આપણા નિર્ણય આપણે જ લઈએ છીએ?


આપણુ જીવન હંમેશા બીજાને આધીન રહ્યુ છે. કારણ કે આપણે જાતે કોઈ નિર્ણય લઈ જ નથી શકતા અથવા એમ કહો કે કોઈ લેવા નથી દેતું. જીંદગી સાવ સરળ છે પણ નિર્ણય લેવા સહેલા નથી. તમારા જન્મથી લઈને મૃત્યુના અંતીમ-સંસ્કાર સુધીના તમામ નિર્ણય બીજા લોકો જ લેતા હોય છે. 

હવે એ પ્રશ્ન થાય એ વ્યાજબી છે કે, તો કયા નિર્ણય આપણે લઈ શકીએ છીએ? એ બધાનો જવાબ તો અહીં મળી જશે પણ પ્રથમ એ જાણવું જરૂરી છે કે, આખરે નિર્ણય એટલે શું? જો નિર્ણય જ ના હોય તો બધી જફા જ પુરી થઈ જાય. આવો પણ ઘણા લોકોને વિચાર આવતો હશે. અને આવો વિચાર આવવો જ જોઈએ. કારણ કે, સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, જ્યા સુધી કોઈ વાતનો તમને યોગ્ય જવાબ ના મળે ત્યાં સુધી એ વાત ને ક્યારેય સ્વીકારવી નહીં.

વાંચક મિત્રો, નિર્ણય એટલે પોતાના માટે ખરુ કે ખોટુ વિચારવું અને તેનો અમલ કરવો. નિર્ણય એટલે પરિણામ ખબર ના હોય છતાં પણ આગળ પગલું ભરવું. નિર્ણય એટલે ભવિષ્યના પરિણામ માટે વર્તમાનમાં થતું કાર્ય. 

કહેવાય છે કે આપણે જીવનમાં કંઈક મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. તો પછી આપણે નિર્ણય કેમ જાતે નથી લઈ શકતા? 

એ વાત ખરી છે કે બાળપણમાં આપણી સમજણ શક્તિ એટલી વિકસિત નથી હોતી માટે આપણે જ આપણા પરિવારને નિર્ણય લેવાની પરવાનગી આપી હોય છે. અને કદાચ એ જરૂરી પણ હતું. કારણ કે બાળપણ એ આપણી એવી અવસ્થા છે જેમાં આપણાં કરતા આપણાં પરિવારજનો આપણા વિશે ઘણું જાણતા હોય છે. આપણા માટે સારા-નરસાનો નિર્ણય એ લોકો જ લઈ શકે છે. તો કહેવાનું તાતપર્ય એટલું જ કે આપણો એ નિર્ણય યોગ્ય હતો અથવા યોગ્ય કહેવાય.

યુવાનોના મનમાં આ વાંચી બીજો પ્રશ્ન થાય કે, અમે તો હાલ આમારા વિશે બધું જાણીએ છીએ, છતાં પણ આમારા નિર્ણય આમારો પરિવાર કે સંબધીઓ જ કેમ લે છે? તમારો આ પ્રશ્ન ખુજ જ વ્યાજબી છે અને મારી પાસે પણ આ પ્રશ્નનો યોગ્ય જવાબ છે, તો વધારે ચિંતા કરવાની જરૂર નથી.   

આપણે એક મોટી ભૂલ ત્યા કરીએ છીએ કે, આપણા વાસ્તવીક રૂપ કરતા આપણું બાહ્ય રૂપ બધા સમક્ષ રજૂ કરીએ છીએ. જે જાણતા કે અજાણતા થતી આપણી સૌથી મોટી ભૂલ છે. લોકો આપણા એ જ નિર્ણય લે છે, જે નિર્ણય લેવા માટે આપણે તેમને મજબુર કરીએ છીએ. 

જાણું છુ કે આ વાત મે ખુબ જ મોટી કરી છે જેને સમજતા થોડી વાર લાગશે પણ હા તેને સમજવી જરૂરી છે. બાકી પાછળથી પછતાવવાનો વખત પણ આવી શકે છે. 

એવુ બની શકે છે કે, આપણે પરિવાર સાથે ક્યાંક બહાર ગયા હોઈએ અને ત્યાં આપણે જે કામ ના કરવું હોય એ કામ કરવા માટે આપણને દબાણ કરવામાં આવે. એ દબાણ એટલા માટે હોય છે કે, તે સમયે તમે ફક્ટ તમે નથી! તમે તમારા પરિવારના સંસ્કાર અને વિચારને લઈ ચાલતા હો છો. ત્યારે સ્વભાવીક છે કે, તમારા પર દબાણ આવે કે આ કામ કરવું અને આ કામ તો ક્યારેય ના કરવું. 

હવે ફરી પ્રશ્ન થાય કે એમાં આપણે ક્યાથી જવાબદાર કહેવાઈએ? 

આપણે જવાબદાર એટલા માટે છીએ કે આપણા વર્તનથી આપણો પરિવાર ખુજ જ વાકેફ હોય છે કે આપણે ક્યાં કેવું વર્તન કરીએ છીએ? જો પરિસ્થિતિ પ્રમાણે આપણે ચાલતા હોઈએ તો બની શકે કે, પરિવાર નિર્ણય લેવાનું આપણા પર પણ છોડી દે! પણ પ્રથમ આપણે તેના માટે કાબીલ થવું અનિવાર્ય બને છે. 

અહીં કહેવાનો અર્થ માત્ર એટલો જ છે કે, સૌ પ્રથમ આપણે આપણી જાતને જાણવાનો પ્રયત્ન કરીએ. જો એ કામ આપણે ખુબ જ ગંભીર રીતે કરવા લાગ્યા તો એ સમય દુર નહીં હોય જ્યારે આપણા તમામ નિર્ણય આપણે ખુદ લેતા હોઈશું.


વિમલ પ્રજાપતિ


ટિપ્પણીઓ