![]() |
| તસવીર: વિમલ પ્રજાપતિ / फोटो : विमल प्रजापति / Photo: Vimal Prajapati |
"ભૂતકાળની વાત છોડ, વર્તમાનની વાત કરીએ,
તું હતો કોણ 'ને હું છું કોણ? એ બધું જ ભૂલી જઈએ,
ચાલ આપણે નવા વર્ષની શરૂઆત કરીએ"
ભૂતકાળ ભવ્ય અને સમૃદ્ધ હોય છે, તેવી કહેવત છે. આપણો પણ એક ભૂતકાળ છે. જેમાં અનેક લાગણીઓ અને ભાવનાઓ સચવાયેલી છે. પરંતુ શું એ ભૂતકાળના કારણે આવનાર ભવિષ્ય સાથે અન્યાય કરવો યોગ્ય છે? ભૂતકાળ આપણો છે અને આવનાર ભવિષ્ય પણ આપણું જ છે. પણ હા, આ બન્ને વચ્ચે એક કડી છે. જેને આપણે વર્તમાન કહીએ છીએ. વર્તમાન એ એવો કાળ છે, તે બીજા બધા કાળ વચ્ચે સમતુલન જાળવી રાખે છે. પણ આપણે છૂટી ગયેલી કે ભૂલાયેલી વાતોને એટલી હદે યાદ કરીએ છીએ કે, તેના કારણે કાળનું ચક્રવ્યુહ પણ ચકરાઈ જાય છે.
વિતેલા સમયની સાથે બધા લોકોને કઈકને કઈક સંબંધ તો હોય છે. કોઈને વિતેલા સમય સાથે સારી યાદો જોડાયેલી છે, કાં તો ખરાબ યાદો સયવાયેલી છે. કોઈનો પ્રેમ છૂટી ગયો છે, તો કોઈનો પ્રેમ ભૂલાઈ ગયો છે. કોઈનો સંબંધ બંધાયો છે, તો કોઈને તૂટ્યો છે. કોઈ એકલતાના અંગાર પર શેકાયું છે, તો કોઈ મિલનનાં દ્વારે જઇને પણ પાછુ આવ્યું છે. આ બધુ કાળની ગતિને અવગત છે. હવે નિર્ભર આપણા પર કરે છે કે, આપણે કેવું ભવિષ્ય જોવા માંગીએ છીએ.
સામન્ય વાત કરૂ તો, બધા લોકોને વિતેલી પળો યાદ આવે છે. 2022નું વર્ષ રહ્યું જ એવું છે કે, તેને ભૂલવું અઘરૂ છે. પણ...પણ ભૂલશો નહીં તો આગળ કઈ રીતે વધશો? ખરાબ યાદોની હોળી કરીને સારી યાદોનો સંગ્રહ કરો તો કદાચ સારા ભવિષ્યની આશા રાખી શકાય. હવે પ્રશ્ન એ થાય કે, મે આશા કેમ કહ્યું? તેની પાછળ પણ એક કારણ છે. કારણ કંઈક એવું છે કે, વાસ્તવમાં ફક્ત તમારી યાદો કે વિતેલી પળોના આધારે તમારૂ ભવિષ્ય નક્કી ન થાય, તેના માટે સૌથી અગત્યની બાબત છે કર્મ.
આપણી વાત કંઈક અલગ જ દિશામાં ચાલી ગઈ પણ વાંધો નહીં પાછા આવી જઈએ. હા... તો વાત હતી આપણે વિતાવેલી પળોને કે, જેના સહારે આપણે 2022ને પસાર કર્યું છે. આશા છે કે, બધાની યાદો સારી જશે. પરંતુ ફરી વાત સમયની છે એટલે બધાના જીવનમાં એક સમાન ઘટનાઓ તો બની હોય એ શક્ય નથી.
એવા કેટલાય લોકો હશે જેમનો પરિવારના લોકોથી ઝઘડો ચાલતો હશે. તો એ લોકોએ પોતાની ભૂલ હોય કે, ના હોય પણ માફી માંગી લેવી જોઈએ. પરિવારના સભ્યોએ પણ તેને માફી આપી દેવી જોઈએ. કારણ કે, ક્ષમા માંગવી સહેલી છે, પરંતુ ક્ષમા આપવી સહેલી નથી. તેવી જ રીતે વર્ષ 2022ને ક્ષમા કરી 2023નો આવકારી લઈએ. આ વર્ષે ઘણા લોકોએ વર્ષના અંતે કંઈક શિખવાનો પ્રયત્ન કર્યો હશે. તો તેમણે તે પ્રયત્નને યથાવત રાખવો જોઈએ.
મારૂ કોણ છે, અને મારૂ કોણ હશે એ બધું સમય પર છોડી દો, કારણ કે, તમે કૃત્રિમ ફૂલો તો બનાવી શકો છો, પણ તે ફૂલોમાં ખૂશ્બુ નથી લાવી શકેતા. એનો મતલબ કે આપણને આપણી મર્યાદા ખબર હોવી જોઈએ. આપણે પાંચ રોટલી ખાઈશું કે, છ એ પહેલા પેટને પૂછી લેવું જોઈએ. કારણ કે, જીત તો કોઈ વસ્તુ માટે ના નહી પાડે.
આ વર્ષે ઘણા લોકોએ નવો સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હશે, ઘણા તો સફળ પણ થયા હશે, તો શું નિષ્ફળ ગયેલાઓએ હવે નિરાશ થઈ જવાનું? ના.. પ્રયત્ન કરવો એ જ આપણી સફળતા છે. એવું કહેવાય છે કે, બધા સંબંધો ભગવાન નક્કી કરે છે. પરંતુ એક એવો સંબંધ એવો છે, કે તે આપણે નક્કી કરી શકીએ છીએ. અને તે સંબંધ એટલે મિત્રતા. આ લેખને તમારા એવા ખાસ મિત્રો સાથે શેર કરો કે, જેને તમે ભવિષ્યમાં ક્યારેય ખોવા માંગતા નથીં. કદાચ સમય એવો પણ આવે કે, તમારે તેનાથી દૂર રહેવાનો વખત આવે. એક વર્ષ કે પાંચ વર્ષ પણ મળવાનું ના થાય તો પણ મિત્રતાને ભૂલતા નહીં. કારણ કે, મિત્રતા કોઈ સમયની મોહતાજ નથી.
2022માં જે પણ તમને મળ્યું છે, તેનો સ્વીકાર કરો અને સારા ભવિષ્ય માટે તેને મઠારો. પેલી કહેવત છે ને...કે, પથ્થર જેટલો ઘસાય એટલો એ વધારે ઉજળો થાય છે. તો આવનાર 2023 માટે આપણે પોતાની જાતને ઘસવી પડશે. જેથી સારા ભવિષ્યની આશા સેવી શકાય. પણ નિરાશ થવું એ આપણા ગુજરાતીઓની નિશાની નથી. આપણે તો એની પ્રજા છીએ કે, સુરજને પણ ઠંડો કરી શકીએ છીએ. વાસ્તવમાં સુરજને ઠંડો કરવો શક્ય નથી પરંતુ આતો વાક્યને બંધબેસાડવાનો પ્રયત્ન કર્યો છે.
"શું કરશો આંખોમાં આંસુ સંઘરીને?
શુ કરશો ભૂતકાળ આગળ સપનાઓ ધરીને?
લગાવી તો જુઓ એકવાર ભવિષ્ય સાથે શરત,
જીતીશું તો ચોક્કસ આપણે આ વર્તમાનની ધરીએ"

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો