![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
નોકરી કરતા તમામ મિત્રોને લાગુ પડતો સંબંધ એટલે પગાર (Salary). પગાર સાથે દરેકને સંબંધો તો સારા જ રાખવા હોય છે. તેના માટે પ્રયત્નો પણ એટલા જ થતાં હોય છે. જો કે, જાઝા ટકતા નહિ એ વાત જુદી છે. પગાર થવાના બે દિવસ પહેલા જ આયોજન (Planing) શરૂ થઈ જાય છે કે, ક્યાં કેટલા આપવાના છે? સૌથી પહેલાં આ જ વાત આપણને ખટકે છે. હજુ તો પગાર ખાતામાં જમા પણ નથી થયો અને વિચારો શરૂ થઈ જાય છે.
આજે પગાર થવાનો છે એ દિવસે ખુશી તો ગજબની હોય છે પણ સાથે સાથે એ દુઃખ પણ હોય કે, આ ખુશી ઘડિકની જ છે. મોબાઇલ લીધો ખાતું ચેક કર્યું. હાશ! ચાલો પગાર જમાં થઈ ગયો. આ દિવસે તો પૈસા મન ભરીને વાપરવાની ઈચ્છા થાય અને થોડા ઘણા તો વાપરી પણ નાખીએ. આજે કોઈ મિત્ર જો મળી ગયો હોય તો ચાનું કે જમવાનું બિલ આપણે જ આપ્યું હોય. સામે વાળો જો પહેલો તૈયાર થઈ પણ જાય તો આપણે પાછો રોફ જમાવીએ કે, તારો ભાઈ છે ને! તું કેમ આપે? તું છાનો માનો પાકીટ અંદર મુક!
હવે મૂળ વાત પગાર પર આવીએ, પગાર જમાં થાય એ બધાને દેખાય છે. પણ એ ક્યાં વપરાય છે? કેટલા લોકોને પૈસા આપવાના છે? કેટલી EMI ભરવાની છે? કેટલાય બિલ ભરવાના છે એ તો કોઈના ધ્યાને આવતું જ નથી. નોકરી વાળાઓ માટે પગાર પૂનમના ચંદ્ર જેવો હોય છે. એક જ દિવસ પૂરો દેખાય પછી ધીરે ધીરે નાનો થાય એમ પગાર પણ ખાતામાંથી ધીરે ધીરે ઘટતો જતો હોય છે.
પગાર આવ્યો તો આખો દિવસ ખાતું ચેક કરતા રહીએ છીએ. અને પછી પાછો મનમાં હિસાબ પણ કરીએ છીએ કે, હવે કેટલા વધશે? પગાર જમા થયાના બે દિવસ પછી તો ખાતું ખાલી થઈ જતું હોય છે. બસ ઓફિસ જવા માટે પેટ્રોલ અને ચા ના વધે છે. બાકીનો ખર્ચો તો જેમતેમ કરીને કાઢવાનો હોય છે. તેના માટે પણ કેટકેટલા આયોજન કરવાના હોય છે કે, હવે 22 દિવસ વધ્યા છે. આટલા પૈસા પેટ્રોલમાં જોઈશે, આટલો ખાવા ખર્ચો આવશે, ઓફિસમાં ચા-પાણી માટે આટલા જોઈએ. એ હિસાબ કરતા માંડ બે કે ત્રણ હજાર વધ્યા હોય અને એમાં પણ કોઈ મિત્રનો કે, સંબંધીનો ફોન આવે કે, આટલા જોઈએ છે ટ્રાન્ફર કરને! એટલે થઈ ગઈ વાત પૂરી!
મહત્વની વાત તો એ છે કે, આપણે જેની પાસે પૈસા માંગતા હોઈએ એ પાછા તો આવવાની વાત ભૂલી જ જવાની! કારણ કે, સામેથી માંગતા તો આપણે શિખ્યા નથી અને સામે ચાલીને એ લોકો ક્યારેય આપવા માટે આવતા નથી. તો પછી મહિનો કાઢવો કેટલો અઘરો પડે છે તે હવે કેમ કરીને અહીં કંડારવું? ચા પીવા માટે કે, જમવા માટે ગયા હોઈએ તો પણ વિચાર કરવો પડે કે, કેટલાનું બિલ બનશે. અને જો આવા દિવસોમાં મોબાઈલનું રિચાર્જ પૂરૂ થઈ ગયું તો વાત જ પૂરી. જેટલા પણ ખાતા હોય એમાંથી થોડા થોડા પૈસા એક ખાતામાં ભેગા કરીને પછી માંડ 14 દિવસનું રિચાર્જ થયું હોય.
છેલ્લા પાંચ દિવસોમાં જો કોઈએ પૈસાની માંગણી કરી હોય તો, હવે કેમ કરીને તેમને ના પાડવો કે, મારી પાસે નથી. આ દિવસોમાં ચા તો જેમતેમ કરીને પી લઈએ પણ નાસ્તા પર સંપૂર્ણ રીતે કાબુ કરી લીધો હોય છે. તેમાં બહાના કાઢવાની પણ જરૂર હોતી નથી કે, સાથે રહેતો સહકર્મચારી પણ આ જ પરિસ્થિતિનો શિકાર હોય છે.
આ દરમિયાન સૌથી અઘરા દિવસો તો કાળી ચૌદસ અને અમાવસ સમાન મહિનાના અંતિમ બે દિવસો હોય છે. આ બે દિવસો એવું લાગે કે, જાણે આપણે કંઈ કરતા જ નથી. સાવ બેરોજગાર ફરીએ છીએ. કારણ કે, આ દિવસોમાં આપણી પાસે સમ ખાવા માટે પણ પૈસા હોતા નથી. બે દિવસમાં ચાર વખત જમવાનું અને ચાનું આયોજન મનમાં થઈ રહ્યું હોય છે. એમાંથી બે ટકનું તો કદાચ રૂપ પર થઈ જાય છે પરંતુ બે ટક જે બહાર ખાવાનું હોય તે અઘરૂ છે.
આ તમામ પરિસ્થિતિમાં પૈસાની બચત કરવા માટે કરકસર કરવી પડે છે. જો કે, એ કરીએ પણ છીએ એવું નથી કે, બચતને સાઈડ કરી દઈએ છીએ! આ બધુ તો ચાલી રહ્યું હોય છે અને ફરી પગાર જમા થવાની તૈયારીમાં હોય છે એટલે એ ચક્ર ફરી એ જ સ્થિતિમાં ચાલવા લાગતા કહાણી જ્યા પૂરી થઈ હતી ત્યાથી ફરી ચાલું કે, પગાર જમા થઈ ગયો?
ક્રેડિટ: મુક્તિ અનાવાડિયા

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો