આઝાદ દેશની ગુલામ 15મી ઓગસ્ટ!



આજે ફરી એકવાર દેશ માટે પ્રેમ જાગશે, એકવાર ફરી લોકો કોઈક નિશ્ચિત જગ્યાએ મળી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. પણ મને એકવાત ખટકે છે કે, આજે મળવા વાળા શું આખું વર્ષ હળીમળીને રહેશે? કે પછી ફરી પાછા જાતિવાદના દરિયામાં ડૂબકી મારવા જતા રહેશે? શું દેશ માટે પ્રેમ 15 ઓગસ્ટના દિવસે જ હોવો જોઈએ? તેના પછીના દિવસો શું દુશ્મની નીભવવા માટે છે?

વર્તમાન સમયમાં એક ગરીબ આ દેશના કહેવાતા અમિરો પાસે પોતાનો હક માંગે છે, એક ગરીબનું બાળક પોતાની જાતને સવારવા માટે શિક્ષા માંગે છે, એક સ્ત્રી પોતાની આબરૂ બચાવવા પુરુષ પાસે આઝાદી માંગે છે, કોઈક પોતાના માટે આઝાદી માંગે છે, તો કોઈક પોતાના'થી આઝાદી માંગે છે.

આ દેશમાં આઝાદ કોણ છે એ જ મોટો પ્રશ્ન છે, ક્યાંક પાણી માટે પાળ બંધાય છે તો ક્યાંક પાણી માટે કોઈની હત્યા થાય છે. કોઈ પાણી પીવડા માટે લડે છે તો કોઈ પાણી પીવા માટે લડે છે. શું આઝાદી પાણીની છે?

15 ઓગસ્ટ પણ પોતાને કોસતી હસે કે, હું કોના માટે આઝાદી થઈ છું. અહીઁ તો ભાઈ ભાઈનો નથી તો બીજાનો ક્યાંથી થવાનો? ક્ષણિક માટે દેશ પ્રેમ દર્શાવી બધાજ લોકો ફરી એવું જીવન જીવવામાં વ્યસ્ત થઈ જશે જેવું ગુલામીમાં જીવતા હતા. કારણ કે, લોકોને આઝાદીની આદત જ નથી. હજી પણ પોતાની જાતને જૂના વિચારોના ગુલામ માને છે. લોકોને આઝાદ થવું જ નથી. અથવા એમ કહો કે આઝાદી એમને સ્વીકાર્ય નથી!

જ્યાં સુધી જાતિવાદ અને કોમવાદ લોકોના મગજમાં ઘર કરીને રહેશે ત્યાં સુધી દેશ ક્યાંથી આઝાદ કહેવાય? કારણ કે આપણે એજ ઇતિહાસ દોહરાવી રહ્યા છીએ જે ઇતિહાસ અંગ્રેજોનો હતો. એ લોકો જાતિવાદ અને કોમવાદના નામે આપણને લડાવી રાજ કરતા રહ્યા અને હવે આપણે પણ એજ કરી રહ્યા છીએ, તો પછી આપણે આઝાદ કોનાથી થયા? આપણે અંગ્રેજોના ગુલામ હતા કે વિચારોના?

મારા વિચારો અને મારું આચરણ આઝાદ નથી તો હું આઝાદ કેવી રીતે હોઈ શકું? અને એ આઝાદીની વ્યાખ્યા પણ નથી. આઝાદી એટલે તમામ પ્રકારના ભેદભાવ અને દ્વેશથી દૂર થવું, બીજો એ બીજો નથી પણ આપણો ભારતીય ભાઈ છે એ ભાવના નિર્માણ થવી. ખરા અર્થમાં આ આઝાદી છે.

હજી પણ સમય છે, આપણા વિચારોને બદલી લઈએ અને હા, જો આપણે પોતાના વિચારો ના બદલી શકીએ તો પછી બીજાના વિચારોને આઝાદ થવામાં અડચણ તો ના જ બનીએ! આપણને કોઈ જ અધિકાર નથી કે બીજાની આઝાદીને ગુલામ બનાવીએ.

આપણે લોકો આઝાદીનો ખરો અર્થ સમજ્યા જ નથી. કારણ કે, તેના માટે આપણે કોઈ બલિદાન નથી આપ્યું ને! ઇતિહાસ સાક્ષી છે કે, જે વસ્તુ મફતમાં મળે તેની કિંમત કોઈને નથી સમજાતી. આપણી પણ આજ મજબૂરી છે. જાતિવાદે દેશને કોરી ખાધો છે, અને અત્યારે પણ કદાચ પરિસ્થિતિ એવી જ આવી છે. કણભાર પણ ફરક આવ્યો નથી. આવે પણ ક્યાંથી આપણે તો સુધારેલા લોકો કહેવાઈએ ને! આપણા વિચારો જો બદલી લઈએ તો તો આપણી ભોમકા લાજે!

આખરે ક્યાં સુધી બાળકો શિક્ષા માટે વલખાં મારશે?, ક્યાં સુધી મહિલાઓ પોતાના જ અધિકાર માટે પોતાના લોકો સાથે લડતી રહેશે?, ક્યાં સુધી ધર્મના નામે ધતિંગો થતાં રહેશે?, ક્યાં સુધી લોકો અંધકારની દુનિયામાં પીસાતા રહેશે?, ક્યાં સુધી માનવ માનવનો દુશ્મન બનીને રહેશે? ક્યાં સુધી મુઠ્ઠી ધાન વેચવા ખેડૂત લાચારી ભોગવતો રહેશે?, ક્યાં સુધી અમીરો ગરીબોને લૂંટતા રહેશે? અને આખરે ક્યાં સુધી 15 ઓગસ્ટ પોતાને કોસતી રહેશે?

છે કોઈની પાસે આ સવાલોનો જવાબ?

ના! એમાના એક પણ સવાલનો અત્યારે જવાબ મળી શકે તેમ નથી. કારણ કે, આપને તો સુધારેલા લોકો છીએને! સુધારેલા લોકોને ક્યાં એનો કોઈ ફરક જ પડે છે?



ટિપ્પણીઓ