હું કોણ? | Who am I?

 

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati

અત્યારે સમય પ્રમાણે પોતાની જાતને જાણવી ખુબ જ જરૂરી છે. બીજા પર સવાલ કે આંગળી કરતા પહેલા પોતામાં ઝાંકી લેવું જોઈએ. એવું નથી કે, આપણે સામે વાળા કરતા નીચા કે કમજોર છીએ. આપણી પાસે પણ સામેવાળા કરતા કદાચ વધારે આવડત પણ હોઈ શકે. પરંતુ અહી મહત્વની વાત એ છે કે, આપણે એ ખબર કઈ રીતે પડે કે, આપણે સામે વાળા કરતા સમજદાર છીએ કે કમજોર?  આ માટે પહેલા આપણે આપણી જાતને આ સવાલ કરવો અનિવાર્ય છે કે, હું કોણ?

શું ક્યારેય આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે. કે, આપણે કોણ છીએ? આપણે શા માટે છીએ? ફક્ત બીજાના કાર્ય અને તેની આવડત પર જ સવાલો કર્યા છે. પણ આપણે ક્યારેય પોતાને કોઈ પ્રશ્ન કર્યો નથી. અથવા એમ કહો કે, આપણે પ્રયત્ન કર્યો જ નથી. પણ ખરેખર પોતાને વધુ યોગ્ય બનાવવા માટે પોતાની જાતને પ્રશ્ન કરવો જરૂરી છે. તો જ આપણે બીજાને સવાલ કરવા યોગ્ય બની શકીએ છીએ. જે વાતમાં આપણે ખુદ કમજોર હોઈએ તે વાતમાં બીજાને સવાલ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. સવારે વહેલા જાગવાની આપણી હેસીયત નથી અને બીજાને વહેલા જાગવાની સલાહ કેમ આપી શકાય. 

તો હવે વાત કરીએ કે, હું કોણ? આપણે પ્રકૃતિના એક અંશ માત્ર છીએ. આપણે તે દરેક વસ્તુ કરવા માટે કટીબદ્ધ છીએ, જેના માટે પ્રકૃતિએ આપણું સર્જન કર્યું છે. પરમશક્તિ આપણી અંદર વસે છે, તો પછી આપણે બીજા કરતા નીચા કઈ રીતે હોઈ શકીએ? આ જગતમાં દરેક મનુષ્ય સમાન અધિકાર અને દાયિત્વ છે. પણ અફસોસની વાત ત્યા છે કે, આપણે ફક્ત અધિકારોની જ વાત યાદ રાખી છે. પણ દાયિત્વ માટે કોઈ વિચાર કર્યો નથી. અધિકારો બધાને ભોગવવા છે પરંતુ દાયિત્વની વાત કોઈને યાદ નથી આવતી. બધાને પોતાનો ભાગ લઈ લેવો છે પણ પોતાનો ભાગ આપવા માટે કોઈ રાજી નથી. 

પ્રકૃતિએ આપણને વારંવાર યાદ આપવ્યું છે કે, આપણે કોણ છીએ, આપણી શું જવાબદારી છે. પણ આપણે તેને નિભાવવા માટે ક્યારેય આગળ આવ્યા નથી. અપાર શક્તિઓનો ભંડાર આપણી અંદર છે છતા આપણે આપણી જાતને નીચા સમજીએ છીએ. માટે જ આપણે અન્ય કરતા નિરાશ અને હતાશ થઈને ફરીએ છીએ. એક વાત યાદ રાખવી કે, દુનિયાની કોઈ તાકાત તમારી ઇચ્છા સિવાય તમને દુઃખી કરી શકે નહી. જો આપણે ખુશ રહેવાનું પ્રયત્ન કરતા રહીએ તો દુઃખ પણ વિચાર કરે કે, યાર ખોટી જગ્યાએ આવી ગયા છીએ. 

પરંતુ એક નાની સરખી પરેશાનીથી વ્યકુળ અને ચિંતિત થઈ જઈએ તો, થોડા આવેલા દુઃખો તેના સંબંધિત બીજા પણ દુઃખોને સાથે લઈને આવી જાય છે. તો હવે તેના માટે જવાબદાર કોણ કેવાય આપણા દુઃખો કે, આપણે ખુદ? આવા સવાલો જ્યારે આપણને થવા લાગશે ત્યારે સમજાશે કે, ખરેખર આપણે તો ખોટી ચિંતાઓ કરતા હતા. તો દુઃખો સાથે સંબંધ બાંધવા કરતા આપણા મન સાથે મિત્રતાની જેમ વાત કરવાનું રાખો તો, મન પણ આપણી મિત્રની જેમ સમસ્યાનો ઉકેલ આપવા લાગે છે. અને એ પણ કોઈ પ્રકારની અપેક્ષા વીના!

તો ચાલો આપણે આપણી જાતને સુધારવા અને વધારે યોગ્ય બનાવવા પોતાની જાતને પ્રશ્ન કરીએ કે, હું કોણ? 

ટિપ્પણીઓ