નિષ્કલંકી નારાયણ પ્રેરણાપીઠ - પીરાણા

નિષ્કલંકી નારાયણ પ્રેરણાપીઠ, પીરાણા

એક દિવસ હું અને મારો મિત્ર વાત કરતા હતા ત્યારે કલ્કિ અવતારના મંદિરની વાત નીકળી. તો સાંભળીને મને એ વાતમાં રસ પડ્યો અને બીજા દિવસે જ અમે કલ્કિ અવતારના મંદિરે જવાનું નક્કી કર્યું. પ્લાનિંગ પ્રમાણે અમે બીજા દિવસે સવારે 9 વાગતા અમદાવાદના સરખેજથી નીકળ્યા અને અંદાજે સાડા દસ વાગતા અમે નિષ્કલંકી નારાયણ મંદિરે પહોંચ્યા.

મંદિરમાં પ્રવેશતાની સાથે એક અપ્રિતમ અનુભવ થયો એવું લાગ્યું કે, સ્વયં કૃષ્ણના ધામમાં આવી ગયા છીએ. કૃષ્ણ જાણે સ્વાગત કરવા માટે સામે ચાલીને આવ્યો હોય તેમ એક ભાઈ મને બાઈક પાર્ક કરાવવા માટે આવ્યો અને કહ્યું કે, દોસ્ત બાઈક આ સાઈડ પાર્ક કરો જેથી બાઈકને કોઈ ક્ષતિ ના પહોંચે. મે ત્યાં બાઈક પાર્ક કર્યું 'અને પછી મંદિરના પ્રવેશદ્વારે જઈ નામ વાંચ્યું લખ્યું હતું કે, ‘શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ- પ્રેરણાપીઠ’ તેથી આગળ જતાં ફરી એક બોર્ડ આવ્યું જેના પર લખ્યું હતું ‘શ્રી સદ્‌ગુરુ મહારાજ તીર્થ મંદિર’. 


3200 વીઘામાં પથરાયેલું આ પરિસર નારાયણના આગામી દશમા અવતાર ‘કલ્કિ’ને સમર્પિત મંદિર છે. અહીં કલ્કિ અવતારની વિશાળ મૂર્તિ પણ સ્થાપિત છે. તેની રોજ પૂજા અર્ચના થાય છે. પહેલા તો અમે મંદિરના ટ્રસ્ટના મેમ્બર્સને મળવા માટે ગયા. કારણ કે, આવી કોઈ જગ્યા કે સ્થળની ફોટોગ્રાફી કરવા માટે જે તે ટ્રસ્ટની અનુમતિ લેવી અનિવાર્ય છે. ગમે ત્યાં જઈને આપણે ફોટો કે વીડિયો લેવા લાગીએ તે યોગ્ય બાબત નથી. 

ત્યાં અમને એક ટ્રસ્ટના મેમ્બર મળ્યા જેણે અમને ચેરમેન ચેતનભાઈ સાથે મુલાકાત કરાવી. ચેતન ભાઈ સાથે સામાન્ય પરિચય મેળવ્યા બાદ ત્યાંની ફોટોગ્રાફી કરવા માટે અનુમતિ માગી. થોડા સવાલો પછી પરવાનગી મળી ગઈ હતી. તો અહીંથી સંત હંસતેજજી મહારાજે સ્થાપેલા સતપંથના આ વિશાળ ધરોહરની ફોટોગ્રાફી શરૂ કરી. આ મંદિર સતાનત ધર્મ માટે અતિમહત્વનું માનવામાં આવે છે. કારણ કે, આ વિશ્વનું પ્રથમ મંદિર છે જ્યાં વિષ્ણુના આગામી દશમા અવતારની પૂજા કરવામાં આવે છે. વિષ્ણુના કલ્કિ અવતારની વિશાળ પ્રતિમા પણ અહીં સ્થાપિત કરેલી છે અને અહીં અખંડ જ્યોત પણ પ્રજ્વલિત છે. અહીં ચંદનનું તિલક કરીને મંદિરમાં સ્થાપિત કલ્કિ ભગવાનની મૂર્તિની ફોટોગ્રાફી કરી હતી. 

ચારેય યુગોમાં પોતાનું વિશેષ યોગદાન અને સિંહફાળો આપનારા ઋષિમુનિઓની મૂર્તિઓ જોઈને સનાતન ધર્મ માટે ખરેખર સ્વાભિમાન વધી ગયું. ક્રમશઃ અમરતેજ મુનિ, વસિષ્ઠ મુનિ, કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની મૂર્તિઓ આવેલી છે. આ સાથે સાથે ત્યાં મૂર્તિ નીચે તેમણે આપેલા યોગદાન વિશે પણ માહિતી આપેલી છે. જે વાંચીને મારા જ્ઞાનમાં થોડો વધારો પણ થયો હતો.

ગાદીપતિ પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી

વીડિયો માટે આગળ વધ્યા ત્યાં જોયું તો ભગવાન વિષ્ણુના દરેક અવતારની મૂર્તિઓ પણ સ્થાપિત કરેલી હતી. ક્રમશઃ સત યુગના ચાર અવતાર મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર ત્યારબાદ ત્રેતાયુગના ત્રણ અવતાર વામન અવતાર, પરશુરામ અવતાર, શ્રી રામ અવતાર અને દ્વાપર યુગના શ્રી કૃષ્ણ અવતાર તથા કલિયુગના બુદ્ધ અવતારની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. હજી વિષ્ણુનો દશમો અવતાર થવાનો બાકી છે. 

મંદિરમાં જતાની સાથે મારી નજર છત પર પડી તો ત્યાં કૃષ્ણલીલા અને રામલીલાનાં ચિત્રો નજરે ચડ્યા. આમ, આવા ચિત્રો અનેક વખત જોયા છે પરંતુ અહીંના ચિત્રો અલગ અનુભૂતિ કરાવે એવાં હતા. આ ચિત્રો જોતાં જાણે કૃષ્ણ અવતાર નજર સમક્ષ હોય એવું લાગતું હતું. મતલબ કે, આ તમામ ચિત્રો જીવંત લાગતા હતા. કૃષ્ણનો તો હું બહું મોટો ચાહક છું તો સ્વાભાવિક છે તો વાતાવરણ મને વધારે જ ગમવાનું છે. એની સાથે મંદિરમાં ત્યાંના અનેક સાધુ સંતોના ફોટા પણ મૂકેલા હતા. 

આ બાદ અમે ભોજન ખંડમાં જમવા માટે ગયા. જમવામાં શાક રોટલી, દાળ ભાત અને મીઠાઈ હતી. ખરું કહું તો જમવાનું ઘર જેવું લાગ્યું પેટ ભરીને ખાધું અને સૂચના પ્રમાણે થાળી અમે જાતે જ ધોઈ હતી. એનું કારણ એવું છે કે, ‘અમારૂ પુણ્ય કોઈ લઈ ન જાય’ બને ત્યાં સુધી આપણી થાળી આપણે જાતે જ ધોવી જોઈએ. ત્યારબાદ આ તીર્થધામ પ્રેરણાપીઠના ગાદીપતિ પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજને મળવા માટે ગયા. તેમણે આ પ્રેરણાપીઠ સહિત સતપંથ અને વિષ્ણુ અવતારો વિશે માહિતી આપી. 

હવે થોડો થાક લાગ્યો હતો પરંતુ હજી ઘણું જોવાનું બાકી હતું. ઓડિટોરીયમમાં જઈને ફિલ્મ જોવાની બાકી રાખી આગળ મેદાનમાં આવેલા આરોગ્યધામ, મનસા ધ્યાન કેન્દ્ર, ગૌશાળા અને ગેમ ઝોન જોવા માટે ગયા. મને તો ખાસ કરીને મનસા ધ્યાન કેન્દ્ર વધારે ગમ્યું અને એવું થયું કે, અહીં ખરેખર રોકાવવું જોઈએ. અહીં મહિનાની 1થી 10 અને 13થી 22 તારીખોમાં આ ધ્યાન શિબિર યોજાય છે. જેમાં જવા માટે તમારે 6 મહિના જેટલી રાહ જોવી પડે છે એવું ત્યાંના કેરટેકર કહેતા હતા. ગૌશાળાની ગાયો ખરેખર ખાતાપીતા ઘરની લાગતી હતી. 

હવે સમય થઈ ગયો હતો એટલે નીકળવાનું હતું પરંતુ જગ્યા એવી કે, જવાની જરાય ઈચ્છા નહોતી થતી. એક સેવક હરપળ અમારી સાથે રહ્યો અને જેની અમને જાણ નહોતી તો બાબતોથી અમને અવગત કરાવતો ગયો. તેને પૂછતાં જાણવા મળ્યું કે, તે અહીં ખાસ્સા વર્ષોથી કામ કરે છે પરંતુ તેનો સ્વભાવ ઘણો હસમુખો હતો. આ સેવક અમે જ્યાં સુધી તીર્થધામની બહાર ન નીકળ્યા ત્યાં સુધી અમારી સાથે રહ્યો. પછી મારું બાઈક ચાલુ કરીને જાણે હવા સાથે વાતો કરતા હોઈએ તેમ ઓફિસ તરફ રવાના થઈ ગયા.

તીર્થધામ પ્રેરણાપીઠનો સંક્ષિપ્ત પરિચય

સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નિર્દેશિત શ્રી કુંવારિકા ક્ષેત્ર કાશીનગરીમાં પ્રસ્થાપિત છે. તીર્થધામ પ્રેરણાપીઠ આજથી સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે-દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ ભવિષ્ય કથન કરેલ કે આ કુંવારિકા ક્ષેત્રમાં - તીર્થધામ પ્રેરણાપીઠની પાવન ભૂમિ પર આદિ નારાયણ श्री હરિ વિષ્ણુ ભગવાનના દશમ્ કલ્કિ અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને ધરતીમાતા (કુંવારિકા માતા)ના શુભ વિવાહ સંપન્ન થશે. એટલે જ સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજ દ્વારા ૬૦૦ વર્ષ પૂર્વે સ્થાપિત સનાતન સત્પંથ ધર્મની પ્રમુખપીઠ તીર્થધામ પ્રેરણાપીઠ એ સનાતન વૈદિક હિન્દુ ધર્મની સબળ આસ્થા અને પ્રચંડ વિશ્વાસનું એક અતિ મહત્વપૂર્ણ તીર્થધામ છે.

અયોધ્યાના શ્રીરામ મંદિર, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થળ તથા જ્ઞાનવ્યાપી સંકુલમાં જે રીતે વિધર્મી તત્વો દ્વારા અનુચિત ચેડાઓ કરી - ફેરફારો કરી તે આપણા ધર્મસ્થળોને અન્ય ધર્મસ્થળોમાં પરિવર્તિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવેલ છે, એ જ રીતે મુગલકાળથી કેટલાક વિધર્મીઓ દ્વારા તીર્થધામ પ્રેરણાપીઠના મૂળભુત માળખાકીય બંધારણ-સ્થાપત્યમાં અઘટિતપણે ફેરફારો કરી તેને અન્ય ધાર્મિક ઓપ આપવાના કનિષ્ઠ પ્રયાસો થયેલ છે. પરંતુ જગદ્ગુરુ શ્રી કરસનદાસજી મહારાજની દીર્ઘ- દૂરંદેશીપૂર્ણ દ્રષ્ટિના પ્રતાપે અને ક્રાંતિકારી નેતૃત્વના પરિણામે તીર્થધામ પ્રેરણાપીઠ તેના મૂળ- વાસ્તવિક હિન્દુત્વ પૂર્ણ સ્વરૂપને પુનઃ પ્રાપ્ત કરી રહ્યું છે. વર્તમાન જગદ્ગુરુ શ્રી જ્ઞાનેશ્વરદેવાચાર્યજી મહારાજ પણ આ દિશામાં ધર્મનિષ્ઠ પ્રયત્નો કરી રહેલ છે.

તીર્થધામ પ્રેરણાપીઠના વિશાળ સંકુલમાં અનેક પવિત્ર સ્થાન પ્રતિષ્ઠિત છે, જેમ કે સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજનું અખંડ દિવ્ય જ્યોતિ મંદિર, કાશીનગરી, દશમ્ કલ્કિ અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું મંદિર, દશાવતાર મંદિર, શ્રી નિષ્કલંક મહાદેવ મંદિર, શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિર તથા અન્ય ધાર્મિક સ્થાનો આવેલાં છે. તદ્ઉપરાંત તીર્થધામ પ્રેરણાપીઠ અંતર્ગત કેટલાંક મહત્વપૂર્ણ સ્થાન પણ આવેલ છે, જેવાં કે વિશાળ સત્સંગ હોલ, આદ્ય જગદ્ગુરુ શ્રી કરસનદાસજી મહારાજ તેમજ બહ્મલીન જગદ્ગુરુ મનકદાસજી મહારાજ સ્મૃતિ મંદિર, ઓડીટોરીયમ, અત્યાધુનિક નિવાસ વ્યવસ્થા, અન્નક્ષેત્ર, સત્પંથ પ્રકાશન સ્ટોલ, મનસા ધ્યાનકેન્દ્ર, શ્રી નાનકદાસજી મહારાજ ગૌશાળા, જોવાલાયક છે.

તીર્થધામ પ્રેરણાપીઠ દ્વારા વર્ષોથી સમાજ ઉપયોગી સેવા કાર્યો પણ અવિરતપણે ચાલી રહ્યા છે, જેમ કે ઓર્ગેનિક ખેતી, ગુરુકુળ વિધાવિહાર, આરોગ્યધામ, બાળકોના મનોરંજન માટે ગેમઝોન. પ્રતિદિન વિશેષ તિથિઓમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ-ભક્તો તીર્થઘામ પ્રેરણાપીઠ સ્થિત કુંવારિકા ક્ષેત્રના પાવન દર્શન કરી જીવનને ધન્ય બનાવે છે. સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજ તથા દશમ્ કલ્કિ અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન સર્વેનું સદા-સર્વદા સુમંગલ કરે.

ટિપ્પણીઓ