![]() |
| નરસિંહ સાહેબ / नरसिंह साहब / Narsinh Saheb |
મારા જીવનમાં વધુ એક સારા ઘડતરની શરૂઆત ધોરણ નવથી શરૂ થઈ. મને બરાબર યાદ છે હું એકલો જ ધોરણ નવમાં પ્રવેશ લેવા માટે મહંત શ્રી બી.જે. વિદ્યામંદિર માં ગયો હતો. ત્યારે મારી નીડરતા જોઈને એક સાહેબે મને શાબાશી આપી હતી અને તે સાહેબ એટલે નરસિંહ સાહેબ.
હું એમની પાસે ચાર વર્ષ ભણ્યો અને તેના કરતા તો વધારે હું શીખ્યો છું. શીખ્યો શબ્દ એટલા માટે કે, તેમણે મને જીવનરૂપી શાળાના પાઠ શીખવ્યા હતા. સાચું કહું તો મે અંગ્રેજીની ABCD પણ એમની પાસેથી જ શીખી હતી.
કોઈ પણ વિદ્યાર્થી હોય પણ જ્યારે ગણિત અને અંગ્રેજીના ક્લાસ આવે એટલે તેના મનમાં ડર તો હોય જ પણ નરસિંહ સાહેબની વાત અલગ હતી. તે અંગ્રેજી પણ બધાને રમૂજમાં ભણાવતા અને એના કારણે જ એમનો ક્લાસ મોટાભાગે ભરેલો જ હોય લગભગ કોઈ ગેરહાજર ના હોય.
એમનો એક સિદ્ધાંત મને બઉ ગમતો કે, લેશન નહિ કરો તો ચાલશે પણ હું ગમે ત્યારે ટેસ્ટ(કસોટી) લઉં ત્યારે માર્કસ ઓછા ના આવવા જોઈએ.
વિદ્યાર્થીઓ પાછળ એમને પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો હસતા હસતા ખર્ચી નાખ્યા છે. એક વિદ્યાર્થી માટે પણ તેમને પોતાનો ક્લાસ ચાલુ રાખ્યો છે. શાળાનો સમય પૂરો થયા પછી પણ ભણવામાં નબળા વિદ્યાર્થી માટે શાળામાં રોકાયા છે. અને આ વાતથી હું કેવી રીતે અવગત રહી શકું! આનો હું જીવંત સાક્ષી રહ્યો છું. કારણ કે, છેલ્લે શાળાના દરેક ક્લાસ રૂમને હું બંધ કરતો હતો.
એ શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે, તેમના પ્રિય શિક્ષક કોણ? તો તમે લખી રાખો કે, 80% વિદ્યાર્થીઓ નરસિંહ સાહેબનું જ નામ લેશે! વિદ્યાર્થીનો કોઈ પણ પ્રશ્ન હોય પાઠ્યપુસ્તકોનો હોય કે, પછી વ્યક્તિગત જીવનનો તેનો ઉકેલ નરસિંહ સાહેબ પાસે મળી જતો.
મને તો ઘણીવાર વિચારો આવતા કે, આ સાહેબના આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી હશે? મતલબ એમને કોઈ પણ વિષયનો પ્રશ્ન કરો તોય જવાબ મળી જાય! તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે, આ મને નથી ખબર તું બીજા સાહેબને પૂછી લે. ત્યાં ગયા એટલે જવાબ ચોક્કસ મળી રહે અને એ પણ સંતોષકારક.
આજે મને શાળા છોડયે 6 વર્ષથી પણ વધારે સમયથી ગયો છે, પણ યાદો હજીય તાજી હોય એવું લાગે છે. નરસિંહ સાહેબ એમના જીવનમાં બીજા પડાવમાં જઈ રહ્યા છે. ભલે હું અત્યારે એ શાળામાં નથી ભણતો પણ તોય નરસિંહ સાહેબ શાળા છોડીને જાય છે તે વાતનું ભારોભાર દુઃખ થઈ રહ્યું છે.
દુઃખ તો ખૂબ જ થઈ રહ્યું છે, પણ અમારે એમને રોકવા એટલા માટે નથી કે મારા જેવા બીજા પણ ઘણાય વિમલ એમની રાહ જોઈને બેઠા છે. એ વિમલોને પણ જીવનમાં સફળ થવા માટે નરસિંહ સાહેબ જેવા શિક્ષકના ટેકાની જરૂર છે. તો એમના ભવિષ્ય આડે હું કે અમે કેવી રીતે આવી શકીએ?
એવું નથી કે, આ શાળામાં બીજા શિક્ષકો કાબિલ કે, તેઓ જ્ઞાની નથી! આ શાળાના એક એક શિક્ષક કાબિલે તારીફ છે. પણ નરસિંહ સાહેબની વાત એટલે અલગ છે. કારણ કે, તેમની સાથે ભણતા હોઈએ ત્યારે એમને ગુરુકુળ જેવી અનુભૂતિ થઈ છે. પરદા પાછળ રહીને પણ અદભુત કામગીરી થઈ શકે તે અમને નરસિંહ સાહેબે શીખવ્યું છે.
તેઓ હંમેશા કહેતા કે, 'મને પરદા પાછળ રહીને કામ કરવું વધારે ગમે' આ વાત અમને ત્યારે બઉ અજીબ લાગતી પણ હવે એનો સાચો મતલબ સમજાય છે.
ક્લાસમાં ભણવાનું હોય, મેદાનમાં રમવાનું હોય કે પછી પરીક્ષા ખંડમાં લખવાનું હોય! દરેક સમય અમારો ઉત્સાહ અને જોશ વધારવા માટે કોઈ હોય કે ના હોય પણ નરસિંહ સાહેબ ચોક્કસ હોય. ધારણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પણ અમે નીડરતાથી આપી છે. કારણ કે, અમારા મસ્તીજમાં નરસિંહ સાહેબે આપેલી પ્રેરણા અને હદયમાં નીડરતા હતી.
આ સાહેબે અમારા એટલે કે, વિદ્યાર્થીઓના હિત માટે થઈને બીજા શિક્ષકોને પણ ખખડાવેલ છે.
જીવનને સફળ બનાવવા માટે ગુરુ હંમેશા મહત્વનું પાત્ર ભજવે છે. મારા જીવનમાં અનેક ગુરુઓ આવ્યા છે પણ મને જેમની સાથે ભારતીય સંસ્કૃતિની જેમ ગુરુકુળની અનુભૂતિ કરાવી હોય તો એ નરસિંહ સાહેબ છે. કારણ કે, અમે પરીક્ષાઓમાં રાત્રે પણ શાળામાં રોકાયા છીએ. એમની રીત જ એવી છે કે, સિખવા માટે સમયની કોઈ નીતિ કે મર્યાદા નથી હોતી. એટલે અત્યારે પણ એ દૃશ્યો મારી મારે ત્રાદૃષ્ય થઈને ફરી રહ્યા છે
આ એવા સાહેબ છે જેમને અમારા સાથે સાથે અમારા દાદાના નામ પણ ખબર હોય. એટલું જ નહિ ગામમાં એમની ધાક તો એવી હતી કે, તેમના 6400 નંબર વાળા ડીસકવર બાઈકનો અવાજ સાંભળી છોકરાઓ વાંચવા બેસી જતા. એ બાઈક તો કેટલાય વિદ્યાર્થીઓની જિંદગી સુધારી દીધી છે. વિદ્યાર્થીઓ તો ઠીક પણ ગામના લોકો પણ તેમના બાઈકનો અવાજ હૂબહૂ ઓળખી લેતા.
નરસિંહ સાહેબની પ્રસંશા તો જેટલી કરીએ એટલી ઓછી છે. નાના મોઢે મોટી શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. આ લખતી વેળાએ પણ આંખોમાં આંશુ આવી ગયા છે. શાળાથી 200 કિમી દૂર બેઠો છું છતાં પણ તમે શાળા છોડીને જઈ રહ્યા છો તેનું ભારોભાર દુઃખ થઈ રહ્યું છે.
આદરણીય શિક્ષકશ્રી નરસિંહ સાહેબ! હું જિંદગીભર તમારો ઋણી રહીશ.

પેપળું માં પ્રકાશ ફેલાવનાર...
જવાબ આપોકાઢી નાખો