| ફોટો : ગૂગલ |
વર્ષભરમાં ભણતરનો સાર એટલે પરીક્ષા. જે પણ વ્યક્તિએ આ પરીક્ષાની શોધ કરી હશે તેને તો આજના વિદ્યાર્થીઓ કોસી રહ્યા છે. વર્ષભર ખૂબ જ ઉત્સાહ સાથે ભણતા વિદ્યાર્થીઓ પર પરીક્ષા ટાણે ચિંતાના વાદળો ઘેરાઈ જાય છે. જમવાનું છોડીને ફક્ત પુસ્તકોમાં જ ભરાઈ જાય છે. શુ પરીક્ષા આવે જ નહીં તો ના ચાલે? શુ પરીક્ષા આપવી જરૂરી છે? આવા તો ઘણાય પ્રશ્નો આજે થઈ રહ્યા છે. ધોરણ એક થી લઈને પી.એચડી સુધીના અભ્યાસમાં પરીક્ષા સાથ છોડે તેમ નથી. તો પરીક્ષા આપવાનું છોડી દેવું જોઈએ કે પછી ભણવાનું છોડી દેવુ જોઈએ? પ્રશ્ન તો દરેક રીતે થાવનો છે. હવે તો પરીક્ષા પર જોક્સ પણ બનવા લાગ્યા છે. પરીક્ષા આવે એટલે ગલી, મહોલ્લો, ગામ અને શહેર જાણે બાળકો વગર સુનું થઈ જાય છે. દરરોજ કિલકિલાટ કરતી ગામની શેરી વિરાન થઈ જાય છે. શહેરની ગળીમાં ક્રિકેટ રમતા ઘરોના કાચ તોડતા બાળકો પુસ્તકના પાનાં જોડતા થઈ જાય છે. અરે કૉલેજની કેન્ટીનમાં ગપ્પા મારતા છોકરા-છોકરીઓ ૪×૪ ના રૂમમાં પુરાઈ વાંચવા લાગી જાય છે. સ્કૂલ અને કૉલેજમાં જાણે પ્રધાનમંત્રીની ચૂંટણી હોય તેમ બધું નિયમબદ્ધ આયોજન થવા લાગે છે. પોતે જેમ્સ બોન્ડ હોય તેમ પરીક્ષામાં ચોરી કરવાનું વ્યવસ્થિત આયોજન કરાયું હોય તેવા છોકરાઓ કોક ખૂણામાં કાપલીઓ કરતા પકડાઈ જાય છે. આખરે જેમ્સ બોન્ડના પણ કોઈ ગુરુ તો હશે જ ને? ઘણી વાર તો એવું પણ બને કે 'ઘો ના પાપે પીપળો બળે ' તેમ અન્યની કાપલીમાં બીજો કોઈ અન્ય ફસાઈ જાય છે. ઘણા શિક્ષકોને પણ મનમાં શંકા હોય છે કે પોતે પરીક્ષા લેવા માટે જાય છે કે આપવા માટે. કારણ કે પોતાના વિદ્યાર્થીઓથી પોતે વાકેફ હોય છે કે આ લોકો શાંતિથી તો પરીક્ષા આપવાના નથી. ૨૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેમાં ૨૦ વિદ્યાર્થીઓ એવા હોય જેમને રાત્રે ગ્રૂપ સ્ટડીના નામે પાર્ટીઓ કરી હોય એટલે પરીક્ષામાં ચાલુ પંખે પણ પરસેવો છૂટી જતો હોય. થોડા તો એવા પણ હોય કે પેપર ગણિતનું હોય અને તૈયારી ગુજરાતીની કરીને આવ્યા હોય અને જ્યારે પેપર હાથમાં આવે એટલે હરણની જેમ મૃગજળ જોઈ આમતેમ ફાંફા મારવા લાગે. આમ જોવા જઈએ તો બધા લોકો કોઈક ને કોઈક મથામણમાં તો હોય જ છે. પ્રથમ પ્રશ્નપત્ર બનાવનારની પરીક્ષા પછી પેપર આપનારની પરીક્ષા અને છેલ્લે પેપર તપાસનારની પરીક્ષા. આવી બધી મથામણ વચ્ચે પણ એક વ્યક્તિ મોજમાં ફરતો હોય તે એટલે ક્લાસની છેલ્લી પટલીનો વિદ્યાર્થી. ગમે તેની પરીક્ષા હોય , ગમે તેનું પેપર હોય અને ગમે તે તપાસનાર હોય તેને કોઈજ ફરક ના પડે. પરીક્ષામાં સૌથી વધારે દુઃખી હોય કલાસનો પ્રથમ પટલીનો વિદ્યાર્થી. તેને કયું વાંચવું એનો વિચાર કરવામાં જ પાંચ દિવસ કાઢી નાખે. પછી જ્યારે પરીક્ષાની આગલી રાત હોય ત્યારે તો જાણે કાલે પોતે મધદરિયા વચ્ચે ડૂબતો હોય તેમ વાંચવા મંડી પડે. આ બંને વ્યક્તિ વચ્ચે ચિંતામુક્ત હોય મારા જેવા વચલી પાટલીના વિદ્યાર્થીઓ. કારણ કે એમને ખબર છે કે આપણે પ્રથમ પાટલીના કરતા આગળ પણ નથી જવાના અને છેલ્લી પાટલી પાછળ પણ નથી જવાના. આપણે ખાલી પાસ જ થવાના છીએ તો શુ કામ આવી મથામણ કરીયે. દરેક પાસા જોવા જઈએ તો આ પરીક્ષા કેવા કેવા ખેલ કરાવે છે? વિચારો તો બધાને એ પ્રકારના આવતા હોય કે જાણે પરીક્ષાના વિરોધમાં આંદોલન કરવા રસ્તા પર આવી જઈએ. આંદોલન કરવા નથી આવી શકતા તેનું એક કારણ છે 'ઘરવાળા'. ઘરવાળાને મનાવવા માટે પણ એક પરીક્ષા આપવી પડે છે. આવી પરીક્ષા આપવી તેના કરતાં તો પછી જે ભણ્યા હોઈએ તેની પરીક્ષા આપવી સારી તેમ વિચારીને પાછા હથિયાર મુકાઈ જાય છે. પરીક્ષા ના આપવાનો વિચાર અને પ્રયત્ન કરવા કરતાં તો પરીક્ષા આપવામાં જ મોટો ફાયદો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું દબાણ કરવા કરતાં તો તેમને હૂંફ આપવી જોઈએ. ત્યારે જ વિદ્યાર્થીઓ પરીક્ષાને સહજતાથી સ્વીકારશે અને ખુશીથી પરીક્ષા આપશે.
આખરે પરીક્ષા તો આપવી જ પડશે.....તો ચાલો પરીક્ષા આપીએ.
વિમલ વી. પ્રજાપતિ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો