બેનામ આશિક

તસવીર: વિમલ પ્રજાપતિ/ तस्वीर: विमल प्रजापति/ Photo: Vimal Prajapati 


બેનામ આશિક

રહેઠાણ : તમારું હ્રદય


પ્રિયતમા,

તમને મારો સ્નેહ,

તમે જ્યાં પણ હશો ત્યાં બઉજ ખુશ હશો. પણ હું તમારા વગર અહીં અધૂરો છું. તમારી સાથે વિતાવેલી પળોના સહારે જ બસ જીવી રહ્યો છું.

આજે અહીં વરસાદ થયો, આ વરસાદ થયો તો તમે બઉ યાદ આવ્યાં. આ વરસાદ મને તમારી છબી બતાવી આપણી યાદોને તાજી કરી રહ્યો છે. વરસાદનો અવાજ મને તમારી એ પાયલની યાદ અપાવે છે. તમને ખબર છે હું એના પાછળ કેટલો પાગલ હતો! તમારા હોવાનો અહેસાસ મને એ જ કરાવતી હતી. હું તેનો અવાજ સાંભળીને મોહિત થઈ જતો હતો. વાદળમાંથી આ વરસાદની બુંદ પડી રહી છે તો જાણે એવું લાગે છે કે તમારા કોમળ હોઠોમાંથી માધુર્ય ટપકી રહ્યું છે. ઈચ્છા તો એવી થયા છે કે બસ એને અવિરત પીતો જ રહું. આ વીજળી મને તમારો સ્પર્શ યાદ અપાવે છે. કેમ કે, જ્યારે પણ તમે મને સ્પર્શ કર્યો છે ત્યારે મારા શરીરમાં વીજળી દોડી છે. 

મારા આંગણામાં પડેલા એ પાણીના ખાબોચિયાં એવાં લાગે છે કે જાણે તમારા ગાલ પરની એ ખાડીયો ના હોય! ઘરના નેવાળીયે પડતું પાણી તમારા રેશમી વાળ જેવું લાગે છે. અને એવું લાગે છે કે જાણે મારા શરીર પર તમારા એ રેશમી વાળ ફરી રહ્યા છે. જેનો હું અનુભવ કરી રહ્યો છું. આ મેઘની ગર્જનાને કારણે ટહુકતો મોરલો મને તમારા એ ગીતની યાદ આપાવે છે જે તમે મારા માટે ગાતા હતા. એ ગીત યાદ કરીને તો હું હજી પણ મૂર્છિત થઈ જાઉં છું. મારા ઘરની બાજુમાંથી નીકળતો પાણીનો હોળો મને તમારી એ આંખોનો યાદ અપાવે છે જે આંખોમાંથી મારા માટે અવિરત પ્રેમ વહેતો હતો.

ખરેખર આ વરસાદ મને ખુબ જ હેરાન કરી રહ્યો છે. વરસાદ અને ધરતીનો મેળાપ મને આપણા મિલનની યાદ અપાવે છે. વરસાદ ફરી આપણાં પ્રેમને જાગ્રત કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જેમ વરસાદનું પાણી ધરતીમાં સમાઈ જાય છે એમ હું પણ તારામાં સમાઈ જવા માંગુ છું. મને ખબર છે કે તમે મારાથી બઉ જ દૂર છો પણ એ દૂરી ને દૂર કરવા અને આપણું મિલન કરાવવા માટે જ તો આજે ઈશ્વર વરસાદ રૂપે આવ્યો છે. જો તું મને મારી આ આશિકી (પ્રેમપત્ર)નો જવાબ નહીં આપે તો હું જનમો-જનમ તારી આશિકી(પ્રેમપત્ર)ની રાહ જોઈશ. આમ તો હું બીજા જનમમાં નથી માનતો પણ તને પામવા માટે હું લાખો-કરોડો જનમ લેવા તૈયાર છું. સ્વીકારું છું કે તમને પામવા માટે તો કદાચ આ એક જનમ પણ ઓછા પડે.

હું તમને મારી મારી થવામાં દબાણ નથી કરતો પણ મારા પ્રેમનો ઇઝહાર કરું છું અને હું તમારી રાહ જોઇશ અને ત્યાં સુધી રાહ જોઇશ જ્યાં સમય પણ થંભીને સમયની રાહ જોવે છે. તમને પામવા માટે હું ક્ષિતિજના સીમાડે રાહ જોઇશ, તમને પામવા માટે હું મોતના દ્વારે પણ રાહ જોઇશ, તમને પામવા માટે હું તમારા પડછાયાની પડખે પણ રાહ જોઇશ અને હા ખાસ તો તને પામવા માટે હું તમારા હૃદયમાં રાહ જોઇશ.

મને વિશ્વાસ છે કે એક દિવસ તો એવો આવશે જ્યારે તમને મારા પ્રેમનો અહેસાસ થશે. હું અને તમે એક પથારીમાં સાથે સુતા હોઈશું. આ પ્રેમની પળોને વાગોળતા હોઈશું અને પ્રકૃતિની સાથે સ્નેહીલુ જીવન જીવતા હોઈશું. જ્યાં ફક્ત તમે, હું અને આ વરસાદ જ હોય બીજું કોઈ નહીં. આપણે એવી જગ્યાએ ઘર બનાવીશું જ્યાં હોય ફક્ત તમે, હું અને આ વરસાદ...

લી.

તારો બેનામ આશિક

ટિપ્પણીઓ