શું વોટ્સએપનું સ્ટેટ્સ આપણી જિંદગી છે?

 


   આજે વોટ્સએપનું સ્ટેટ્સ વ્યક્તિનું સ્થાન અને સ્થિતિ નક્કી કરે છે. મને તો એ નથી સમજાતું કે આપણે એવી ટેક્નોલોજી વાપરતા થઈ ગયા છીએ કે બીજાનું આંધળું અનુકરણ કરવા લાગ્યા છે. મજાની વાત તો એ છે કે વોટ્સએપ સ્ટેટ્સ પરથી જે તે વ્યક્તિનું સ્થાન પણ નક્કી થઈ જાય છે. જેમ કે જો કોઈ વ્યક્તિ વોટ્સએપ સ્ટેટ્સમાં દુઃખ ભર્યા સ્ટેટ્સ મૂકે એટલે એમજ સમજાય છે કે આ ભાઈ કે બેન બઉ જ ઊંડા આઘાતમાં હશે. એટલે એમ કહેવું અતિયસ્યોક્તિ નથી કે વોટ્સએપ એ લોકો માટે વ્યક્તિને ઓળખવાનું સાધન બની ગયું છે અથવા એવું કહો કે મનોવૈજ્ઞાનિક પુસ્તક બની ગયું છે. વાસ્તવમાં જોઈએ તો વોટ્સએપમાં મુકવામાં આવેલા સ્ટેટ્સના કારણે ઘણી બધી જગ્યાએ ગુન્હાખોરી થઈ રહી છે. રોજબરોજ આવતા સમાચારો આના સાક્ષી છે. હું ફલાણી જગ્યા જઈ રહ્યો છું એટલે એમ લાગે કે કોઈ મહારાજા યુદ્ધ માટે જઈ રહ્યો છે અને પોતાના રાજ્યની પ્રજાને આગાહ કરીને ચેતવી રહ્યો છે. 

   ઘરની બહાર પગ મુકાય એટલે વોટ્સએપમાં સ્ટેટ્સ તો રાખવું જ પડે એવી તો ખતરનાક દ્રઢ વિચારસરણી. જો કોઈક દિવસ સ્ટેટ્સ મુકવાનું રહી ગયું તો એમ સમજે કે UPSCની પરીક્ષામાં એક માર્ક્સમાં રહી ગયો. લગ્ન, મૃત્યુ, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ અને સગાઈની વર્ષગાંઠ, પરીક્ષાનું પરિણામ, ફરવા જવું, સંબંધ તૂટવો, સંબંધ થવો અને ફિલ્મ આવી ને જવી આ બધી બાબતોના સ્ટેટ્સ મુકવા માટે તે હંમેશા તૈયાર જ હોય. એ પણ એવી રીતે કે જાણે તેના સ્ટેટ્સ વગર તો પ્રસંગ થશે જ નહીં. ભૂલથી પણ જો સ્ટેટ્સ મુકવાનું રહી જાય તો 20 લોકોના તો મેસેજ અને ફોન આવે કે 'અલ્યા તે આજે સ્ટેટ્સ કેમ નહિ મૂક્યું?' પ્રશ્ન એ કે સ્ટેટ્સ મુકનાર કરતા પણ જોનારને વધારે ચિંતા હોય. વોટ્સએપનું સ્ટેટ્સ તો તેમના માટે માન-મોભો ને મર્યાદા જેવું થઈ ગયું છે. 

   અમુક લોકોના તો વળી સ્ટેટ્સ પણ ફિક્સ હોય કે પ્રેમમાં દગાના જ સ્ટેટ્સ મુકવાના. એ પણ સવારે 7 વાગે તો મુકાઈ જવું જ જોઈએ નહિ તો વળી બીજા ચિંતામાં આવી જાય. જે દિવસો ક્યારેય સાંભળ્યાં પણ ના હોય એવા દિવસોની તો સ્ટેટ્સમાં ઉજવણી થાય. જેમ કે 'ટેડી ડે', 'પ્રપોઝ ડે', 'ગમ ડે', 'સેલ્ફી ડે', 'રોઝ ડે', 'કિસ ડે', 'હગ ડે', 'ટુર ડે, 'લવ ડે' અને કારણ વગરના 'પિઝા ડે'. આ દિવસો ઉજવીને તો ભારતીય તહેવારો ભુલાઈ ગયા છે. પણ અહીં એ વાત નહીં કરવી વાત સ્ટેટ્સની છે એટલે તેની જ વાત કરીએ. કોઈ મેસેજમાં જવાબ ન આપતું હોય તો ફક્ત તેને જ દેખાય એવી ગોઠવણ કરી તેના પણ સ્ટેટ્સ મુકાય. હમણાં એક ભાઈએ સ્ટેટ્સ મૂક્યું કે 'હું ચેન્નઈ જઈ રહ્યો છું' ઘરે આવ્યો તો ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ. એટલે આપણે પોતાની ખાનગી માહિતી પણ સ્ટેટ્સમાં મુકવા લાગ્યા છીએ. તેનું નુકશાન આપણને ન ખબર પડતાં થઈ રહ્યું છે. 

   કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય તો પહેલા તેનો ફોટો પડી સ્ટેટ્સ મૂકે અને પછી જ બાળકને રમાડે! આ વોટ્સએપના સ્ટેટ્સની દુનિયામાં ભાડે રહેવા આવેલા મારા સ્વજનો અને પ્રિયજનો વાતને થોડી ગંભીરતાથી સમજો અને પોતાની મૂળ દુનિયામાં પાછા આવો. આ તો વાત ફક્ત વોટ્સએપ પર મુકાતાં સ્ટેટ્સની જ વાત કરીને છે. વોટ્સએપના બીજા પણ ઘણા ગેરફાયદા છે. જે આપણી જિંદગીને ખોટા રસ્તે લઈ જઈ જાય છે. આપણે સૌ સાથે મળીને આંબલીને પીપળી રમીએ, ગિલીદંડો રમીએ ને રામાકાકાની વાડીમાં જઈ કેરી ખાઈએ અને જો પકડાઈ ગયા તો થોડો માર ખાઈએ.


વિમલ વી. પ્રજાપતિ




ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો