શું આઝાદી ભીખ હતી ?

 દેશને આઝાદ કરાવવા માટે લગભગ 6 લાખથી પણ વધારે લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે ત્યારે જઈને આપણો દેશ આઝાદ થયો છે. અહીં એ શૂરવીરોના નામ લખવા જઈએ તો કાગળો પણ કદાચ ખૂટી જાય. પરંતુ આજે આપણી કઠણાઈ એ છે કે થોડાક એવા લોકો કે જેમણે કદાચ ઇતિહાસ પૂરો વાંચો નહીં હોય અથવા તો એમને ભણવામાં નહીં આવ્યો હોય તેઓ એમ કહી રહ્યા છે કે ભારતને આઝાદી ભીખમાં મળી છે. તો શું ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસી એળે ગઈ ? શું સુભાસચંદ્ર બોઝનું બલિદાન વ્યર્થ ગયું ? શું મંગલ પાંડે ઉઠાવેલો આત્મસન્માનનો અવાજ ભૂલાઈ ગયો ? શું ગાંધીજીએ કરેલા સત્યાગ્રહના આંદોલન વિસરાઈ ગયા ? અને શું સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું ભારતનું એકીકરણ કામશૂન્ય હતું ? આવા તો ઘણા સવાલો મને સ્વતંત્ર ભારતના નાગરિક હોવાના નાતે થઈ રહ્યા છે. અહીં જો મારા સવાલોનો જવાબ 'હા' હોય તો ખરેખર દેશની લોકશાહી અને શૂરવીરોના બલિદાનો વ્યર્થ હતા અને તેઓ ખોટા લોકો માટે લડ્યા છે ! અને જો મારા સવાલોના જવાબ 'ના' હોય તો પણ આપણે વિચાર કરવો પડશે કે કેમ આવી વાતો અને બયાનો આવી રહ્યા છે ? જેને પણ આઝાદી ભીખમાં મળી છે તેવું બયાન આપ્યું છે તેમાં હું તેમનો વિરોધ નથી કરતો પણ તેમની વિચારધારાનો વિરોધ કરુ છુ. કારણ કે આ વિચારધારા દેશના લોકોને એક ચોક્કસ દિશા તરફ ભડકાવવા માટે કટિબદ્ધ છે. શબ્દો એવા છે જે એકવાર નીકળ્યા પછી પાછા નથી લઈ શકતા તો પછી શબ્દનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. કોઈ ચોક્કસ વિચારધારાનો આશરો લઈને દેશ માટે કાઈ પણ બોલવું એ યોગ્ય નથી. કારણ કે તે શબ્દો દેશના લોકોને કાંઈક અલગ જ રસ્તે લઈ જઈ શકે છે. સરકારને પણ આ બયાન પર વિચાર-વિમર્શ કરવો જોઈએ. દરેક વ્યક્તિએ પણ વિચાર કરવો જોઈએ કે આપણે કોના વિશે ? અને શુ બોલી રહ્યા છીએ ? આપણો એક શબ્દ પણ અન્ય વ્યક્તિ માટે હાનિકારક હોઈ શકે છે. દરેક વ્યક્તિને અભિવ્યક્તિની આઝાદી છે ત્યારે એનો મતલબ એ નથી કે આપણે દેશ વિશે જેવું અને તેવું બોલી જઈએ ! અભિવ્યક્તિની આઝાદી એટલે પોતાનો વિચાર રજૂ કરવો પણ અહીં તો દેશની આઝાદી, ક્રાંતિકારીના બલિદાનો અને મહાપુરુષો પર આરોપ લગાવામાં આવ્યો છે. અંતે ભારતના નાગરિકો વિનંતી છે કે તે આવા બયાનોને અવગણે અને ભારતની સરકારને વિનંતી છે કે આવા બયાનો ફરી ન બોલાય તેના માટે જરૂરી પગલાં લે નહિ કે તેમને પ્રોત્સાહન આપે ! કારણ કે લાંબા ગાળે આવા બયાનો અને વિચારો દેશને ફરી વિખેરી નાખશે. અને હા એક વાત યાદ રાખજો કે હવે સરદાર વલ્લભભાઈ પટેલની જેમ દેશનું એકીકરણ કરવા માટે કોઈ પણ વ્યક્તિ સક્ષમ નથી એ કડવી વાસ્તવિકતા છે. તો સર્વેને મારી વિનંતી છે કે શબ્દો અને વાણી વિચારીને વાપરો.


વિમલ પ્રજાપતિ

x

ટિપ્પણીઓ