![]() |
| વિમલ પ્રજાપતિ/विमल प्रजापति/Vimal Prajapati |
આમ, ટગર ટગર શું જોઈ રહ્યો છે? મીણબત્તીએ મને પ્રશ્ન પૂછ્યો.
મે કહ્યુ, તું એક જ એવી છે જે બીજા માટે બળે છે. બાકી લોકો તો અહીં રોજ બળે છે, પરંતુ અજવાળા માટે નહીં! બીજાની કામયાબી, બીજાની ખુશી અને બીજાની પ્રગતિ જોઈને બળે છે. કોણ કોના માટે બળે છે એસ સૌઉ કોઈ જાણે છે. અથવા તો ન જાણતા હોવાનો ઢોંગ કરે છે. બાકી અત્યારે તો ચહેરા જોઈને ખ્યાલ આવી જાય છે કે, સામે વાળું તમારા વિશે કેવો મત ધરાવે છે.
બીજાના જીવનમાં અજવાળું કરવા માટે તો એક ‘મા’ અને બીજી આ મીણબત્તી જ બળે છે. 'મા' પણ પોતાના કરતા પોતાના બાળકોની વધારે ચિંતા કરતી હોય છે. પોતે પાણી પીને દિવસ કાઢી દેશે, પરંતુ પોતાના બાળકને ભરપેટ જમવાનું આપવા માટે મથે છે.
ખરેખર જીવનમાં નિર્જીવ વસ્તુંઓ આપણને જીવનનો સાચો પાઠ સિખવી જાય છે. હવે સામે પ્રશ્ન પણ થવાના છે, કારણ કે, અહીં જીવતા છે એ જ સરખી રીતે જીવવા નથી દેતા 'ને નિર્જીવનું પછી શું કરવાનું? ખરેખર જોવા જોઈએ તો, વાત સાચી પણ છે. અહીં તો જીવતા લોકો જ જીવતાને હેરાન કરી રહ્યા છે. મતલબ કે, ના તો જીવે છે ના તો બીજીને જીવવા દે છે.
અહીં લોકો પોતાના દુઃખે તો જરાય દુઃખી નથી, અહીં તો માણસો બીજાના સુખે જ દુઃખી થઈને ફરે છે.
- ‘યાર, જો પેલા પાસે કેટલી મસ્ત કાર છે’
- ‘તેની પાસે તો બધા કાળા કામના પૈસા છે’
- ‘આ તો તેના બાપના પઇસે દેખાડા કરી રહ્યો છે’
- ‘આમને જોવો! બે પૈસા થઈ ગયા છે તો બસ ફુલાઈ ગયા છે’
આવા તો અનેક ઉદાહરણો મારી અંદર ઉથલ-પાથલ કરી રહ્યા છે. કારણ કે, ડગલેને પગલે લોકોના મોઢે સાંભળવા મળતા હોય છે.
પણ ખેર! લોકો શું કરે છે અને શું કરે છે એ તો બધી એમની ઇચ્છાની વાત છે, પણ અહીં મીણબત્તી મારી આ વાતો સાંભળીને પણ રડવા લાગી અને તે એવી રોઈ કે, પોતાના અસ્તિત્વને સાવ પૂરૂ જ કરી દીધું.
...અને બસ તે ઓલવાઈ ગઈ!!!!!!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો