એકતરફા પ્રેમની દાસ્તાન (ભાગ: 2) | One Sided Love Story (Part: 2)

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati


નિતા આવતી દેખાતી હતી, આજે નિતા મહેશને કઈક અલગ જ રૂપમાં લાગતી હતી. આમ તો તે લોકો સાથે હોય છે, પરંતુ આજની વાત કઈક અલગ જ હતી. આજે મહેશને નિતામાં મિત્ર નહીં પરંતુ એક પ્રિયતમા દેખાતી હતી. આજે તે નિતાને પોતાની કરી દેવા માંગતો હતો. બગીચાના ગેટ પરથી આવતી નિતા મહેશને સાદા કપડામાં હોવા છતા પણ અપ્સરા જેવી લાગતી હતી. મહેશની દૂરની નજર કમજોર હતી છતા પણ તે નિતાને સ્પસ્ટ જોઈ શકતો હતો. મહેશ સારો એવો લેખક પણ છે એટલે નિતા વિશે ત્વરીત લખવાનું શરૂ કરી દે છે.

નિતાની નશીલી આંખોથી તે લખવાનું શરૂ કરે છે. મહેશ લખે છે કે, નિતા તારી આંખોમાં મને મારો ચહેરો દેખાય છે. તેમાં મારી માટે અવિરત વહેતો પ્રેમ દેખાય છે. તારા આ રેશમી વાળ તો હિમાલયમાંથી નિકળતી નદી જેવા છે જે પોતાના સ્વામીને પામવા માટે અવિરત વહી રહી છે. તારા માથા પર લાગાવેલી એ બિંદી મારૂ મન મોહી લે છે. તારા એ કોમળ ગાલ તો જાણે કમળની પંખુડીઓ હોય એવા નિર્મળ લાગે છે. તારી હોઠ પરથી તો જાણે અમૃત વહેતું હોય એવું લાગે છે જેને હું અવિરત પીવા માટે તરસી રહ્યો છું. નિતા આજે કાળા કલરના ડ્રેસમાં આવી હતી પણ મહેશ માત્ર તેના ચહેરાને જ ટગરટગર જોઈ રહ્યો હતો.

આજે પ્રથમ વખત લેખક મહેશે શ્રૃંગાર રસ લખ્યો હતો અને પણ કોઈ પ્રકારની તૈયારી કે આયોજન વિના. આમ તો મહેશને શ્રૃંગાર રસ લખવામાં ઘણો કોઈ રસ નહોતો પણ આજે નિતાએ મહેશમાં શ્રૃંગાર રસ જન્મ આપી દીધો છે. મહેશ આ બધુ લખી રહ્યો હોય ત્યા તો નિતા તેની પાસે આવીને ઊભી રહે છે. અને કહે છે, હાય! મહેશ, કેમ છે? તે આજે મને અહીં કેમ બોલાવી? શું કામ હતું મારૂ? આજે કેટલો મહત્વનો વિષય ચાલ્યો અને તું જ હાજર ના રહ્યો, મેડમે આજે એક મસ્ત વાત સમજાવી હતી. તું ત્યા હાજર હોત તો ખરેખર મને સારૂ લાગત! શાંત રહેતી નિતાએ પ્રશ્નોની હારમાળી મહેશને પહેરાવી દીધી. પણ મહેશ પાસે તેના એક પણ સવાલનો જવાબ નહોતો અથવા એમ કહો કે, મહેશ કોઈ જવાબ આપવાના મુડમાં નહોતો.

સવારથી લઈને અત્યાર સુધી મહેશના મનમાં નિતાને પોતાની હ્રદયની વાત કરવા સિવાય બીજો કોઈ વિચાર તેના મનમાં આવ્યો નથી અને મહેશે આવવા દીધો પણ નથી. આ નિતા તેને પ્રશ્નો કરતી હતી અને મહેશ તેના ચહેરાને જોઈ રહ્યો હતો. તેણે નિતાના કોઈ પ્રશ્ન પર ધ્યાન આપ્યું નહોતું. મહેશ કહે છે યાર તું પહેલા બેસ તો ખરા! આમ થોડા શ્વાસ તો લે પછી પ્રશ્નો કરજે. નિતાનું મોઢું પણ આટલું બોલતા બોલતા સુકાઈ ગયું હતું. તો નિતાએ પાણી માંગ્યું પણ અફસોસ કે મહેશ પાસે પાણીની બોટલ નહોતી. તે ભાગીને પાણી લેવા માટે પહોચી ગયો.

નિતા મહેશની બેગ ચેક કરવા માંગતી હોય છે પણ આજે તેની હિંમત નથી થઈ રહી. આમ તો રોજ મહેશની બેગ અને તેની વસ્તુંઓ નિતા મહેશને પૂછ્યા વિના જ જોઈ લેતી હોય છે. જો કે મહેશે ક્યારેય આ બાબતે પોતાની વિરોધ દરસાવ્યો નથી. કારણ કે, તેને ખુશી હતી કે, નિતા તે બહાને તેની પાસે રહે છે. પણ આજે ચાહવા છતા પણ તે મહેશની કોઈ પણ વસ્તુને હાથ લગાવી શકી નથી. તેનું મન આ બાબતે તેને વિચલીત કરી રહ્યું હોય છે. ત્યા મહેશ પાણી લઈને આવે છે અને નિતા ઝડપથી પાણી પી જાય છે. પાણી પીધા પછી એક ક્ષણ પણ રોકાયા વિના ફરી પ્રશ્ન કરવા લાગે છે. કે, તે મને અહીં કેમ બોલવી છે. આમ, એકલા બગીચે બેસવું મને ખાસ પસંદ નથી તું જાણ છે. બઘા સાથે હોય તો ઠીક છે પણ આમ એકલા... આટલું બોલી તે ન ચાહવા છતા શાંત થઈ જાય છે.

મહેશ કહ્યું, નિતા શાંત થઈ જા, મારે તને આજે એક ખાસ વાત કહેવી છે. હું તેને હવે... મહેશ આગળ કઈ બોલે ત્યા તે નિતાનો ફોન રણક્યો અને સામેથી આવાજ આવ્યો કે, હેલ્લો નિતા હું...

ક્રમશ:

ટિપ્પણીઓ