ડિઝાઇન માછલીઓના સ્કેલ્સ (ભીંગડા)માંથી ઇન્સ્પાયર થઈને તૈયાર કરવામાં આવી છે, જે કુદરતથી જોડાયેલી છે. આ શેલ્ફ ખાસ કરીને આર્કિટેક્ટ્સ જેવા પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયું છે, જેમની પાસે મોટા કદના પુસ્તકો હોય છે અને તેમને ગોઠવવામાં મુશ્કેલી પડતી હોય છે.
સ્કેલ્ક્યુઅન્સ બૂકશેલ્ફની વિશેષતાઓ:
કદ: 12 એમએમ જાડાઈ, ૫ ફૂટ લંબાઈ અને ૪ ફૂટ ઊંચાઈ
ખર્ચ: 1200 થી 1500 રૂપિયા સુધીમાં તૈયાર
વેચાણ કિંમત: 3000 થી 5000 રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે
આ ઇનોવેટિવ ડિઝાઇનને ક્રેસ્ટ કંપની દ્વારા આયોજિત એગ્રીક્રાફ્ટ 2024 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. ટીમ ગ્રીન મંકીને રૂપિયા 30,000 નું રોકડ ઇનામ અને સાથે ઇન્ટર્નશીપની પણ ઑફર આપવામાં આવી છે. સ્પર્ધાની થીમ “નેચર-બેઝ્ડ ડિઝાઇન” હતી અને તે અનુસાર વિકસાવેલી આ પ્રોડક્ટ માત્ર પર્યાવરણમૈત્રી બનતી નથી પરંતુ અર્થતંત્રમાં પણ સહયોગી બની શકે છે.




ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો