પ્રેમ અમર છે, પણ જરૂરિયાત...

વિમલ પ્રજાપતિ/ Vimal Prajapati/विमल प्रजापति

વાત એક એવા વ્યક્તિની છે જે સ્વભાવે તો ભોળો લાગે છે, પણ તેના કર્મ કઈક અલગ જ વ્યક્તિત્વને છતું કરે છે. જી હા, અહીં આ વાત છે કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા રાહુલની. રાહુલ દેખાવે ખુબ જ સુંદર અને હોશિયાર હતો. તેને જોઈને કોઈ પણ છોકરી તેના પાછળ લટ્ટુ થઈ જતી હતી. રાહુલ મોટા ભાગે છોકરીઓથી ઘેરાયેલો રહેતો હતો. તેના આજુ બાજુ બે ત્રણ મિત્રો અને ચાર પાંચ છોકરીઓ ના હોય તો સમજી લેવાનું કે, પૂજા તેની આજુ-બાજુ છે. હા એક વાત તો રહી ગઈ કે, પૂજા તેની ગર્લફ્રેન્ડ છે. જેની સાથે તે હંમેશા શાંત રહે છે. પૂજા દેખાવડી નહોતી પણ તે અમીર બાપની દીકરી હતી. આ બન્ને લોકો એક પાર્ટીમાં મળ્યા હતા. 

રાહુલ ભલે રંગીન સ્વભાવનો હોય પણ જ્યારે પૂજા તેની સાથે હોય ત્યારે તે બીજા કોઈ સામે જોવાનો પ્રયાસ પણ ન કરી શકતો. કારણ કે, તેને ડર હતો કે, પૂજા તેને છોડીને જતી રહેશે. રાહુલને બહાર ફરવા જવાનો અને હોટલોમાં જમવાનો શોખ હતો. કદાચ એટલા માટે જ પૂજા તેની ગર્લફ્રેન્ડ હતી. જ્યારે પણ આ લોકો બહાર ફરવા માટે જતા ત્યારે દરેક બિલ પૂજા જ ચુકવતી હતી. કારણ કે, પૂજા અમીર બાપની દીકરી હતી. પૂજા અમીર તો હતી જ પણ સાથે સાથે તે ખુબ જ જિદ્દી પણ હતી. જે વસ્તુ તેને ગમી જાય તેને ખરીદવાનો તે સફળ પ્રયાસ કરતી. રાહુલ પણ તે વસ્તુમાનો એક હતો. 

પૂજાને રાહુલનું રૂપ પસંદ હતું અને રાહુલને પૂજાના પૈસા. તે બન્ને એકબીજાની પસંદ નહોતા ફક્ત જરુરીયાત માત્ર હતા. અને આ પ્રેમની પરિભાષા પણ નથી. પ્રેમમાં એકબીજાની જરૂરિયાત કરતા એકબીજાની લાગણીને જોવામાં આવે છે. પરંતુ આ લોકોમાં ન તો કોઈ લાગણી હતી કે, ન તો પ્રેમનો કોઈ અણસાર હતો. બન્ને એક બીજાની ફક્ત જરૂરિયાત માત્ર જ હતા. એક વાત તો નક્કી હતી કે, આ સંબંધનું લાંબુ કોઈ ભવિષ્ચ નહોતું. પ્રેમ અમર છે પણ જરૂરિયાત નહીં.

પૂજાની લાગણી હવે રાહુલ માટે બદલાઈ ગઈ હતી અને તેને મનોમન પ્રેમ કરવા લાગી હતી. એક દિવસ રાહુલ પૂજા સાથે એક કોફીશોપમાં બેઠો હતો. રાહુલે બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો અને પૂજા પાસે આવીને બેસી વાતો કરવા લાગ્યો. રાહુલને ત્યાથી જલદી નીકળવું હતું એટલે ફરી તેણે વેટરને બૂમ મારી અને કહ્યું કે, શું કરે છે ભાઈ? કોફી લાવ જલદી. આ સાંભળીને પૂજાને નવાઈ લાગે છે. કારણ કે, આ પહેલા તેણે રાહુલને આ રીતે વાત કરતા ક્યારેય જોયો નહોતો. પૂજાએ રાહુલને અહીં પરાણે બોલાવ્યો હોય એવું લાગતું હતું. અત્યારે એક બીજી જગ્યાએ પણ રાહુલની ગેરહાજરી સાલતી હતી. કોલ્ડ કોફી આવી ગઈ 'ને રાહુલ પ્રથમ વખત આ કોફી ઝડપથી પી ગયો. હજી પૂજા કોફીને એક ઘૂંટ લે ત્યા તો રાહુલની કોફી પતી ગઈ. 

પૂજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે, 'રાહુલ Are You oky?' 

'Ya I'm Oky!' રાહુલે નઠારો જવાબ આપ્યો.

પૂજા બીજો કોઈ સવાલ પૂછે ત્યા રાહુલ બોલ્યો, તુ કઈક કેવાની હતી પૂજા? બોલ શું કહેવું છે તારે? કઈ તકલીફ છે કે શું? રાહુલે સવાલોની વર્ષા કરી દીધી.  

