'પરબ' જ્યાં માનવતા છલકે છે


કાળઝાળ ગરમીમાં જે તન અને મનને શાંત કરે એ પરબ. જેણે પણ આ પરબની શરૂઆત કરી હશે એ વ્યક્તિ ખરેખર ધન્ય છે. 
   અત્યારે પાણી પડીકે વેચાવા લાગ્યું છે. 5 રૂપિયાના પાઉંચથી લઈને 85 હજારની બોટલમાં પાણી વેચાઈ રહ્યું છે. એક સંતે પોતાના ભજનમાં ગાયું છે કે, 'દોરડે દિવા થશે અને પડીકે પાણી વેચાશે' આ ભજનની દરેક પંક્તિ સાચી પડી રહી છે. પણ અત્યારે મેં જે જોયું છે તે વર્તમાનના સ્વાર્થી મનુષ્યની વચ્ચે નિસ્વાર્થ ભાવનાની વાત છે.

   સ્વાભાવિક છે કે માણસ પાણી વિના રહી શકે તેમ નથી. ઘણી વાર એવું બને કે તમને ખૂબ જ તરસ લાગી હોય અને પાણી લેવા માટે તમારી પાસે પૂરતા પૈસા નથી અને ત્યારે તમને કોઈ વ્યક્તિ પાણી પીવડાવે તો મન કેટલો આનંદ અનુભવે છે. 

  અત્યારે દરેક વ્યક્તિ પાણીમાંથી પૈસા કમાવવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે અમદાવાદમાં વ્યસ્ત લોકોની વચ્ચે મેં પાણીની પરબ જોઈ. જ્યાં પાણી પૈસા વગર પી શકાય છે. મને પણ તરસ લાગી હતી અને ખૂબ જ લાગી હતી. હું એક દુકાને પાણીની બોટલ લેવા ગયો પણ ત્યાં તેમની પાસે 500ના ખુલ્લા નહોતા એટલે મને પાણીની બોટલ ના આપી પછી મારી નજર આ પરબ પર ગઈ અને હું ઝડપથી ત્યાં જઈ પાણી પીધું. અને મારા મનને જે ધરપ મળી છે એ હું શબ્દો વ્યક્ત કરી શકું તેમ નથી!

  આવા તો અનેક વ્યક્તિ અહીંથી પાણી પી ને જતા હશે અને આ પરબ બનાવનારને આશીર્વાદ આપતા જતા હશે. અને કદાચ જો પાણી પીવા વાળો આશીર્વાદ ના આપે તો તેની અંદર બેઠેલો કૃષ્ણ તો ચોક્કસ આશીર્વાદ આપતો હશે. 

  મારી દરેકને એક જ અરજ અને વિનંતી છે કે પાણીમાંથી પૈસા કમાવવા કરતા પાણીમાંથી પુણ્ય કમાજો! જ્યાં પણ કોઈ તરસ્યા મનુષ્ય કે પશુપંખીને જોવો તો થોડો સમય કાઢીને પાણી પીવડાવવા ઉભા રહેજો. પછી ભલે એને પાણી પીવડાવવા માટે તમારે પૈસાથી પાણી ખરીદવું પડે! ચાલો પોતાના ઘરની સામે નાની એવી એક પરબ બનાવીએ. જ્યાં દિવસમાં ઓછામાં ઓછા 10 વ્યક્તિ તો પાણી પી શકે!

   માનવતા હજી જીવે છે અને તેને જીવંત રાખવા માટે આપણે થોડો સમય કાઢવો જરૂરી છે. 


ચાલો એક જીવનમંત્ર અપનાવીએ કે,

'પાણીને બચાવીએ

પાણીને પીવડાવીએ'


વિમલ વી. પ્રજાપતિ

પત્રકાર, અમદાવાદ


ટિપ્પણીઓ