સાત દિવસ સાત સદીઓ જેટલા

વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati


અનિલ સવારે વહેલા સ્કૂલે જવા માટે નીકળે છે. આજે તેનો પ્રથમ દિવસ હતો. કારણ કે, તેમનો પરિવાર હવે માધવપુરમાં રહેવા આવી ગયો હતો. આ એ જ ગામ છે જ્યા અનિલના પિતાનો જન્મ થયો, તેમનું બાળપણ પસાર થયું અને મોટા થયા હતા. અહીં ભણ્યા અને પછી નોકરી અર્થે શહેરમાં સ્થાયી થઈ ગયા હતા. પરંતુ અનિલની માતા જશોદાની જીદના કારણે ફરી ગામડે રહેવા માટે આવવું પડ્યુ હતું. 

જશોદાબેન મૂળ ગામડાના વાતાવરણમાં રહેલા હતા એટલે શહેરની હવા એમને માફક ના આવી અને તેવો નહોતા ઇચ્છતા કે, અનિલ આ શહેરની હવામાં મોટા થાય. કારણ કે, શહેરની આ દૂષિત હવાથી તેઓ વાકેફ થઈ ગયા હતા. તેમને ખ્યાલ આવી ગયો હતો કે, શહેરની હવા અનિલને પ્રદુષિત કરી દેશે. આ શહેરના સ્વાર્થી લોકો તેના સ્વભાવ પર ઘેરી અસર છોડી દેશે. જેથી તેમને નંદકુમારને ચોખ્ખુ કહ્યું હતું કે, અનિલ હવે શહેરમાં નહીં રહે! મારે તેને ગામડામાં ભણાવવો છે અને ગામડાના વાતાવરણમાં ઉછેર કરવો છે. નંદકુમાર અનિલને શહરેમાં જ ભણાવવા માંગતા હતા. કારણ કે, તેઓ એવું ઇચ્છતા હતા કે, અનિલ શહેરમાં ભણે અને આ દૂનિયાના તોરતરીકા સીખે. જેથી ભવિષ્યમાં તેને કોઈ અડચણ ના પડે.

આ બાબતે જશોદાબેન અને નંદકુમાર વચ્ચે ખાલી બોલાચાલી થઈ હતી. પરંતુ પેલી કહેવત છે કે, સ્ત્રી સામે કોણ જીતી શક્યું છે? તો આખરે જશોદાબેનની વાત માન્ય રહી અને તે લોકો ગામડે આવી ગયા. 

અનિલ પણ આજે ખુબ જ ખુશ હતો, તેને પણ ગામડામાં રહેવું પસંદ હતું. પ્રથમ દિવસે સ્કૂલમાં પહોચ્યો અને ક્લાસમાં બેઠો. તેને પોતીકા જેવું વાતાવરણ લાગતું હતું. ધોરણ છ સુધી તો અનિલ શહેરની શાળામાં ભણ્યો હતો એટલે તે હોશિયાર તો ખુબ જ હતો. અહીં સાતમા ધોરણના વિદ્યાર્થીઓને માન સારૂ એવું મળતું હતું. તો સ્વાભાવિક છે કે, અનિલને આ માનસન્માનનો સારો એવો લાભ મળી રહ્યો હતો. 

અનિલ જ્યારથી આ શાળામાં આવ્યો ત્યારેથી એક છોકરી અનિલને ટગરટગર જોઈ રહેતી હતી. તે છોકરીનું નામ હેતલ હતું. અનિલને આ વાતનો અણસાર આવી ગયો હતો. પરંતુ સામે જઈને પૂછવાની અનિલની હિંમત નહોતી. આવું 2 મહિના સુધી ચાલ્યું ત્યા સુધીમાં વાત ઘણી આગળ વધી ગઈ હતી. કારણ કે, એ છોકરી અનિલના નજીક આવવા લાગી હતી. એકવાર તો અનિલથી પૂછાઈ ગયું કે, મારી સામે શું જોઈ રહ્યા છો? તો હેતલથી બોલાઈ ગયું કે, તું સારો લાગે છે. અનિલ તો આ સાંભળીને હેબતાઈ ગયો. ગળામાં ડૂમો ભરાઈ ગયો હોય એમ તેના મોઢામાં શબ્દો ફસાઈ ગયા. ઇચ્છવા છતા પણ તે બોલી ના શક્યો. બે જ અક્ષર નીકળ્યા કે, હે......! મ....... બસ આટલો જ જવાબ હતો તેનો. 

માન્યું કે, અનિલ શહેરમાં રહેતો હતો એટલે છોકરી સાથે વાત કરવામાં તેને આટલી શરમ કેવી રીતે આવી શકે? પણ હકીકત કઈક એવી છે કે, અનિલ શહેરમાં ભણ્યો એ વાત સો ટકાના સાચી પણ તે બોયઝ સ્કૂલમાં ભણ્યો હતો. ત્યા તો શિક્ષકો પણ બધા પુરૂષો હતો. મહિલા બાને કોઈ સાથે તેનો ભેટો થયેલો નહોતો. તેના જીવનમાં મહિલા તરીકે વાત કરવા માટે તેનાં માતા જશોદાબેન જ હતા. એટલે અનિલને હેતલ સાથે વાત કરવામાં અજુગતુ લાગી રહ્યું હતું. પણ ખરી વાત તો એ હતી કે, તે અંદરથી ખુબ જ ખુશ હતો. તેની પણ ઇચ્છા હતી કે, તેની સાથે વાત કરે અને દોસ્તી કરે પણ શું કરવું તેનો વિચાર કરી રહ્યો હતો. 

અનિલ શાળાએથી આવ્યા પછી ક્યારેય ઘરથી બહાર નહોતો નીકળ્યો. તેનું એક જ કામ હતું કે, ઘરે આવીને હોમવર્ક કરવું અને પછી વાંચવા બેસી જવું. આમ તો તેને ટીવી જોવાનો ઘણો શોખ હતો પણ ટીવી તો નંદકુમાર શહેરમાં જ મુકીને આવ્યા હતા. એટલે અહીં અનિલ પાસે મનોરંજન માટે માત્ર પુસ્તકો જ હતા. તેને પુસ્તકો સાથે સારી એવી મિત્રતા થઈ હતી. પણ આખરે ક્યા સુધી તેની પણ ઇચ્છા થતી બહાર જવાની અને દોસ્તો બનાવવાની! 

રવિવારે બપોરનો સમય હતો ત્યા, જશોદાબેને ટહૂકો કર્યો કે, 'અનિલ દુકાનેથી દાદાને બોલાવી આવ કે જમવાનું બની ગયું છે.' અનિલ દાદાને બોલાવવા દોડી જાય છે. દુકાન પર પહોચ્યો ત્યા હેતલ કંઈક લઈ રહી હતી. હેતલને જોઈને તેની અંદર એક અલગ જ સ્ફૂર્તી આવી ગઈ. 

અનિલે કહ્યું દાદા તમને મમ્મી જમવા બોલાવે છે. દાદા પણ આ મેળાપમાં ખલેલ પહોચાડ્યા સિવાય ઝડપથી જમવા માટે નીકળી ગયા અને અનિલે કહ્યું કે, તું અહીં દુકાને બેસ. આ સાંભળીને તો હેતલના ચહેરા પર સ્મિત આવી ગયું. હેતલે કહ્યું કે, મને પેલી શેમ્પુની પડી આપો. આપો કીધું ત્યા તો અનિલ ફુલાઈ ગયો. ઝડપથી તેને પાંચ શેમ્પુની પડી આપી અને પાંચ રૂપિયાની નોટ લઈ લીધી. એ નોટ ગલ્લામાં નહીં પણ પોતાના ખિસ્સામાં મુકી દીધી. આ વાત હેતલે પણ જાણી લીધી. અને કહી દીધું કે, નિશાની સાચવો છો એમ? અને સાચવો છો તો પછી બોલતા કેમ નથી? હું તમને નથી ગમતી કે શું? હેતલે ઝડપથી આ સવાલો કહી દીધા. ત્યા તો અનિલ ફરી હેબતાઈ ગયો. શું બોલવું તેને કઈ સમજાતું જ નહોતું. 

અનિલ હવે હેતલ તરફ આકર્ષીત થઈ રહ્યો હતો પણ તેની સાથે વાત કરતા ડરતો હતો. પછી તેને વિચાર આવ્યો કે, ચિઠ્ઠી લખીને વાત કરૂ. દાદા આવ્યા એટલે તે ઘરે પહોચ્યો અને નોટ પેન લઈને લખવા બેસી ગયો. એક સરસ મજાનો પત્ર તૈયાર કર્યો. પણ હવે આપવો કઈ રીતે તેની અવઢવ હતી. ઘરે જઈને તો આપવા જવાય નહીં અને તેનું ઘર એ જ ગળીમાં હતું પણ ક્યારેય ત્યા ગયો નહોતો. આમને આમ તો ફરી પાંચ દિવસ પસાર થઈ ગયા પણ અનિલ હિંમત ના કરી શક્યો. એક સાથે ભણવા છતા પણ હિંમત નહોતી ચાલતી. 

રવિવાર હોય એટલે અનિલ બપોરે દુકાને બેઠો હતો ત્યા એક છોકરો તેની પાસે આવ્યો અને એક ચિઠ્ઠી આપીને ઝડપથી ભાગી ગયો. અનિલ પણ વિચારમાં પડી ગયા કે, આમાં શું હશે? તેને ચિઠ્ઠી ખોલી તેમાં લખ્યું હતું કે, 


પ્રિય અનિલ, 

હું ઘણા સમયથી જોઉ છું કે, તું છોકરીઓથી દૂર રહે છે. તું તો શહેરમાં રહેલો છે, છતા પણ આવી અળખામણી હરકતો કેમ કરે એ મને ખબર નથી પડતી. ખબર છે શાળામાં ઘણી છોકરીઓ તને તેમનો રાજકુમાર બનાવવા માંગે છે. પણ મે એ બધાને કહી દીધું છે કે, અનિલની સામે કોઈ જોતા પણ નહીં. તું ભલે બધી છોકરીઓથી અળખામણો રહેતો હોય પણ મારી સાથે આવું વર્તન નહીં ચાલે! જો હવે આવું કરીશ તો હું ઘરે આવી નંદકાકા અને જશોદાકાકીને આવીને તારી ફરિયાદ કરી દઈશ. 

ચાલ, હવે પેલી ચિઠ્ઠી મને આપવાની છે કે, નહીં? કેટલાય દિવસથી થેલામાં લઈને ફરે છે, તું આટલો ફટ્ટુ કેમ છે મને એ જ નથી સમજાતું? જો આજે તારી ચિઠ્ઠી મને નહીં મળે તો હું તારા ઘરે આવીને લઈ જઈશ. પછી જોઈ લેજે. તને લાગશે કે, આ તો કઈ છોકરી છે કે, આયફત!  હા બસ આવી રીતે હસતો રહે! સારો લાગે છે. (અનિલના ચહેરા પર સ્મિત ફરી વળ્યું) 

લી. હેતલ પણ તારા માટે હેતુ


અનિલના ચહેરા પર હરખનો કઈ પાર નહોતો. એટલે ખુશ થઈ ગયો હતો. પણ સાથે સાથે અચરજમાં પણ હતો કે, મે ચિઠ્ઠી લખીને રાખી છે તે હેતલને કેવી રીતે ખબર પડી. આના વિચારોમાં તો દુકાને બેઠો હતો એટલે એક બેને તો પૈસા લીધા વગર જ વસ્તું આપી દીધી અને દાદા આવ્યા એટલે ઝટ ઘર તરફ ભાગી ગયો. ઘરે જઈને આ ચિઠ્ઠી સાચવીને તેની ડાયરીમાં મુકી દીધી. કારણ કે, એક ડાયરી જ એવી વસ્તું હતી જેને ખાનગી હતી અને તેને કોઈ અડતું પણ નહોતું. આજનો દિવસ તેના માટે ખાસ હતો, કારણ કે, જેને તે ચાહવા લાગ્યો હતો તેને સામેથી પોતાની લાગણી છતી કરી હતી. 

ઘણા ઓછા એવા સંબંધો છે જેમાં છોકરીએ સામેથી પોતાના લાગણી છોકરાને કરી હોય. કારણ કે, છોકરો અઢળક વખત પોતાના લાગણી છતી કરે છે. એટલું જ નહીં તે તેના માટે કેટલાય આયોજન પણ કરીને બેઠો હોય છે. પરંતુ અહી તો ગંગા સામે ચાલીને હિમાલય તરફ આવી હતી. હેતલની આટલી હિંમત કરવા છતા પણ અનિલ પોતાની લખેલી ચિઠ્ઠી તેને આપવામાં સંકોચ અનુભવતો હતો. કારણ કે, આપવા કઈ રીતે જવું તે જ મોટો પ્રશ્ન હતો. આ બધા વિચારો કરી રહ્યો હતો ત્યા જશોદાબેને સાદ પાડ્યો કે, 'અનિલ અહીં આવતો' 

અનિલને આવતો જોઈ જશોદાબેન બોલ્યા, 'લે અનિલ આ કેરીઓનું બોક્સ મગનકાકાના ઘરે આપતો આવ, કેજે કે, મારા પપ્પા લાવ્યા છે ભાવનગરથી' 

અનિલ ગામમાં રહ્યો જ ક્યા હતો કે, તેને ખબર હોય આ મગનકાકા કોણ છે!! તો તેણે પૂછી લીધું કે, ક્યા મગનકાકા અને તેમનું ઘર ક્યા છે?

જશોદાબેન પણ હસીને બોલ્યો કે, પેલી હેતલનું ઘર જોયું છે? 

અનિલે કહ્યું કે, હા, છેલ્લેથી બીજું છે એ જ ને?

'હા એ જ, અને એ હેતલી મગનકાકાની છોકરી છે, સાથે ભણો છો તો એટલીય ખબર નથી રાખતો!! તારા પપ્પા અને મગનકાકા બેય જૂના ભેરું છે' જશોદાબેન બોલ્યા

'એવું એમ!'

જા.......હવે ઊભો કેમ છે? 

અનિલને તો જાણે સ્વંય ક્રિષ્ણને સહાય કરવા આવ્યા હોય તેવું લાગ્યું. તે રૂમમાં ગયો અને પેલી ચિઠ્ઠી કાઢીને ખિસ્સામાં મુકી દીધી. બહાર આવી કેરીની પેટી લઈને આપવા માટે જતા હતો ત્યા સામે પેલો છોકરો મળ્યો જેણે હેતલની ચિઠ્ઠી અનિલને આપી હતી. તો તેને ઊભો રાખીને અનિલે તેને પૂછ્યું કે એય ઊભો રે, શું નામ છે તારું?

'રાજુ' છોકરાએ પોતાનું નામ જણાવ્યું. અનિલે કહ્યું, વાહ!! સરસ નામ છે તારું, સારુ તો લે આ એક કાગળ છે, પેલા દિવસે જેણે તને આપ્યો હતો તેને આપી દેજે.

રાજું બોલ્યો, મફ્તમાં હું કોઈ કામ નથી કરતો! આ કાગળ આપવાથી મને શું મળશે?

અનિલ ફરી વિચારવા લાગ્યો કે, આ ગામના બધા છોકરા આવા જ છે કે, શું? મારા વાલાને કોઈનો કઈ ડર જ નથી. જે મનમાં આવે તે બિંદાસ બોલી જ દે છે. પેટીમાંથી એક કેરી કાઢીને રાજુંને આપી અને કહ્યું કે, હવે તો આપીશ ને આ કાગળ? છોકરો કેરી અને કાગળ લઈને ભાગી ગયો. કેરીઓ આપવા ગયો ત્યા પણ ખાલી હેતલ એકલી જ ઘર દેખાઈ બીજું કોઈ દેખાતું નહોતું. અનિલ તો નરવસ થઈ ગયો. છતા સાદ પાડ્યો કે, મગલકાકા છે ઘરે?  

હેતલ આંગણામાં બેસીને લેશન કરતી હતી. તે અનિલનો અવાજ સાંભળીને તે ખુશ થઈ ગઈ. તેને મનમાં હતું કે, મારી ચિઠ્ઠી આવી ગઈ. તે દરવાજે આવીને ઊભી રહી તો તે, આશાકાકી (મગનકાકાની પત્ની)એ સાદ પાડ્યો કે, કોણ છે? હેતલે કહ્યું કે, પેલા નંદકાકાનો છોકરો છે. આટલું સાંભળતા તો તે દોડીને દરવાજે આવ્યા અને અનિલે અંદર લઈ ગયા. અનિલે પણ પેલી તેમના હાથમાં આપવા જતો હતો ત્યા તો હેતલ આડી પડીને પેલી તેના હાથમાંથી લઈ લીધી. કોઈને ખબર ના પડે તેવી રીતે અનિલના હાથોને સ્પર્શ કરી ચૂટલી ભરી દીધી. 

અનિલ બોલી ઊઠ્યો કે, આઉચ!!!!

હેતલ કેરીઓની પેટી લઈને અંદર જતી રહી તેને કેરીઓ કરતા ચિઠ્ઠીની વધારે તલપ હતી. ઘરમાં જઈને ઝડપથી આખી પેટી ખાલી કરી દીધી પણ અંદરથી કાઈ પણ ના નીકળ્યું!! હેતલના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ તે બહાર આવે ત્યા અનિલ પણ જતો રહ્યો હતો. આજે હેતલનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે ગુસ્સામાં અનિલના ઘરે જવા માટે નીકળે છે ત્યા દરવાજે રાજુ આવીને ઊભો હતો તેના એક હાથમાં ચિઠ્ઠી હતી અને બીજા હાથમાં કેરી હતી, તેનું મોઢું પણ કેરીવાળું થઈ ગયું હતું. રાજુ હેતલના હાથમાં પેલી ચિઠ્ઠી આપીને પાછો દોડી ગયો. 

હેતલને લાગ્યું કે, અનિલ ચિઠ્ઠી રૂબરૂ પણ આપી શકતો હતો તો, આમ આવી રીતે આપવાની શું જરૂર હતી, છેક ઘરે આવ્યો હતો તોય રૂબરૂ ના આપી. પણ ખેર ચિઠ્ઠી મળી તેનો આનંદ હતો. ગુસ્સો શાંત થઈ ગયો હતો. તે પાછી ઘરે આવી ગઈ. હવે ઘરે કોઈ હતું નહીં, તેની મમ્મી પણ પાંચ વાગે ખેતરે સાર લેવા નીકળી ગયા. તો હેતલ ચિઠ્ઠી ખોલી વાંચવા લાગી. તેમાં લખ્યું હતું કે, 

પ્રિય હેતુ................

ક્રમશ: બીજો ભાગ આવતા સોમવારે

ટિપ્પણીઓ