ચાલ ચલગત ચકાસણી દિવસ

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati

રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ભાઈ-બહેન માટે આનાથી મોટો દિવસ કદાચ બીજો કોઈ નહીં હોય! પણ માફ કરજો હું અહીં ભાઈ-બહેનના સંબંધ પર મજાક કરવા નથી માંગતો. પણ અહીં હળવા અંદાજમાં રમૂજની વાત કરવી છે.

ખાસ કરીને જ્યાં સામૂહિક રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે તેની વાત. કેમ જેમ કે, સ્કૂલ, કોલેજ, કોઈ સંસ્થા, સરકારી ઓફિસ, ખાનગી કંપની કે પછી જો કોઈ ગામ કે, સોસાયટીમાં એકતાની ભાવના હોય તો ત્યાં થતી રક્ષાબંધનની વાત છે. જરૂરી નથી કે, દરેક પુરુષ કે સ્ત્રી દરેક સાથે ભાઈ-બહેનનો નાતો રાખે! ઘણા લોકો જાહેર નથી થતા પણ એમના મનમાં સામેવાળા(વાળી) માટે ભાઈ-બહેનની લાગણી તો નથી જ હોતી.

આવી સ્થિતિમાં એ લોકો કા તો સામે ચાલીને ના પાડી દે છે કે, હું એની પાસે રાખડી નહીં બાંધવું કે હું આને રાખડી નહીં બાંધુ. પણ આતો થઈ હિંમતની વાત! સ્કૂલ - કોલેજના સાહેબ થોડી આ વાત માનવાના છે? ત્યાં ક્યાંક એમની લાગણીઓ દબાઈ જાય છે. પરાણે રાખડી બંધાવી પડે છે કે, બાંધવી પડે છે. હવે આ લોકો એક વિકલ્પ શોધતા હોય છે કે, એમાંથી બચવું કેવી રીતે? 'બચવું' શબ્દ એટલા માટે કે, એમને સામે વાળા(વાળી)ને એ સંબંધથી નાતો નથી જોડવો હોતો. પરંતુ હવે આ તો કરમની કઠણાઈ છે. બિચારા કરી પણ શું શકે? 

અચ્છા હવે મજાની વાત તો એ છે કે, આમાં ઘણા એવા પણ હોય છે કે, બંને તરફથી એકબીજાના આકર્ષણમાં હોય છે તો એ લોકો યથાર્થ પ્રયત્ન કરી લેતા હોય છે અને સફળ પણ થઈ જાય છે. ભાગ્યે જો કોઈ ઝડપાઈ ગયું તો એ ધાગાને 'love Band' સમજી લે છે. એટલે આમ ઉત્સાહ સાથે જાણે જગજાહેર પોતાના પ્રેમને સ્વીકારતા હોય એવી લાગણી અનુભવે છે. મતલબ કે, અહીઁ વિચાર તો કરો આ લોકોએ અહીઁ પણ વિકલ્પ શોધી રાખ્યો છે.

આ બધા સમૂહમાં એક વર્ગ એવો હોય છે જે આ તમામ ગતિવિધિઓ પર બાજ નજર રાખીને બેઠા હોય છે. કોણ કોને રાખડી બાંધે છે? કોણ કોની પાસે રાખડી બંધાવે છે? કોણ રાખડી બાંધવાથી ભાગી રહ્યું છે? અને કોણ રાખડી બંધાવતાથી છુપાઈ રહ્યું છે? આમની પાસે બધો જ ડેટા મળી રહે છે. 

વાસ્તવમાં તો આ સામુહિક સમારોહ દરમિયાન કોણ, ક્યાં, કોની સાથે કેવી રીતના સંબંધ રાખવા માંગે છે. એનો ચોક્ક્સ ખ્યાલ આવી જાય છે. અચ્છા એક વાત એ પણ છે કે, આવી જગ્યાએ બેપાંચ જણ એવા પણ હોય કે, એમને રાખડીથી કોઈ જ ફરક નથી પડતો. મતલબ કે, તે એમાં માનતા જ નથી મતલબ ના ભાઈ-બહેન કે ના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એ લોકો પોતાને મિત્રતાના ઝોનમાં મૂકી દેતા હોય છે. પછી રાખડીથી શું ફરક પડવાનો?

એક વાત એવી પણ બને કે, એમને સામે વાળા પર વિશ્વાસ હોય કે, આ મને રાખડી બાંધવા આવશે જ નહીં. મતલબ કે, જાહેર પણ નહીં થાય અને છૂપા પણ નહીં રહે! આ એવો વર્ગ છે. જેમને પોતાના પર ભરોસો હોય છે કે, મને કોણ? કઈ રીતે? અને કેમ પસંદ કરે છે? એટલે એ લોકો બેખોફ થઈને આ કાર્યક્રમમાં જોડતા હોય છે. 

અહીં એ બધા જ છૂપા રુસ્તમો બહાર આવી જાય છે. જે પોતાની પસંદ છૂપાવીને ફરતા હોય છે. બધાના મનમાં કોઈક તો ઘર કરી જ ગયું હોય છે પછી એ પ્રત્યક્ષ હોય કે, પરોક્ષ એ જુદી વાત છે. પણ ઘર કરી ગયું હોય છે એ મહત્વની અને મજાની વાત છે. એટલે આ દિવસને કેટલેક અંશે ચાલ ચલગત ચકાસણી દિવસ પણ કહી શકાય!

આ દિવસે ઘણા લોકો બીમાર પણ થતાં હોય છે. હવે બીમારી થવાનું કારણ તો તમે સમજી જ ગયા હશો. મતલબ કે, 'હા હું એને પસંદ કરું છું' એમ જાહેર નથી થાવું. પોતાની લાગણીઓને અંદર રાખી બસ પસંદ કરતા રહેવું છે. પછી ભલે ને ઘરે કોઈ રાહ જોઈએ બેઠો(બેઠી) {પતિ - પત્ની} હોય કે, અમારા એ(ઇ) હમણાં આવતા હશે! હવે એમને ક્યાં ખબર હોય છે કે, એમના એ(ઇ) મનમાં કોઈ બીજા એ(ઇ) રાખીને બેઠા છે. જો કે, ઘરે હોય એ પણ કંઈ ઓછા તો નથી જ હોતા! 

તો ચાલો હવે રાહ હોય એ 'ચાલ ચલગત ચકાસણી દિવસ' ની કે, કોણ કોનાથી ભાગી કે, છુપાઈ રહ્યું છે.

ટિપ્પણીઓ