પૂજા આજે રાહુલને ખાસ વાત કહેવા માટે આવી હતી. પૂજાએ કહ્યું રાહુલ આજે પપ્પાએ મને પૂછ્યું હતું કે...(પૂજા આગળ કાઈ બોલે ત્યા રાહુલને ફોન રણક્યો, સ્ક્રીન પર નામ હતું 'Darling!') પૂજાનો પારો સુરજની ગરમી જેમ તપી ગયો. પૂજાને આઘાત તો લાગ્યો પણ ક્યાક ખચકાઈ પણ ખરા કે, મારો ફોન કદાચ ઘરે તો નહીં રહી ગયો હોયને? મારા ફોનમાંથી પપ્પાએ તો રાહુલને ફોન નહીં કર્યો હોય ને? તેના મનમાં આવા અનેક સવાલો થઈ રહ્યા હતા. આ બધી ગડમથલ તો થઈ હોય હોય છે. ત્યા એક છોકરી આવીને ઊભી રહે છે.

તે છોકરીનું નામ વિનીતા. વિનીતા દેખાવે ખુબ જ સુદર હતી. તેના સ્વરૂપ સામે તો સ્વર્ગની અપ્સરાઓ પર પાણી ભરે. નદીના નીર જેવી નિર્મળ એની આંખો, ગુલાબની પાખડીઓ જેવા એના ગાલ, તેના જોતા જ મન મોહિત થઈ જાય એવું તો એનું મૃદુ હાસ્ય અને  મોરપીંછ જેવી કોમળ તો એની કાયા હતી. પૂજા તેને જોઈને પોતાની અંદર કંઈક ઉણપ હોય તેવો અહેસાસ થયો. પરંતુ પછી તેને યાદ આવે છે કે, રાહુલના ફોનમાં કોલ કોનો આવ્યો હતો અને એ 'Darling' નામ કોનું હતું. તેને ફરી રાહુલને પ્રશ્ન કર્યો કે, 'રાહુલ કોણ છે આ તારી Darling?'

રાહુલ પણ ભારે મુઝવણમાં મુકાઈ ગયો, કારણ કે, આજે બને આફત એક સાથે આવી ગઈ છે. આફત એટલા માટે કે રાહુલ તે બન્નેને માત્ર જરૂરિયાત જ માનતો હતો. એટલે તેના માટેનું બન્નેનું એક સાથે આવવું આફતથી ઓછું નહોતું. પૂજા તેના માટેની જરૂરિયાત હતી તો વિનીતા તેના માટે શારીરિક જરૂરિયાત હતી. વાસ્તવમાં રાહુલ કોઈને સાચો પ્રેમ તો કરતો જ નહોતો. અધુરામાં પૂરુ વિનીતાએ પણ રાહુલ પર પ્રશ્નોનો માર ચાલુ કરી દીધો. 

આ કોણ છે રાહુલ?, હુ તેને ક્યારની ફોન કરૂ છૂં તું ફોન કેમ ઉપાડતો નથી? આજે મારે તેને ખાસ વાત કરનાની હતી.  પણ રાહુલને શું બોલવું તેનો કોઈ અંદાજ નહોતો. તેને મૌન રહેવાનું પસંદ કર્યું. પણ પૂજા તેના મૌનને કળી ગઈ હતી. ભલે રાહુલ તેને પ્રેમ નહોતો કરતો પણ પૂજાને રાહુલથી સાચો પ્રેમ હતો. આવી જ લાગણી વિનીતાને પણ રાહુલ માટે હતી. અફસોસ કે રાહુલને આ લાગણીઓની ક્યારેય કદર ના થઈ. પૂજા અને વિનીતા બન્ને આજે રાહુલને લગ્નની વાત કરવા માટે આવી હતી. વિનીતાના ઘરવાળા લગ્ન માટે માની ગયા હતા અને પૂજાએ પણ તેના પપ્પાને લગ્ન માટે મનાવી લીધા હતા. 

બે અપરિચિત યુવતીઓ એક પરિચિત યુવકના પ્રેમમાં ગળાડૂબ હતી પણ તે યુવતીઓએ જે નદીમાં પોતાની નાવડી ઉતારી છે તે નદી ખારી નીકળશે તેને અંદાજ નહોતો. પૂજા અને વિનીતા બન્ને એક બીજાની સામે જોવા લાગે છે. બન્નેને એકબીજાની આંખમાં રાહુલ માટે સાચો પ્રેમ દેખાય છે અને આંખના એક ખૂણામાં ઇર્ષા પણ નજરે ચડે છે. પૂજા વિનીતાને અને વિનીતા પૂજાને કંઈ પૂછે કે સવાલ કરે ત્યા તો એક બીજો છોકરો ત્યા આવી ચડે છે અને સીધો જ રાહુલને ભેટી પડે છે. કહે છે. 'congratulations Rahul, you Have a Daughter Born There' રાહુલ તું પિતા બની ગયો છે.

ક્રમશઃ

ટિપ્પણીઓ