લગ્ન કરવા કે નહીં?


લગ્ન માટે આ જીવનમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. ઘણાને તો અનુભવ પણ થયો હશે. અને ઘણા લોકો તો એવા પણ છે જેમનું માનવું તો કંઈક એવું છે કે અમે અનુભવ કર્યો તો બીજાને પણ થવો જોઈએ. એવા લોકોને છોડો આપણે અહીં લગ્નની વાત કરીએ. એક પંક્તિ છે કે 

“મોત પછી સ્મશાનમાં શાંતિ હોય છે

અને આ વાત પાછા જીવતા લોકો કરે છે"

આમ, તો બે જ પ્રશ્નો છે એક એ કે લગ્ન કેમ કરવા જોઈએ? બીજો પ્રશ્ન એ કે લગ્ન કેમ ના કરવા જોઈએ?

લગ્ન કરવા જોઈએ એના વિશે વિશેષ વાત તો જેના લગ્ન બાકી હોય એ સમજાવી શકે. પછી એ છોકરો હોય કે છોકરી એ વાત અલગ છે. અને હા લગ્ન કરવા જ ના જોઈએ એ જેને લગ્ન કર્યા હોય એને ખબર હોય. કારણ કે પરિસ્થિતિને એજ સારી રીતે જાણતો હોય છે. આતો વાત નીકળી છે એટલે કહું છે કે લગ્ન કરેલ વ્યક્તિ(સ્ત્રી અને પુરુષ બંને)ને લગ્ન જીવનથી ઘણા બધા પ્રશ્નો હોય છે. હવે એમા સામેનું પાત્ર યોગ્ય હોય તો જિંદગી મોજ છે બાકી ડખા તો રોજ છે. પરણેલ વ્યક્તિને પોતાની આઝાદી, સ્વતંત્ર વિચારસરણી અને મન ગમતું કાર્ય કરવું એ બધું યાદ આવતું હોય છે. 

એટલે સામાન્ય રીતે તો પરણેલ વ્યક્તિ આઝાદીના વિચાર કરે છે તો વાંઢા વ્યક્તિ લગ્નની રાહ જોઇને બેઠા હોય છે. આમ, આ ચક્ર તો ફર્યા જ કરે છે. પણ પરિસ્થિતિ એવી છે કે જે થવાનું છે એના સમય પર જ થવાનું છે. ભવિષ્ય માટે પોતાના વર્તમાનને સુળીએ ચડાવવું કદાચ યોગ્ય તો નથી જ. 

એક ભાઈએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, જો ભાઈ જીવન જીવનું હોય તો લગ્ન ના કરતો. કારણ કે જીવન આખું બેરંગ બની જશે. ત્યાંજ એક બીજો વ્યક્તિ બેઠી હતી એણે કહ્યું કે જો ભાઈ તે લગ્નને અલગ નજરથી જોયું છે તો તારે ડખા છે. જો હું મારી વાત કરું તો મારા લગ્ન જીવન તો ખૂબ જ શ્રેષ્ઠ છે અને બંને ખુશ પણ છીએ. 

હવે મુંજવાનું ત્યાં થાય છે કે આ બંને તો પોતાની વાત રજુ કરીને નીકળી ગયા પણ આપણે આનું તારણ શુ નીકળવું? એકવાર બંનેના ઘરની મુલાકાત લીધી અને એ પણ સાંજના સમયે જમવા માટે. એક મિત્રના ઘરે જમતો હતો. દાળ મસ્ત બની હતી પણ એ મિત્રની એક ટેવ હતી ભૂલ કાઢવાની એને એણે એજ કર્યું. એની પત્નીને ઊંચા અવાજે તિરસ્કાર ભર્યા અવાજે કહ્યું કે દાળમાં મીઠું કેમ ઓછું છે? અહીં સમસ્યા એ હતી કે એ મિત્રના મનમાં એક એવી વાત ઘર કરી ગઈ હતી કે હું મારી પત્નીને કેટલી કાબુમાં રાખું છું. 

બીજા મિત્રના ઘરે પણ જવાની ઈચ્છા થઈ તો જમવામાં દાળમાં મીઠું વધારે હતું છતાં પણ એ મિત્રએ એની પત્નીને પ્રેમ ભર્યા અવાજે બોલાવી ખાંડ મંગાવી. એની પત્નીએ પૂછ્યું કે ખાંડ શુ કરવું છે તો એને કહ્યું કે દાળમાં મિધુ થોડું વધારે છે તો ખાંડ નાખું એટલે સારી લાગે. 

અહીં એ સમજી શકાય છે કે તમારો સ્વભાવ, તમારી વાણી અને તમારું વર્તન સામેની વ્યક્તિને પ્રભાવિત પણ કરી શકે છે અને નફરત પણ પેદા કરી શકે છે.  એટલે અહીં લગ્ન જીવન એ પ્રશ્ન નથી એ તો થાય કે ના થાય એ વાત જુદી છે. પણ તમે કેવી પરિસ્થિતિમાં રહી શકો છો અથવા રહેવા માંગો છે એ મહત્વનું છે. બાકી લગ્ન કરેલા પણ મોજમાં ફરી શકે છે અને લગ્ન ન કરેલા પણ જિંદગી મોજમાં જ જીવે છે.

લગ્ન કરવા કે ના કરવા એ તમારા પર નિર્ભર છે પણ હા એક વાત ખાસ યાદ રાખવી કે બીજી વ્યક્તિ પર પ્રભાવ પાડવા અથવા બીજી વ્યક્તિને એવો ભ્રમ દેખાડવો કે હું મારી પત્ની કે પતિ પર કેટલો કંટ્રોલ રાખું છે! એના કરતાં એકબીજાને સમજવું અને એકબીજા માટે વિચારવું મને ખુબ જ યોગ્ય લાગે છે. અને હા મહાપુરુષો અને મહામાહિલાઓ પણ આજ વાત કરીને ગયા છે. એ લોકોએ ફક્ત કહ્યું છે એટલું જ નથી પણ એ વાતને પ્રમાણિત પણ કરીને ગયા છે. પણ આપણે શું કરવું? એ આપણા પર નિર્ભર છે.

લી. વિમલ પ્રજાપતિ, 

પત્રકાર, દિવ્ય ભાસ્કર,

અમદાવાદ

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો