![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
નિશા પોતાની ડાયરી ફટાફટ મુકી દે છે અને સંતાડી દે છે. જેથી પ્રકાશ તેને જોઈ ના જાય. પ્રકાશ નિશાને લઈને હોલમાં આવે છે ત્યા નિરવ બેઠો હોય છે. નિરવને જોતા જ તે અચંબીત થઈ જાય છે. નિરવ પણ નિશાને જોઈને વિચારમાં પડી જાય છે. કારણ કે, તે સાત વર્ષ પછી આજે નિશાને જોઈ રહ્યો હોય છે. પહેલા તો તેને પામવા માટે અને પછી જેને ભૂલવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા, તે આજે સામે આવીને ઊભી છે. બન્ને એકમેકની આંખોમાં જોઈ રહ્યા હોય છે. ત્યા પ્રકાશ પાણી લઈને આવે છે. પ્રકાશને આવતો જોઈને નિશા અને નિરવ સ્વસ્થ થાય છે. પ્રકાશ નિરવની ઓળખ આપતા કહે છે કે, આ નિરવ છે. મારૂ પોસ્ટિંગ જે બ્રાન્ચમાં થયું છે, ત્યા જ નિરવ કામ કરે છે. મતલબ અમે સાથે કામ કરીએ છીએ.
પ્રકાશ સાથે કામની વાત કરે છે એટલે નિશાને ફાળ પડે છે કે, પ્રકાશને અમારા પ્રેમ વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? જો કે, પ્રકાશ નિશાના પહેલા પ્રેમ વિશે જાણતો હતો. પણ નિશા સામે ક્યારેય એ વાત કરી નથી. આજે અચાનક આમ નિરવ આવી ચઢ્યો એટલે તે હેબ્તાઈ જાય છે. 'કોનસા મંત્ર જપું મે ભગવન તુમ ધરતી પર આવો' પ્રકાશનો ફોન રણક્યો. તે ત્યાથી ઊભો થઈને બહાર જાય છે. હવે નિરવ અને નિશા જ ત્યા બેઠા હોય છે. પણ કોઈને કોઈ બોલવાની હિંમત થતી નથી અથવા એમ કહો કે, બન્ને એકબીજાને બોલાવા માંગતા જ નથી. બન્નેએ એકબીજાનું મોં ના જોવાના પ્રણ કર્યા હોય છે. છતા સાત વર્ષ પહેલાનો પ્રેમ અને એ એકાંતની પળ તેમના પ્રણને અત્યારે ડગાવી રહી છે. નિશાને પણ નિરવને એ વાત યાદ આવી જાય છે.
નિરવએ કહેલું કે, તું મને જ્યારે પણ દિલથી યાદ કરીશ ત્યારે હું તારી સામે હાજર હોઈશ. અને આજે બને પણ એવું છે. નિશા અને નિરવનને વાત કરવાની ઇચ્છા હોવા છતા બન્ને બોલવા માંગતા નથી. કારણ કે, નિરવને થાય કે, જો તે વખતે નિશાએ મારી સાથે વાત કરી હોત તો આજે અમે સાથે હોત, પણ ત્યારે નિશાને કઈ વાતનું ખોટૂ લાગ્યું હતું તેની કાઈ ખબર નહોતી. નિશા પોતાના મનમાં એક મોટું રહસ્ય છુપાવીને બેઠી હોય છે. નિરવને થાય છે કે, નિશાએ આ વાત પોતાની ડાયરીમાં લખી હશે. જો કે, નિશાએ લખી પણ છે. તે દરેક પળનું વર્ણન નિશાએ પોતાની ડાયરીમાં કરેલું હોય છે.
પ્રકાશ બહારથી આવે છે એટલે આવીને નિરવને પુછે છે કે, શું યાર નિરવ આટલો શાંત કેમ બેઠો છે? ઓફિસમાં તો ઘણુય બોલતો હોય છે. અહીં કેમ ચુપ થઈ ગયો છે. અરે યાર આજે એક જુની યાદ તાજી થઈ ગઈ છે. નિરવે પ્રકાશને કહ્યું. પ્રકાશ પણ જેવોતેવો નહોતો. તેણે પણ આગળ પુછવાનું ચાલુ રાખે છે અને પુછે છે કે, કેવી યાદ? જરા અમને તો કહે એટલે ખબર પડે. આ સવાલ કરતા જ નિશા થોડી ટેન્શનમાં આવી જાય છે. નિરવએ કહ્યું કે, એ તો મારા ભૂતકાળની વાત છે જેને હું ક્યારેય યાદ કરવા નહોતો માંગતો, મે અત્યાર સુધી તેને ભૂલવા માટે જ પ્રયત્ન કર્યો છે. પણ આજે એ થઈ ના શક્યું.
આ બધી વાતો ચાલતી હોય છે ત્યા નિશાના ફઈ રમિલા આવે છે. આ એ જ રમિલા છે જે નિરવના કાકી છે. નિરવ અને રમિલા બન્ને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે, નિરવ પણ વિચારમાં પડી જાય છે કે, રમિલાકાકી અહીં ક્યાથી? તો સામે રમિલા પણ વિચારમાં પડી જાય છે કે, નિરવ અહીં શું કરે છે. વાસ્તવમાં નિરવને ખબર નથી હોતી કે, રમિલાકાકી નિશાના ફઈ છે. કારણ કે, તે પહેલા ક્યારે ના તો કાકીએ વાત કરી હોય છે કે, ના તો નિશાએ રમિલાકાકીની કોઈ ઓળખાણ આપી હોય છે. હવે અહીં મોટો ઘટસ્ફોટ થવાનો છે.
નિરવ ઊભો થઈ જાય છે અને કહે છે કે, રમિલાકાકી અહીં શું કરો છો? રમિલાકાકી પણ હળવા મને જવાબ આપે છે કે, નિશા મારી ભત્રીજી છે. હું તેને મળવા માટે આવી છું. આ બાજું નિશા પણ વિચારમાં પડી જાય છે કે, રમિલા કાકી પણ નિરવને ઓળખતા હોય છે. તો રમિલા કાકી પણ વિચારમાં પડી જાય છે કે, નિરવ અને નિશા એકબીજાને કઈ રીતે ઓળખે છે? હવે રમિલા કાકીને પણ થાય કે, બન્નેને સાચી હકીકત જણાવી દેવો જોઈએ કે, જો તે બન્ને માની ગયા હોત તો આજે તે બન્ને સાથે રહેતા હોત.
વાત જાણે એમ છે કે રમિલા કાકીને ખબર હતી કે, નિરવ સંસ્કારી અને આજ્ઞાકારી છોકરો છે તો તેનાં માટે સારી છોકરી શોધવી જોઈએ. તો રમિલાકાકીને વિચાર આવે છે કે, જો મારા ભાઈની છોકરી સાથે નિરવના લગ્ન થઈ જાય તો નિશા ક્યારેય દુઃખી નહીં થાય. અને રમિલાકાકીના ભત્રીજી એટલે નિશા પોતે. રમિલાકાકી પોતાના ભાઈને વાત કરે છે એટલે તે પણ માની જાય છે. રમિલાકાકીના ભાઈ કહે છે કે, આગળ વાત કરતા પહેલા નિશાને પૂછી લેવું જોઈએ. તો રમિલાકાકી નિશાને વાત કરે છે અને નિરવનો ફોટો બતાવે છે. નિશા આ ફોટો જોઈને ખુશ થઈ જાય છે અને હા પાડી દે છે. કારણ કે, તે નિરવને તો પહેલેથી જ પ્રેમ કરતી હોય છે. એટલે વાત નક્કી થાય છે અને બે દિવસ પછી જોવા જવાનું નક્કી થાય છે.
આ બધું થયા પછી પણ નિશા નિરવને વાત જણાવતી નથી તેને એવું હોય કે, નિરવને સરપ્રાઇઝ આપીએ. નિશા નિરવની નજીક પણ આ વાત જાણ્યા પછી જ આવે છે કે, હવે તો નિરવ મારો જ થવાનો છે. તો આ પળને વધુ રંગીન બનાવીએ અને એકાંતની પળમાં શરીરસુખ માણીએ. આ બધી વાતથી નિરવ હજી પણ અજાણ હોય છે. હવે જ્યારે મહેમાનો આવે છે ત્યારે નિરવને તો ખબર નથી કે, આ નિશાના જ ઘરવાળા છે અને નિશાની જ વાત લઈને આવ્યા છે. નિરવ એવું સમજે છે કે, આ કોઈ બીજા છે. તેથી તે ફોટો જોવાની પણ તસ્દી લેતો નથી કારણ કે, તેના મનમાં તો બસ નિશા જ નિશા હોય છે.
વાસ્તવમાં તો રમિલાકાકીને પણ ખબર નથી હોતી કે, નિરવ જેને પ્રેમ કરે છે તે નિશા જ છે. એટલે રમિલાકાકી તેમના ભાઈને અજાણતા કહી દે છે કે, નિરવ તો કોઈ બીજી છોકરીના લફડામાં છે. બીજી છોકરીના લફડાની વાત સાંળતા જ નિશાને ધ્રાસ્કો લાગ છે કે, નિરવે મને છેતરી છે. મારી સાથે ગદ્દારી કરી છે. નિશાને પણ મનમાં દ્ગઢ વિચાર થઈ જાય છે કે, નિરવ મને નહીં મારા શરીરને પ્રેમ કરતો હતો! તેણે મારી સાથે સંબંધ ફક્ત શરીર માટે રાખ્યો હતો. આવા અનેક વિચારો પછી નિશા નિરવને ધિક્કારવા લાગે છે.
આ બધી ગડમથલ ચાલતી હોય છે ત્યા કારણ કે, હજી સાચી હકીકત એકવીજાને ખબર નથી હોતી. બધા જમવા માટે બેસે છે. જમતા જમતા રમિલાકાકી પ્રકાશને કહે છે કે, પ્રકાશ કુમાર તમને ખબર છે નિશાનું સગપણ પહેલા ક્યા પૂછાતું હતું? પ્રકાશને ખબર હોય છે કારણ કે, નિશાની ડાયરી વાંચી હોય છે. પરંતુ ડાયરીવાળો નિરવ કોણ હતો એ ખબર નથી હોતી. એટલે કહે છે કે, ના ફઈ મને નથી ખબર હો. તો રમિલાકાકી કહે છે કે, નિશા સાથે જેની વાત ચાલતી હતી તે વ્યક્તિ એટલે બીજું કોઈ નહી આ નિરવ જ. પણ આ વાતચીત દરમિયાન નિરવ વોશરૂમ ગયો હોય છે એટલે તેણે આ વાત સાંભળી નહોતી. એટલે હજું પણ તે આ વાતથી અજાણ હોય છે.
બધા જમીને નીકળે છે, નિરવ પણ પ્રકાશને મળીને નીકળી જાય છે. થોડા જ દિવસોમાં નિરવ પોતાની બદલી કરાવીને જતો રહે છે. આ વાત હજી પણ નિશા અને નિરવ માટે રાઝ બનીને રહી જાય છે. તેમણે પછી ક્યારેય આ રહસ્ય વિશે વાત કરવાની કે, કોઈ વાત જાણવાની ક્યારે તસ્દી લીધી નથી. જો કે, હવે તેનો કોઈ ફાયદો પણ નહોતો. કારણ કે, નિશાએ તો લગ્ન પણ કરી લીધા છે અને તેનો સંસાર સારો ચાલી રહ્યો છે. પણ નિરવે હજું સુધી લગ્ન નથી કર્યા. તે નિશા સિવાય કોઈને પણ પોતાની પાસે આવવા દેવા નહોતો માંગતો. એટલે લગ્નનો ક્યારેય વિચાર કર્યો નથી. બસ આવી રીતે કહાણી પૂરી થઈ છતા પણ અધુરી રહી ગઈ...

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો