![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
અત્યારે ધંધા કરતા નોકરીનું મહત્વ ખુબ જ વધી ગયું છે. દરેક વ્યક્તિ નોકરી મેળવવા માટે મથામણ કરી રહ્યો છે. ચાર પૈસા કમાવવા માટે વ્યક્તિ નોકરી કરે છે. એ વાત પાયા વિહોણી છે. કારણ કે, અત્યારે નોકરી પૈસા માટે નહી પણ રૂતબા અને સમાજમાં એક સ્થાન મેળવવા માટે થઈ રહી છે. એમા પણ ભાગ પડે છે કે, સરકારી છે કે પ્રાઇવેટ છે. તેના આધારે માનસન્માન મળતું હોય છે. પણ કોઈએ ક્યારેય વિચાર્યું છે કે, નોકરી મેળવ્યા પછી વ્યક્તિની મનોસ્થિતિ કેવી હોય છે. શું નોકરી મેળવ્યા પછી તેનું જીવન રંગીન બની જાય છે ખરૂ? શું પછી તેની જિંદગી વ્યવસ્થિત ચાલે છે ખરી?
આવા તો અનેક સવાલો થવા જોઈએ, જોકે તે થતા નથી એ વાત જૂદી છે. કારણ માત્ર એટલું જ છે લોકોને એવું લાગે છે કે, નોકરી મેળવી લીધા પછી વ્યક્તિનું જીવન સરળ બની જાય છે. તે પોતાના દરેક શોખ પૂરા કરી શકે છે. અને તે આ દૂનિયાનો સૌથી સુખી માણસ છે. પણ આ વાત સાથે નોકરિયાત ખુદ સહમત નથી. તેનું પણ એક કારણ છે. વાત જાણે એમ છે કે, વ્યક્તિની ઇચ્છાઓની કોઈ સિમા નથી હોતી. તે પોતાની જીવનમાં ઘણું બધુ કરવા માંગે છે. તેના માટે જ તે મથામણ કરતો હોય છે. પણ નોકરિયાત માટે એ સપનાઓ માત્ર સ્વપ્ન બનીને રહી જાય છે.
નોકરિયાત ન કેવળ પોતાનું વિચારતા તે પરિવારના દરેક સભ્યનું વિચારવા લાગે છે. પરિવારની જવાબદારીઓને તે પોતાના સિરે લઈ લે છે. તો આ જવાબદારીઓની સાથે ફક્ત જરૂરિયાત જ પૂરા થાય સપનાની વાત તો દૂર રહી. કારણ કે, સપનાઓ પૂરા કરવા માટે તમારે આઝાદી જોઈએ. પણ એ કોનાથી? પોતાના પરિવારથી કે પોતિકા લોકોની નહીં. એ તો વ્યક્તિના અભિન્ન અંગ બરાબર છે. વ્યક્તિને આઝાદી જોઈએ છે અણધારી જવાબદારીઓથી. પણ નોકરિયાત છીએ એટલે એ જવાબદારી તો લેવી જ રહી!
ખેર હવે જવાબદારી આવી છે તો તેની પણ વાત કરી લઈએ કે, આ નોકરિયાતની કેવી મનોસ્થિતિ નિર્માણ કરે છે. નોકરિયાત માટે પગાર તેની ખૂશી નથી તેની જવાબદારી છે. તે એ જવાબદારી નિભાવતા નિભાવતા એકલવાયો થઈ જાય છે. ઘણીવાર પોતાના પગારની રાહ જોવામાં તે મૂળભૂત ખુશીઓનો પણ ત્યાગ કરી લે છે.
રોજ મોડા જાગવા વાળી વ્યક્તિ સવારે છ વાગે તો જાગી જાય છે અને એ પણ કોઈ પણ પ્રકારના એલાર્મ વગર. વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા વાળી વ્યક્તિ જે હોય તે જમી લે છે. દર મહિને નવા કપડાની ખરીદી કરતી વ્યક્તિ તહેવારોમાં પણ જૂના કપડા પહેરી લે છે. બાઈક અને ગાડીઓના સપના સેવતી વ્યક્તિ હવે રોજ બસમાં ઓફિસ જવા લાગે છે. વાત વાતમાં પોતાની સપનાઓની લેઈને ઉગ્ર બનતી વ્યક્તિ સપનાઓને ક્યાક ખૂણામાં દબાવી દે છે. મારે અહીં ફરવા જવું છે અને મારે ત્યા ફરવા જવું છે કહેવા વાળી વ્યક્તિ ઘર અને ઓફિસ વચ્ચે ફરવા લાગે છે. મોડી રાત્રે કલાકો સુધી મિત્રો સાથે ફોનમાં ગપાટા મારતી વ્યક્તિ હવે 9 વાગે તો સુઈ જાય છે.
નોકરિયાતની જિંદગી વિશે લોકો જે અનુમાન લગાવે છે, તેવું તો નોકરિયાતના જીવનમાં ક્યાય દેખાતું જ નથી. તેની પોતાની દશા તો એ પોતે જ જાણતો હોય છે. આ વાત નોકરી કરતા દરેક વ્યક્તિમાં છે, પછી ભલે તે પ્રાઇવેટ નોકરી કરતો હોય કે, સરકારી! મહેફિલોની મજા માણતો વ્યક્તિ એકલો રહેવાનું પસંદ કરતો થઈ જાય છે. હું લેખક છું એટલે નોકરિયાતની મનોસ્થિતિને શબ્દોમાં ઢાળી શકું છું, પરંતુ વાસ્તવમાં તો નોકરિયાતની મનોસ્થિતિ જેલના એક કેદી જેવી હોય છે. કારણ કે, રોજ એક નિયમ પ્રમાણે જીવવાનું હોય છે. રોજ સવારે વહેલા જાગવાનું આટલું કામ કરવાનું, આ ખાવાનું અને આટલા વાગે સુઈ જવાનું. હવે તમે જ વિચારો આમાં વ્યક્તિ પોતાની જિંદગી ક્યા જીવે છે?
પેલી કહેવત છે ને કે, 'ડૂંગરા દૂરથી જ રળિયામણા' નોકરિયાતમાં પણ આવું હોય છે, બધાને નોકરી સારી લાગે છે. નોકરી કરતા લોકોનું જીવન સારૂ લાગે છે પરંતુ તેમને ક્યા ખબર હોય છે કે, નોકરિયાત થાપ મારીને ગાલ રાતો રાખે છે. પણ હા નોકરિયાત ક્યારેય કોઈને એમ નહીં કહે કે, મારે તકલીફ છે. તે હંમેશા એમ જ કહે છે કે, મારે તો મજા છે. કોઈ ચિંતા નથી. પણ તેની મજા કેવી હોય છે તે તો પોતે જ જાણતો હોય છે. પોતાની ચિંતાની વાત ક્યારેય કોઈને કહેતો નથી. પોતાની ચિંતા સાથે એકલો જ જીવતો હોય છે.
શીર્ષક ક્રેડિટ: સુમિતા પ્રજાપતિ

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો