પિતા એટલે...


તસવીર: વિમલ પ્રજાપતિ/ फोटो : विमल प्रजापति/ Photo: Vimal Prajapati
તસવીર: વિમલ પ્રજાપતિ/ फोटो : विमल प्रजापति/ Photo: Vimal Prajapati

જગતના તારણહારને પિતા કહેવાય છે. પિતા એક એવું વ્યક્તિત્વ છે, જેના માટે બઉ ઓછું લખવામાં આવ્યું છે. મા આપણને એ શીખવાડે છે કે, રોટલો ખાવો કેવી રીતે, જ્યારે પિતા શીખવાડે છે કે, રોટલો કમાવો કંઈ રીતે? દુનિયા ભલે માની વાતો કરતી હોય પણ પિતા આપણા જીવન સાથે વણાયેલું એક એવું સ્વરૂપ છે, જેના ઉપકારને આપણે પ્રત્યક્ષ જોઈ નથી શકતા. કારણ માત્ર એટલું જ છે કે, પિતા આપણને ક્યારેય I Love you નથી કહેતા. 

પિતા આપણા જીવનને રંગીન બનાવવામાં પોતાની જિંદગીને બેરંગ બનાવી દે છે. પિતા એવું ચરિત્ર છે, જે પોતાની જરૂરિયાતોના ભોગે પણ બાળકોના શોખ પૂરા કરે છે. તેનું બનિયાન ભલે ફાટેલું હશે પણ બાળકોને કપડાં મોંઘા લાવી આપશે. તહેવારોમાં તે પોતાનું જૂનું સર્ટ પહેરી લેશે, પણ બાળકોને કુર્તો નવો જ લાવી આપશે. તેના માટે તો બાળકોની ખુશી તહેવાર સમાન જ છે. છતાં એ ખુશીમાં તે સામેલ નથી થઈ શકતો. કારણ કે, તેને વધારે મહેનત કરવામાંને કરવામાં પોતાની ખુશીનો ખ્યાલ જ નથી રહેતો. 

મા હંમેશા બાળકો સાથે જ રહે છે એટલે તેના માટે લેખકો ઘણું બધું લખે છે. પણ તેને માટે કોણ લખશે? જે તે બંનેની સંભાળ રાખે છે. જ્યા સુધી પિતા સાથે હોય ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણું કંઈ બગાડી શકતી નથી. અરે દોસ્ત, ટાઢ હોય કે તડકો, દિવસ હોય કે રાત પણ પિતા પોતાની જવાબદારીઓમાંથી ક્યારેય રજા નથી લેતો. ગમે એટલો થાકીને આવ્યો હોય પણ પોતાના બાળકની એક ખુશી તેનો બધો થાક હરી લે છે. 

આ હું પિતાના વખાણ નથી કરતો કારણ કે, આપણી એટલી હેશિયત નથી કે આપણે તેના વખાણ કરી શકીએ. પિતા થવું સહેલું નથી. પોતાની ખુશીઓને ત્યાગીને બીજા માટે જીવવાની ખુમારી એટલે પિતા, પોતાના સપના ભૂલી પરિવારના સપના સાકાર કરે તે એટલે પિતા, પોતે મરી મરીને બીજા જીવાડે તે એટલે પિતા, પોતાના કરતાં ઘરનું વધારે વિચારે તે એટલે પિતા.

"પિતા હૃદય છે, પિતા આત્મા છે,
પિતા બાળકોનો પરમાત્મા છે,
પિતા ઘરનું રાશન છે, પિતા ઘરની જવાબદારી છે,
પિતા બાળકોનું આસન છે, પિતા માનો સુહાગ છે,
પિતા સુખોનો ગુણાકાર છે, પિતા દુઃખોનો ભાગાકાર છે,
પિતા સંબંધનો આકાર છે, પિતા જીવનનો સુખાકાર છે."

સાદગી કોને કહેવાય તે ગાંધી કરતા પણ વધારે પિતાએ આપણને શીખવ્યું છે. કારણ કે, બાળકોની ખુશીઓ પૂરી કરવામાં તે પોતાની ખુશીઓની બલી ચડાવી દે છે. પિતા પોતાની તમામ ખુશીઓ પોતાના બાળકો પાછળ ખર્ચી દે છે. ખરા અર્થમાં જોઈએ તો ત્યાગનું સર્વશ્રેષ્ઠ ઉદહરણ પિતા જ તો છે. કારણ કે, પિતાએ જેટલો ત્યાગ કર્યો છે એટલો ત્યાગ આ જગતમાં કદાચ કોઈએ કર્યો નહીં હોય.

ખબર નહીં આપણે એ વાતનો સ્વીકારતા કેમ નથી? આપણે પણ હવે એટલા આધુનિક થઈ ગયા છીએ કે, દરેક વાતનું હવે પ્રમાણ જોઈએ છે. મિત્રો એટલું યાદ રાખજો કે, સંબંઘો અને લાગણીમાં જો પ્રમાણને માપવા કે જોવા જઈશું તો આપણને મનુષ્ય હોવાનો કોઈ અધિકાર નથી. પિતા પોતાના પરિવાર માટે શું નથી કરતો? પોતાનું સર્વસ્વ ભૂલીને પણ તે પોતાના ચહેરા પર ખુશીનો ભાવ રાખે છે. આ જ તો છે, સાચી નિષ્ઠા અને ત્યાગની નિશાની. 

હવે સમય બદલાવા લાગ્યો છે, લોકો ઓનલાઈનની દુનિયામાં એટલા ખોવાઈ ગયા છે કે, તેમને વાસ્તવિક દુનિયાનું કાઈ ભાન જ રહ્યું નથી. પરિવાર જ ભૂલાવા લાગ્યો હોય તો પછી પરિવારને ચલાવવા વાળા પિતાને એ કેવી રીતે જાણી શકે? પિતાને સમજવા માટે પહેલા આપણે સાદગીને જાણવી પડશે. જો સાદગી સમજાઈ જશે તો પિતાનું વ્યક્તિત્વ આપોઆપ સમજાઈ જશે. 

દીકરો ગમે તેટલો ખરાબ બની જાય કે દુષ્ટાચારી બની જાય પણ પિતા પોતાની જવાબદારી ક્યારેય નહીં ભૂલે. દીકરીના મનને પિતા ખૂબ સારી રીતે સમજી શકે છે. અને કદાચ એટલા માટે દીકરીને પિતા સૌથી વધારે વહાલા હોય છે. તમને ખબર હશે કે, દીકરી પોતાની વિદાય વેળાએ પિતાને સૌથી છેલ્લે જ મળે છે, તમને કારણ ખબર છે? કારણ કે, દીકરીને ખબર હોય છે કે, પિતાને મળ્યા પછી તે બીજા કોઈને મળે એવી રહેશે નહીં.

એક લેખક તરીકે પિતાનું વર્ણન કરું તો, દરિયાને સાહી, વૃક્ષોને કલમ અને આકાશને કાગળ રાખીને જો પિતા વિશે લખવા બેસીએ તો પણ તેનો મહિમા લખાઈ શકે તેમ નથી. પિતા એવું વિરલ વ્યક્તિત્વ છે. જેમ પૃથ્વી ઈશ્વરના ભરોસે ચાલે છે તેમ આપણું જીવનને પિતાના સહારે ચાલી રહ્યું છે. એક વાત મને આજે પણ ખટકે છે, આજના યુવાનો પિતાને માન આપવાનું ભૂલી ગયા છે. તમને સ્પષ્ટ ભાષામાં વાત કરૂ તો એ લોકો હવે પિતા માટે 'ડોહો' શબ્દનો પ્રયોગ કરે છે. જેમકે 'માર ડોહો નહીં મોને,' 'માર ડોહો મન બોલશે,' 'તું માર ડોહાને ઓળખતો નહીં' 

અત્યારના જુવાનીયાઓ દ્વારા આવા વિશેષણોને પ્રયોગ કરવામાં આવે છે, અને એ પણ ખુમારીથી! હવે આમાં ખુમારી કેવી? આવા શબ્દોનો પ્રયોગ કરવાથી લોકોને તમારી વૃત્તિનો આભાસ થઈ જાય છે કે, તેને કેવી પ્રકૃતિના છો. તમારી ભાષા પરથી તમારા સ્વભાવ અને આચરણનો ખ્યાલ આવી જાય છે. હવે વિચારવાનું તમારે છે કે, તમારે તમારી છાપ કેવી રાખવી છે? 

અત્યારે  સમય પણ છે અને સંજોગ પણ છે. તો  આ વાતને સમજી લેવાની તાતી જરૂર છે. અને જો આપણી ઓળખાણ આપણા પિતાથી થાય છે, તેમા કોઈ વાંધો નથી. પરંતુ પિતાને અંદરથી એવી ઈચ્છા હોય છે કે, તેની ઓળખાણ સંતાનોથી થાય છે. પિતા આ જ વિચારમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે.

આ લેખનો વીડિયો: https://youtu.be/McBG3gZDjW8

ટિપ્પણીઓ