![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
મારૂ ઉદઘાટન થયે તો ઘણો સમય થઈ ગયો છે. ઉદઘાટન વખતે તો એવું લાગતું કે, વાહ! હવે તો મારો સમય આવ્યો છે. કેટલાય લોકો મને મળવા માટે આવતા હતા. આમ, તો ફોટો પાડવા માટે આવતા પણ મનની તસલ્લી માટે એમ માની લઉ છું કે, એ બધા મારા માટે આવતા હતા. મારૂ કામ માત્ર બધાની રાહ જોઈ રહેવાનું જ હતું. હું કોઈને યાદ છું કે, નહીં તેની તો મને વધારે ખબર નથી. કારણ કે, હું ક્યા માણસ છું? પણ હા મારા જેવું જ નિર્જીવ સાથી એવા પેલા દુરભાષીયંત્ર મને એના એકાદ ખુલાના લોકરમાં સાચવે છે એવા સમાચાર મળ્યા છે. મે એ સમાચાર સાચા એટલે માની લીધા છે. કારણ કે, એ મને માણસે નથી આપ્યા. એ સમાચાર તો પેલા સીસીટીવીએ આપ્યા છે.
આ સીસીટીવી પણ મારી પર બઉ નજર રાખે છે. તેને થાક નહીં લાગતો હોય! આમ એકીનજરે કોઈ સામે તાકી થોડું રહેવાય? મે તો એકવાર ઘસીને ના પણ પાડી દીધી હતી કે, તારે આમ મારી સામે જોઈ નહીં રહેવાનું! બાકી હું તારી ફરિયાદ કરી દઈશ. એ પણ હસવા લાગ્યા. અને હસાવાના તો છે જ ને. મને તો એ યાદ જ ના રહ્યું કે, મારી ફરિયાદ ક્યા કોઈ લખે છે.
આજે કેટલોય વખત થઈ ગયો પણ હવે માત્ર ગણ્યા ગાઠ્યા લોકો જ મને મળવા માટે આવે છે. હવે કોઈ સેલ્ફી નથી લેતું. હવે કોઈને મારો વીડિયો બનાવવામાં પણ રસ નથી રહ્યો. મને લાગે છે બધા વ્યસ્ત થઈ ગયા છે. અને આમેય નવી વસ્તું નવ દિવસ જ બધાને સારી લાગતી હોય છે. ઘણીવાર તો માત્ર એક ચોકીદાર રાખેલા છે તે જ બેઠા પણ હોય છે. પણ એ પોતાની જ ધુનમાં મસ્ત હોય છે. મારી વ્યથા તો કોણ સાંભળે હવે?
કોઈક વાર તો વળી નાના ભૂલકાઓ આવે એટલે પાછો મને મારા હોવાનો અહેસાસ થાય પણ હવે એ લોકોય કેટલો સમય? માંડ ગણીને સાત આઠ મીનીટ પછી તો મેટ્રો આવી નથી કે, ઝટ અંદર ભાગ્યા નથી! અમનેય આશા હોય કે, અમારી સાથે કોઈ બેસે, બેઘડી વાતો કરે! પણ હવે એટલી તસ્દી લે કોણ? મારી પાસે કેટકેટલી યાદો છે. જાત જાતના લોકોની અને ભાત ભાતના લોકોની અનેક વાતો છે. મારે આ બધી વાતો મનભરીને કોઈને કહેવી છે પણ કોઈ સાંભળવા બેસતું જ નથી.
થોડા સમયથી એક છોકરો આવે છે. ઉંમર તો હશે 23 કે 24 વર્ષની પણ એ બધાથી જુદો તરી આવે છે. આવીને મારા પ્રાંગણમાં મુકાયેલા બાંકડા પર બેસીને બેગમાંથી એક ડાયરી કાઢે અને કંઈક લખવા મંડી પડે છે જાણે એને આ દુનિયાની કોઈ પડી જ ના હોય એમ? પણ એ મને બઉ ગમ્યો હો. મે વિચાર કર્યો કે, આ છોકરો કા તો લેખક હોવો જોઈએ કે, પછી પત્રકાર! બાકી તો હવે ક્યાં કોઈ પાસે હિંદીપેન (કલમ) હોય છે? હવે ક્યા કોઈ સાથે ડાયરીઓ લઈને ફરે છે. સીસીટીવીએ તો મને કહ્યું કે, એની બેગમાં તો પુસ્તકો પણ પડ્યા હોય છે. મે પણ હવે નક્કી કરી લીધું કે, મારે મારી વાત આ છોકરાને કરવી જોઈએ. એ રોજ આવે છે, તો એકવાર મે હિંમત કરીને પૂછી જ લીધું કે, ગુરૂ એકવાત કઉ? આટલું બોલતા તો એક આમ તેમ ડાફેરા મારવા લાગ્યો. કદાચ ગભરાઈ ગયો હશે કે, શરીર વગરનો અવાજ આવ્યો ક્યાથી?
આમ તો, મને ડરપોક લાગતો હતો પણ બહાદુર નીકળ્યો હો! આજુ બાજુ કોઈ હતું નહીં એટલે એ સમજી ગયો કે, આ અવાજ કોનો છે? બાકી બીજો કોઈ હોય તો ત્યાથી ભાગી જ જાય. પછી અમારી વચ્ચે રોજ વાતો થવા લાગી એ મારી વાત સાંભળે અને હું એની! એકવાર તો મે એને કહ્યું પણ હતું કે, તું આ વાતોને લખતો રહેજે. મારે પણ ફેમસ થવું છે. મારી ઇચ્છા છે કે, લોકો મને પણ વાંચે. તો મને કહે કે, ચિંતા ના કર મને આમેય બધું લખવાની ટેવ છે. એટલે મને તો મનમાંને મનમાં હરખ પણ થતો કે, ચાલો કોઈ તો મારા વિશે લખે છે.
એણે તો મને કહ્યું પણ હતું કે, મારે તારા વિશે લખવું છે. હવે ખબર નહીં એણે લખ્યું કેમ? એટલે મે પછી પેલા રોજ મને તાડી રહેતા સીસીટીવીને પૂછ્યું કે, તમને શું લાગે પેલો છોકરો મારા વિશે લખશે? તો સીસીટીવી મને કહે કે, હું તો રોજ જોઉ છું એને તારા વિશે લખતા. પણ એ તારી વ્યથા લખે છે કે, બીજું કાઈ એ નથી ખબર હો!
આ સાંભળીને મારો તો હરખનો કોઈ પાર જ નહોતો. ભલે એ મારી વ્યથા લખે કે, બીજું કાઈ પણ લખે છે એ જાણી આનંદ થયો. કેટલાય લોકો આવે છે અને જાય છે. કોઈ દુરભાષીયંત્રમાં મશગુલ હોય છે, તો કોઈ પોતાની માસુકા સાથે, કોઈ ઉતાવળમાં આવે છે તો, કોઈ ઉતાવળમાં જાય છે. કોઈની પાસે બેસવાનો તો સમય જ નથી. અહીં આવતા માણસમાંથી કોઈ મને ખુશ તો દેખાતું જ નથી. ખબર નહીં કે, પણ બધા કોઈને કોઈ અવઢવમાં જ હોય છે.
આ બધું જોયા અને સાંભળ્યા પછી વિચાર આવ્યો કે, એક પત્ર લખી દઉ અને અહીં જ મુકી દઉ છું. ક્યાક કોઈના હાથમાં આવી જાય તો ઠીક બાકી પેલો છોકરો તો મારા વિશે લખી જ રહ્યો છે ત્યારે વાંચી લેજો. મારી બધી જ વ્યથા મે એને કહી સંભળાવી છે. બાકી આ જગતમાં કહ્યા વિના તો ક્યા કોઈ સાંભળે છે?
લી. ✍🏼
તમારું મેટ્રો પ્લેટફોર્મ
ફોટો ક્રેડિટ: અલ્પેશ પ્રજાપતિ





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો