![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
અત્યારે પ્રેમ થવો કોઈ મોટી વાત નથી. લોકોને રસ્તે ચાલતા ચાલતા પણ પ્રેમ થઈ જાય છે. હવે ક્યા કોઈને વ્યક્તિત્વમાં રસ હોય છે માત્ર ચહેરો જોઈને જ લોકો પ્રેમમાં પડી જતા હોય છે. પણ આ પ્રેમ એ પ્રેમ નથી માત્ર કેવળ શારીરિક આકર્ષણ છે. એક વ્યક્તિને સામેની વ્યક્તિનો ચહેરો પસંદ આવી જાય એટલે તેને તે લોકો પ્રેમ સમજવા લાગે છે. પણ શું તે લાંબો સમય રહી શકે ખરા? જવાબ તો મળી જ ગયો હશે. માત્ર સોશિયલ મીડિયામાં ફોટો જોઈને, તેની આઈડીમાં એકાદ આંટો માર્યો એટલે પ્રેમ થવા લાગે છે. અને એ પણ માત્ર થોડીક ક્ષણોમાં પોતાની લાગણીઓને વહેણ આપી દે છે.
પહેલા એવું હતું કે, કોઈને કોઈ પસંદ આવતું તો તેને જોવા માટે તેની શેરીમાં આંટા ફેરા વધી જતા. ત્યા પણ પોતાની પ્રિયતમા કે પ્રિયતમની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી ત્યારે તો તેના દર્શન થતા. અને ઘણી વાર તો માત્ર નિશાસો નાખીને જ વયા જવું પડતું. કારણ કે, બધીવાર તો સમય પ્રેમનો સાથ પણ નથી આપતો. પરંતુ અત્યારે પરિસ્થિતિ સાવ વિપરીત થઈ ગઈ છે. અત્યારે આવ્યું છે સોશિયલ મીડિયા. તો તેમાં પ્રેમ કરવા માટે અનેક પ્રકારના વિકલ્પો મળી રહે છે. કારણ કે, ત્યા કોઈ એક જ પસંદ આવે તે જરૂરી તો નથી ને? સામે અનેક વિકલ્પો આપેલા હોય છે તો, ત્યા લોકોના હ્રદયમાં પ્રેમની કુંપળ ફુટવા લાગે છે. અહીં પ્રેમની કુંપળ એટલા માટે કે, પાંદડાનું આયુષ્ય ઘણુ નાનું હોય તેમ આ સોશિયલ મીડિયા વાળા પ્રેમમાં પણ કઈક આવા જ લક્ષણો હોય છે.
શું તમને આ ખબર હતી કે, આ પ્રેમ કરવો આટલો સરળ પણ થઈ જશે. તેની એક ઝલક જોવા માટે વર્ષો સુધી લોકો રાહ જોતા હતા, તે અત્યારે લોકોને પળવારમાં મળી જાય છે. પણ હું તેને માત્ર શારીરિક આકર્ષણ સિવાય કઈ નથી માનતો. એમાં પણ અત્યારે તો વાઈરલ થવા માટે લોકો અનેક શોર્ટકટ આપનાવે છે. પછી ભલે તેના માટે પોતાના વસ્ત્રો ટૂંકા કેમ ન કરવા પડે (અહીં માત્ર યુવતીઓની વાત નથી, પુરૂષોને પણ એટલું જ લાગું પડે છે). તેનાથી સોશિયલ મીડિયામાં પ્રેમ શોધતા પંખીડાઓને એક શારીરિક ભૂખ જાગે છે. જેને સંતોષવા માટે પણ ઓનલાઈન છેડતી જેવી અને દુષ્કર્મ જેવી ઘટનાઓ જન્મ લે છે.
શું આપણને ખબર હતી કે, પ્રેમ આ રીતે પોતાનું રૂપ બદલી લેશે? હું તો શું પણ કદાચ આપણે બધા આનાથી વાકેફ નહીં હોઈએ. આપણે આ છેલ્લી પેઢી છે કે, જેમના માતા-પિતાના સોશિયલ મીડિયામાં કોઈ એકાઉન્ટ નથી. પરંતુ કે'વાય ને કે સમય બદલાઈ રહ્યો છે. તો આપણે પણ બદલવું જરૂરી બન્યું હતું. પણ હકીકત એ છે કે, આપણે હદ કરતા વધારે બદલાઈ ગયા છીએ. આપણે આટલું પણ અપડેટ થવાની જરૂર નહોતી જેટલા આપણે થયા છીએ.
મને ઘણીવાર વિચાર આવે કે, ક્યા ગયો એ પ્રેમ! જેમાં એકબીજાના સન્માનની કસમ ખાવામાં આવતી હતી, જેમાં બીજાને હેરાન કરવાની નહીં પણ ખુશ રહેવાની વાતો થતી, જેમાં પ્રેમને દોસ્તીથી પણ વિશેષ માનવામાં આવતો, જેમાં શારીરિત આકર્ષણ નહીં પણ મર્યાદાઓ હતી, જેમાં વર્ષો સુધી પણ રાહ જોઈ શકાય તેવી હિંમત મળતી, જેમાં પ્રેમ ના મળે તો હિંમલા કે હત્યા નહીં પણ ત્યાગની ભાવના હતી. આ બધા પ્રેમ અત્યારે ખોવાઈ ગયા છે. અથવા એમ કહો કે, આપણે તેને કોઈ એવા તાળામાં બંધ કરીનેલ મુકી દીધા છે કે, તે તાળાની ચાલી આપણી પાસે હોવા છતા પણ તેની આપણને ભાળ નથી.
હું તો માત્ર એટલું જ કહીં શકું કે, દુનિયાદારી છોડીને, સમયને વેડફવાનું છોડીને એ તાળાની ચાવીને શોધવાનું શરૂ કરી દો. હા માન્યું કે, તે ચાવી શોધવી એટલી સરળ પણ નથી. કારણ કે, કોઈ બીજા દ્વારા ખોવાઈ હોય તો, તો કદાચ તરત મળી પણ જાય પરંતુ અહીં તો ચાવી ખોવાવાળા આપણે પોતે જ છીએ. આને ખાસ તો એ ચાવી આપણે પોતાની અંદર શોધવાની છે. અને હા એ તો સ્વાભાવિક છે કે, આ કામ અઘરુ તો છે, પણ હા અસંભવ નથી તેની મને ખાત્રી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો