નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ, પણ એક વાત મને બઉ ખટકી છે. આમ તો છેલ્લા ઘણાં વર્ષોથી નવરાત્રિ માટે ખાસ આયોજન થયા છે. જેમાં રૂપિયા આપીને પાસ લેવાના અને નવરાત્રિ રમવા માટે જવાનું! દર વર્ષે આમાં વધારો થાય છે. અમદાવાદમાં પહેલા 15 જગ્યાએ, પછી 20 જગ્યાએ અને આ વખતે તો લગભગ 25થી વધારે જગ્યાએ આવી નવરાત્રિઓ થઈ. જેમાં રૂપિયા આપવાના હતા. પણ આ વખતે ભાવમાં જે તોતિંગ વધારો જોવા મળ્યો છે તેનું કારણ ના સમજાયું?
પહેલ તમને પ્રમુખ ગરબાના ભાવ જણાવી દઉ
- રંગ મોરલાનો ભાવ 2,799 રૂપિયા
- આફ્ટર 11.59 ગરબાનો ભાવ 2,500 રૂપિયા
- કલર ગુજરાતી રંગ રાત્રિનો ભાવ 499 રૂપિયા
- સ્વર્ણિમ નગરી એસી ડોમ ગરબાનો ભાવ 1,399 રૂપિયા
- ઢોલકી ગરબાનો ભાવ 1,000 રૂપિયા
- શંકુસ ડાંડિયા શાંતિગ્રામનો ભાવ 1,000 રૂપિયા
- શુભ મંડળીનો ભાવ 699 રૂપિયા
- આધ્યશક્તિ નવરાત્રિનો ભાવ 499 રૂપિયા
- માની માંડવી રાલલીલાનો ભાવ1,499 રૂપિયા
- નગરીના નોરતાનો ભાવ 999 રૂપિયા
- પીવાયસી નવરાત્રિનો ભાવ 699 રૂપિયા
- ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલનો ભાવ 499 રૂપિયા
- શ્રી સર્કલ ગરબાનો ભાવ 1,250 રૂપિયા
- red rhythm garbaનો ભાવ 3,499 રૂપિયા
- કળશ ગરબા 2025નો ભાવ 799 રૂપિયા
- વાઈબ્રન્ટ નોરતાનો ભાવ 499 રૂપિયા
- જોબનીયુ ના ભાવ 499 રૂપિયા
- મંડળી ગરબા 2025નો ભાવ 1,500 રૂપિયા
- સફેદ પરિંદે ગરબાના ભાવ 15,000 રૂપિયા
અમીર અને ગરીબની ભેદરેખા ખેંચાઈ રહી છે
ફલાણો ડ્રેસ પહેરવા નહીં હોય તો એન્ટ્રી નહીં મળે!
પાંચ વર્ષ પહેલાનો વિચાર કરો, આવું ક્યાં હતું? જેમાં 5000 રૂપિયા આપીને તમને ગરબા રમવા માટે એન્ટ્રી મળતી હોય? પરંતુ અત્યારે છે. વાત અહીં પૂર્ણ નથી થતી. કારણ કે ગરબાના પાસ ખરીદ્યા પછી કામ પૂર્ણ નથી થઈ જતું. ત્યા ડ્રેસકોડ હોય છે કે ફલાણો ડ્રેસ પહેરવા નહીં હોય તો એન્ટ્રી નહીં મળે! પછી ભલે તમે પાસ ખરીદેલો હોય! તમે એકબાજાના ડ્રેસ પણ એક્સચેન્જ કેટલા દિવસ કરો? વાત ડ્રેસ કોડથી પણ પૂર્ણ નથી થતી. મોટાભાગના આવા આયોજન વાળા ગરબામાં પાણી અને નાસ્તા માટે પણ તમારે તોતિંગ રૂપિયા આપવા પડે છે. ઘણી જગ્યાએ તો પાણીની બોટલ જે બહાર 10 કે 20 રૂપિયામાં મળે છે તેનો ત્યાં ભાવ 50, 100, 150 અને 200 રૂપિયા હોય છે. તો પછી ખાવાનો ભાવ તો તમે વિચારી લ્યો?
પાસની કિંમત પરથી તમારું સ્ટેટસ નક્કી થશે!
એવું નથી લાગતું કે એક ષડયંત્ર હોય? કારણ કે, જો આવા આયોજનોના કારણે આગામી પાંચ વર્ષ પછી જે ગામડાઓમાં, સોસાયટીઓમાં જે ગરબા અને ગરબી થાય તેના પ્રત્યે ઘૃણા પેદા થશે. લોકો એવું કહેવા લાગશે કે, ‘તું સોશાયટીમાં રમે છે?’, ‘તું ખાલી 500 રૂપિયા વાળા જ પાસ લાવ્યો?’ પાસની કિંમત પરથી તમારું સ્ટેટસ નક્કી થશે! આ હું દાવા સાથે કહી શકું કે આ દિવસો દૂર નથી. નરરાત્રિનું જે કોમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે તે ગરબાની મહત્વતા અને તેની ગરીમાને કોરી ખાશે. જેમ ઉધઈ લાકડાંને કોરીને ખોખલું કરી નાખે છે તમે કોમર્શિયલ ગરબા નવરાત્રિને કોરી ખાશે. રૂપિયા આપીને ગરબા રમવા જવાનું? આ ગરબાના પાસના ભાવ કોણ નક્કી કરે છે? એનો વિચાર કર્યો છે. એક દિવસના એક વ્યક્તિના પાસનો ભાવ 12,000થી 15,000 રૂપિયા એટલે આ શું વાત થઈ? કયો ગરીબ કે સામાન્ય વ્યક્તિ અહીં ગરબા રમવા જવાનો વિચાર પણ કરી શકે?
કોમર્શિયલ નવરાત્રિ માત્ર રૂપિયા છાપવા માટે છે
જેમાં અત્યારે રૂપિયા પ્રમાણે રહેણાંક વિસ્તારો બની ગયા છે તેમ ગરબા પણ હવે વેચાઈ રહ્યાં છે. અને તેનું મૂળ છે આ નવરાત્રિનું કોમર્શિયલાઇઝેશન! કોમર્શિયલ નવરાત્રિ માત્ર રૂપિયા છાપવા માટે છે અને તેના કારણે ગરબાનું હનન થઈ રહ્યું છે. 5 વર્ષ પછી તમારે ફરજિયાત પણ આવા ગરબામાં જવુ પડશે. કારણ કે, જેમ પહેલા કહ્યું એમ તે એક સ્ટેટ્સ બની જશે. જેમ હોટેલમાં જમવા જવું અત્યારે સ્ટેટ્સ બની ગયું છે. ધાબા હોટેલ, રેસ્ટોરેન્ટ, 3 સ્ટાર હોટેલ, 4 સ્ટાર હોટેલ, 5 સ્ટાર હોટેલ અને 7 સ્ટાર હોટેલ. આવી જ રીતે હવે 3 સ્ટાર નવરાત્રિ, 4 સ્ટાર નવરાત્રિ અને 5 સ્ટાર નવરાત્રિ થવા લાગશે.
રૂપિયાની હોડમાં તહેવાર ભૂલાઈ ગયો
ખબર નહીં કોમર્શિયલાઇઝેશન હજી કેટલું હાવી થશે. રૂપિયાની હોડમાં તહેવાર ભૂલાઈ રહ્યો છે. બાકી તહેવારનું મહત્વ શું છે? મહત્વ એ જ કે આ દિવસે દરેક લોકો સાથે મળે! પછી ભલે તે અમીર હોય ગરીબ હોય! પણ કોમર્શિયલ ગરબામાં આવું ક્યાં થાય છે? અહીં તો જેની પાસે રૂપિયા છે એ જ આવશે. બાકી બધા બહાર રહેશે! મને તો અત્યારે આ વાત ખૂબ જ ખટકી છે. કોમર્શિયલ ગરબાના નામે લોકો પાસેથી આંધળા રૂપિયા લેવામાં આવ્યાં છે. આમાં કોઈ જ ટેક્સ નહીં, કોઈજ બંધન નહીં. આયોજકો એમની મરજી પ્રમાણે ભાવ રાખે છે. જેટલો મોટો ગાયક એટલા વધારે રૂપિયા! એક જગ્યાએ તો વેસ્ટર્ન ગીતો પર અને એ પણ અંધારામાં ગરબા જ રમવા એવું આ વખતે થયું! આ શું હતું? આમાં શું નક્કી કે કોઈએ હદ નહીં વટાવી હોય? સવાલો એટલા માટે થાય છે કારણ કે, ગુજરાતની ગરીમા લૂંટાઈ રહી છે. માવડીના ગરબાનું હનન કરવામાં આવ્યું છે. મને તો એ નથી સમજાતું કે ઝુંપડીમાં રહેતો માણસ કેવી રીતે આવા ગરબામાં જાય? ખાવા માટે પણ જેને વિચારવું પડે છે તે પાસના રૂપિયા ક્યાથી લાવે?
કદાચ એટલા માટે જ ત્રણથી ચાર જગ્યાએ ગરબા પર રેડ પડી હતી. પરંતુ તેમાં કાર્યવાહી શું થશે તે રામ જાણે? હજી આતો માત્ર નવ દિવસની વાત કરી. બાકી પ્રિ-નવરાત્રિ પણ હવે તો શરૂ થઈ છે. મતલબ દરેક બાજૂથી લૂંટ જ. માત્ર પ્રિ-નવરાત્રિ જ નહીં પરંતુ આફ્ટર નવરાત્રિ પણ થવાની છે. ઘણી જગ્યાએ પૂનમ સુધી ગરબા થશે. પણ હા મફતમાં નહીં હો તમારે એના માટે રૂપિયા આપવા પડશે. માતાજીના આશીર્વાદ પણ તમને હવે મફતમાં નહીં મળે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો