![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
જીવનમાં ગમે તેવી સમસ્યા આવે તો પણ તેનો એક જ ઉકેલ હોય છે કે, થઈ જશે! ચિંતા શું કામ કરે છે. હા એ સ્વાભાવિક છે કે, આપણું જીવન ઘણી બધી ચિંતાઓથી ઘેરાયેલું છે. કારણ કે, આપણી ઇચ્છાઓ અને આકાંક્ષાઓની કોઈ સિમા જ નથી. એક વસ્તું મેળવ્યા પછી આપણે તરત બીજી વસ્તું માટે ઇચ્છા વ્યક્ત કરી દઈએ છીએ. જો સાઇકલ લાવી તો બાઈકનો વિચાર આવવા લાગે છે. જો બાઈક લાવી દીધું તો ગાડીનો વિચાર મનમાં ઘર કરી જાય છે. એટલે પેલી કહેવત છે ને કે, મન તો માંકડા જેવું હોય છે. તેની ઇચ્છાઓની ક્યારેય પૂર્તી થઈ શકે નહીં. આપણે ગમે તેટલી મહેનત કરતા હોઈએ પણ ઇચ્છા તો ક્યા કોઈને આધીન હોય છે?
આવા દરેક સવાલોમાં આપણને એક વાત સાંભળવા મળતો હોય છે કે, ચિંતા ના કર થઈ જશે! સમસ્યા ગમે તે હોય સમાધાન બસ એક જ કે, થઈ જશે! આપણા ગુજરાતીઓની બસ આ જ ખાસિયત છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં તે પાછા નથી પડતા. દરેક વાતનું તેમની પાસે સમાધાન મળી રહે છે. કોઈને પૈસાની તંગી છે તો કે, થઈ જશે! કોઈને નોકરી નથી મળતી તો કે, મળી જશે! કોઈનાથી વાત થવાની બંધ થઈ ગઈ છે તો કે, થઈ જશે! કોઈના ઘરે લગ્ન પ્રસંગ છે અને કામ બાકી હોય તો કે, થઈ જશે! ચાર માણસોને ભેગા કરવાના હોય તો કે, થઈ જશે! કોઈ કાર્યક્રમ કરવાનો હોય તો કે, થઈ જશે! ફરવા જવાનું આયોજન કરવાનું હોય તો કે, થઈ જશે!
મતલબ તમારે ખાલી સમસ્યા જ બદલાની ઉકેલ તો અહીં એક જ મળશે કે, થઈ જશે! અને હા એવું પણ નથી કે, થઈ જશે! માત્ર કહેવા ખાતર જ કહેવામાં આવે છે. તે કહેવા પ્રમાણે કામ થઈ પણ જતા હોય છે. મોટા ભાગના દાખલાઓ એવા છે કે, કામ થઈ ગયા છે. પણ હા એ વાત સાચી છે કે, થઈ જશે! એ વાત ખાલી પોતાના લોકો જ બોલતા હોય છે. આ વાતમાં એટલો ભાર છૂપાયેલો છે કે, સાંભળનાર વ્યક્તિને પોતાના પર રહેલો મોટો ભાર ઓછો થઈ ગયો હોય તેવી અનુભૂતિ થાય છે. થઈ જશે! કહ્યા પછી વ્યક્તિની જવાબદારી કેટલીય બધી વધી જાય છે. કારણ કે, કોઈ બીજા માટે જવાબદારી પોતાના માથે લેવી સહેલી નથી હોતી.
આ શબ્દ મોટા ભાગે પોતાના પરિવારમાં અને ખાસ તો મિત્રોમાં જોવા મળતો હોય છે. કારણ કે, તેમના સિવાય આ શબ્દને ઝિલવાની તાકાત બીજા કોઈ પાસે નથી હોતી. પરિવાર આપણી ગમે તે પરિસ્થિતિમાં સાથ આપે છે. જ્યારે મિત્ર પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના આપણી દરેક સ્થિતિમાં આપણો સાચો ભેરુ થઈને ઊભો રહે છે. પણ હા બોસ! આ થઈ જશે શબ્દમાં તાકાત ગજબની હોય છે. કારણ કે, કહેવા માત્રથી જ 50% ભાર ઓછો થઈ જાય છે. આપણે ગમે તો પરિસ્થિતિમાં ભલે કેમ ના ફસાયા હોઈએ પણ એક જ વાત યાદ રાખવાની કે, થઈ જશે! એટલે વાત પૂરી.
એક ખરી વાત એ છે કે, ગુજરાતીઓ જાજી ચિંતા કરે એમાના નથી. પણ જ્યા ગુજરાતી હોય ત્યા બીજાની ચિંતા વધી જાય કે, હવે એમનો વારો નહી આવે. આપણે એટલા વિકસિત થઈ ગયા છીએ. વિદેશી લોકો જ્યા હજી સમસ્યા શોધતા હોય ત્યા ગુજરાતી ઉકેલ કહી દે કે, ચિંતા ના કરો થઈ જશે! લોકોને તો કેટલાય પ્લાનિંગ કરવા પડે કે, આ વસ્તું ક્યાથી આવશે, આ કેમ કરીને કરવાનું પણ આપણો જવાબ કહો કે ઉકેલ તે એક જ હોય કે, થઈ જશે! અને જો વધારે ચિંતા કરે તો એ પાછો ખરો ગુજરાતી નહીં હો! આપણી ભાષા અને લોકો બન્ને ગજબના છે.
ચાલો ત્યારે આ વાત અહીં પૂરી કરીએ, કોઈ સમસ્યા હોય તો ચિંતા ના કરતા....થઈ જશે!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો