ભારતીય સંસ્કૃતિ અને સાચો ઇતિહાસ

 ભારતીય સંસ્કૃતિ અને સાચો ઇતિહાસ


    કશ્મીર ઘણા વર્ષોથી વિવાદમાં રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે કશ્મીરના સાચા ઇતિહાસની જાણકારી નહોતી અથવા તો આપણને સાચો ઇતિહાસ કહેવામા આવ્યો નહોતો. હવે એના માટે કોણ જવાબદાર હતું? અથવા કોણ જવાબદાર છે? એ તો સમય આવે જ ખબર પડી શકે. પરંતુ અત્યારે એક ફિલ્મ આવવી છે જેનું નામ છે “The Kashmir Files” જે 2022ની ભારતીય હિન્દી-ભાષાની ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રી દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ કશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતને દર્શાવે છે કે કઈ રીતે કાશ્મીરમાંથી હિન્દુઓને કાઢવામાં આવ્યા હતા અને જે લોકો કાશ્મીર છોડવા તૈયાર નહોતા એમની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. અથવા એમ કહો કે નરસંહાર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અનુપમ ખેર, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ફક્ત 20 કરોડ જેટલા ઓછા બજેટ સાથે બનેલી છે. ઘણી એવી પણ ખબરો આવી છે કે આ ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શૉ પણ વિવાદમાં રહ્યો છે. ભલે આ ફિલ્મને પ્રમોશન ના મળ્યું પણ દેશના લોકો આ ફિલ્મને સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ પ્રમોટ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મને હરિયાણા અને મધ્યપ્રદેશ પછી ગુજરાતમાં પણ કર મુક્ત કરવામાં આવી છે.

    જો આ વખતે આ ફિલ્મ ફ્લોપ થઈ તો પછી તો કોઈ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર ફરી વાર સાચો ઇતિહાસ બતાવવા માટે કોઈ ફિલ્મ બનાવવા તૈયાર નહીં થાય અને હા તેના માટે જવાબદાર આપણે જ હોઈશું. દેશનો ઇતિહાસ આપણે ભૂલતા ગયા છીયે. હિટલર વિષે આપણે ખૂબ ભણ્યા છીયે અને તેના વિષે ઘણું વાંચ્યું પણ છે. પણ આપણને આપણાં દેશનો ઇતિહાસ વાંચવામાં કોઈ રસ પડતો નથી. ઇતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારેય કોઈ દેશ પર પ્રથમ હુમલો નથી કર્યો અને કદાચ આ કારણે આપણે અનેક લોકોના ગુલામ થયા છીયે. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. હવે સમય જાગૃત થવાનો છે. ભારતીય સંસ્કૃતિ લાખો વર્ષ જૂની છે. ભારત દેશ લાખો વર્ષથી જ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે અહી હજારો લાખો સંતો મહંતો થઈ ગયા છે. જેમણે કશ્મીરના ખોળામાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ભારતનું સાચું સોનું એવા વેદો અને ગ્રંથોનું નિર્માણ કર્યું હતું.

    આટલો ભવ્ય ઇતિહાસ હોવા છતાં પણ કેમ આજે એ કશ્મીર આતંકવાદીઓનું ગઢ બની ગયું? કેમ ત્યાં કશ્મીરી હિન્દુઓની હત્યા કરવામાં આવી? કેમ પંડિતોને ત્યાથી કાઢી દેવામાં આવ્યા? શું આપણને આવા સવાલો થયા છે? શું આ ક્યાય આપણે ભણ્યા છીયે? કેમ આપણાંથી સાચો ઇતિહાસને છુપાવવામાં આવ્યો છે? આવા તો મારી પાસે અનેક સવાલો છે. પણ અફસોસ કે આનો જવાબ કોઈની પાસે નથી..! પણ આ ફિલ્મમાં સાચો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. ફરી એકવાર કોઈએ સાચો ઇતિહાસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે આ ફિલ્મ જોવા માટે જઈયે અને મિત્રોને કે સગાસંબંધીઓને પણ જોવા માટે અનુરોધ કરીયે.

    આપણી આવનાર પેઢીને અકબર, બાબર અને શાહજહાનો ઇતિહાસ નહીં પણ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને મહાત્મા ગાંધીનો ઇતિહાસ બતાવીએ અને ભણાવવાનો આગ્રહ રાખીએ. ભારતનો ઇતિહાસ આટલો સમૃદ્ધ અને વિશાળ હોવા છતાં પણ કેમ શાળા અને કોલેજમાં જેને ભણાવવામાં નથી આવતો? આના પાછળ કોણ જવાબદાર છે? બાળકોને હાથમાં ફોન આપવા કરતાં શ્રીમદ ભગવત ગીતા અને વેદ આપવાનું રાખીએ. રામાયણ અને મહાભારતની કથા સાંભળવીએ. ઘણાને એવો પણ પ્રશ્ન થશે કે વિશ્વ તો આધુનિક દિશામાં આગળ વધી રહ્યું છે તો પછી અમે કેમ અમારા બાળકોને જૂનો ઇતિહાસ ભણાવીએ? પણ દોસ્ત એમને કહો કે ભારતના વેદો અત્યાધુનિક છે. ભારતનો ઇતિહાસ ભલે લાખો વર્ષ જૂનો હોય પણ તે અત્યાધુનિક છે. આપણે સંસ્કૃતને પ્રાચીન કહીયે છીયે. જ્યારે વિશ્વમાં ટેક્નોલૉજીનું હબ કહેવાતા જર્મનીમાં સૌથી વધારે સંસ્કૃતની યુનિવર્સિટી આવેલી છે. એ સાબિત કરે છે કે વિશ્વને ભારતમાં કેટલો રસ છે? અમેરિકા અને જાપાન જેવા દેશો ભારતીય સંસ્કૃતિ પર સંશોધન કરી રહ્યા છે. વિશ્વ અત્યારે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઈતિહાસને અનુસરી રહ્યું છે જ્યારે આપણે વિશ્વને...!અને કદાચ આ જ આપણી કઠણાઈ છે.  

    સમય બદલાયો છે દોસ્તો આપણી સંસ્કૃતિ નહીં! હજી પણ સમય છે બચાવીલો આ સંસ્કૃતિને આપણાં ભવ્ય ઈતિહાસને. બાકી પછી તો સમય પણ નહીં મળે? કારણ કે પછી તમે તમારા વજૂદને પ્રમાણિત કરશો કે સંસ્કૃતિને?

 

                          “સમય છે આધુનિક થવાનો તો થઈ જાઓ આધુનિક

                                  પણ સંસ્કૃતિ સાથે, સંસ્કૃતિ વિના નહીં”

  


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો