ચાનો સથવારો વ્યસ્ત છે...

તસવીર: વિમલ પ્રજાપતિ/ तस्वीर: विमल प्रजापति/ Photo: Vimal Prajapati

ઘણો સમય થઈ ગયો છે એ ચા પીધાને. જેની સાથે મસ્તી, ગપાટા, વાત વગરની વાતો અને મિત્રોનો સથવારો મફત મળતો હતો. એક સમય એવો હતો કે, જ્યારે ચાના પૈસા આપવા માટે કોઈને પરાણે તૈયાર કરવો પડતો હતો. પણ એ ચાની જે મજા હતી તે ગજબની હતી. ત્યારે ચા માટે ભલે પૈસા નહોતા પણ સથવારો ચોક્કસ હતો. ચાની ટપરીએ બેસીને જે દેશના વિકાસની વાત થતી તે કદાચ પાર્લામેન્ટમાં પણ નહીં થતી હોય. ત્યારે કોઈને સંબંધ કે જાત નહોતી નડતી બસ ચાની ચુસકી જ ગમતી હતી. પછી ભલે તેનો માટે બધાએ પૈસા માટે ફાળો ઉઘરાવવો પડે. મિત્રોના ગૃપમાં ખાલી એક જ મેસેજ જતો કે, ચા પીવા જવાનું છે. પછી તેના માટે ના તો જગ્યાનું નામ લખવાની જરૂર હતી કે, ના ફરી બીજો મેસેજ કરવાની. કારણ કે, ચા પીવા માટે જગ્યા નક્કી જ હતી. મેસેજ મળતાની સાથે જ ચા ગેંગ પહોચી જ જતી.

કાળું ચા તો એટલી સારી નહોતો બનાવતો પણ તેની વાણી જે મિઠાસ હતી તે અમારો ગુસ્સો ઓગાળી દેતી હતી. એ ચાની ટપરી પર અમારૂ ગૃપ એ રીતે બેઠું હોય જાણે આ જગ્યા કાળું અમારા નામે લખી ના આપી હોય! કાળું અમને ક્યારેય જવાનું ના કહેતો, એને પણ આ ચાનો સથવારો સારો લાગતો હતો. બધા અલગ અલગ વિસ્તારમાંથી આવતા હતા પરંતુ વિચારો એટલા મળતા કે, જાણે અમે જ દેશનો વિકાસ કરવામાં સક્ષમ છીએ. આ કામ બીજા કોઈનું છે જ નહીં. ચા તો આવતી પણ ચા સાથે જે નાસ્તો આવતો તે કેમ કરી ભૂલાય? આખા ગૃપમાં ખાલી બેથી ત્રણ છોકરીઓ જ નાસ્તો લઈને આવતી હતી. પણ તે નાસ્તાને ઝાપટી જવા માટે આખી ટીડ ગેંગ હતી. જે બધું તળીયા જાટક કરી જાય અને જે છોકરી નાસ્તો લાવી હોય એના ભાગમાં તો કઈ આવે જ નહીં. 


ચા સાથે અનોખો લગાવ
વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati 


આ બધા જ લોકો હવે પોતાની જિંદગીમાં ખોવાઈ ગયા છે. બધાએ વચન આપેલા હતા કે, ટચમાં રહીશું પણ ખબર જાણો જવાબદારીઓનો બોજ વધી ગયો હોય એમ બધા પોતાની જિંદગીમાં અટવાઈ ગયા છે. હવે એ ચાનો સથવારો વ્યસ્ત થઈ ગયો છે. અત્યારે ચા માટે ફાળો કરવા નથી પડતો પૈસા તો ખુબ કમાઈ લીધા છે. એવું પણ નથી કે અત્યારે ચા નથી પીતા! ચા તો આજે પણ આમારુ ગમતું પીણું છે. પણ ચા સાથે જે સથવારો હતો તે અત્યારે નથી મળતો. આજની ચામાં એ સ્વાદ નથી આવતો. જે મિત્રો સાથે પીધેલી મોળી ચામાં આવતો હતો. એ ચાનો સથવારો આજે ખૂબ જ યાદ આવે છે. એવું થાય છે કે, ભગવાન આવીને કહે કે, જ્યા તું ફરી એ સમયમાં જીવી લે! પણ અફસોસ કે એ શક્ય નથી. 

જે ચાની ટપરી પર તમારો સાથ આપે તે મિત્ર જિંદગીભર સાથ આપવા માટે બંધાયેલો છે. અત્યારે ચા ખુબ જ સ્વાદીષ્ટ બને છે. પણ જે પેલી મોળી ચામાં મજા હતી એ મજા નથી આવતી. કારણ કે, એ ચા મોળી ભલે લાગતી પણ સાથે મિત્રોના ગપાટા સાંભળવા મળતા તે મીઠા હતા. જેથી ચા મીઠી લાગતી હતી. ત્યારે ચા ખરાબ બને તો ઝઘડો કરવા માટે પણ તૈયાર થઈ જતા અને અત્યારે બસ પૈસા આપીને કામે લાગી જઈએ છીએ. પહેલા ચાની ચુસ્કી લેતા હતા અને અત્યારે ચાનો ઘૂંટ મારીએ છીએ. મિત્રો સાથે ચા પીવાની મજા સ્વર્ગ જેવી હોય છે. એટલે લખ્યું છે કે,

જે શબ્દો પાછળના મૌનને સમજી શકે તે એટલે મિત્ર,

આંખમાંથી નીતરતા આંસુના કારણને સમજી શકે તે એટલે મિત્ર,

અને આપણે જિંદગીભર સાથે રહીશું, 

તું મને Call કરજે હું હાજર હોઈશ એ બધી વાતો છે,  

જે ખોટા હોવા છતા પણ પડખે ઊભો રહે તે એટલે મિત્ર

કાશ એ ચાનો સથવારો ફરી મળી જાય તો ફરી એકવાર એ કાળુંની ટપરીએ જઈને મોળી ચા પીવી છે. અત્યારે કોઈ નોકરીમાં તો કોઈ પોતાના ધંધામાં વ્યસ્ત થઈ ગયા છે. કદાચ એ જરૂરી પણ છે કારણ કે, સમય પ્રમાણે બદલાવ પણ જરૂરી છે. પણ યાર..... મિત્ર તો મિત્ર છે. તેની સાથે ચા પીવા મળે તો દુનિયાની દરેક ખુશી કુરબાન છે. કારણ કે, કોઈકે બઉ જ મસ્ત કહ્યું છે કે, માતા-પિતા, ભાઈ-બહેન, કુટૂંબ અને સમાજ એ આપણી મરજી પ્રમાણે નથી મળતા પણ એક મિત્રતાનો સંબંધ એવો છે, જે આપણી ઇચ્છા પ્રમાણે મળે છે. 

આશા છે કે, ચાનો સથવારો ફરી ક્યારે સમય લઈને ચા પીવા માટે આવશે. પણ શરત માત્ર એટલી જ કે સાથે ફક્ત સથવારો હશે ન કે જવાબદારી કે કામનો ભાર. એક વારતો એવો સમય કાઢવો જોઈએ કે, જ્યારે તમે બધા સાથે મળીને એ જ મસ્તી અને ગપાટા સાથે ચા પી શકો. બાકી આ જીવનની ભાગદોડ તો ચાલ્યા જ કરવાની છે. તમે તેમાં ભાગ લેશો તો પણ ચાલશે અને નહીં લો તો પણ ચાલશે. તેનું સમય ચક્ર નિશ્ચિત છે. નક્કી માત્ર આપણે કરવાનું છે કે, ચાનો સથવારો જોઈએ છે કે, સમયનું ચક્ર? 

શીર્ષક ક્રેડિટ: મુક્તિ અનાવાડિયા

ટિપ્પણીઓ