![]() |
| Mojor moments of 2023 |
2023 ઘણી બધી યાદો આપીને ગયું છે. જેમાં ઘણી યાદો સારી પણ છે કે જેને ભીતરમાં સાચવીને રાખી શકાશે. પરંતુ અમુક ઘટનાઓ એવી પણ છે જેને યાદ કરીને હ્રદય કંપારી જવાનું છે. એ તારીખો તો કેમ કરીને ભૂલી શકાય? જે પળોએ, જે ઘટનાઓએ આપણને ઘેરા ઘાવ આપ્યા હોય! તો ચાલો તેવી અમુક ઘટનાઓ પર પ્રકાશ પાડીએ.....
2023ની ખરાબ ઘટનાઓની યાદી
જાતીય સતામણી વિરુદ્ધ કુસ્તીબાજો રસ્તા પર ઉતર્યા
તમને કદાચ જાણ હશે કે, ભારતમાં જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ જાતીય સતામણી વિરુદ્ધ રસ્તા પર વિરોદ્ધ પ્રદર્શન કર્યું હતું અને તે ખુબ જ લાંબુ ચાલ્યું હતું. ભારતની મહિલા કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જોરદાર વિરોધ કર્યો હતો. વિગતો પ્રમાણે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લાગ્યો હતો. જેથી ડિસેમ્બરમાં કુસ્તીબાજ સાક્ષી મલીકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. એટલું જ નહીં પરંતુ બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી પણ વડાપ્રધાનને પરત કરવા રસ્તા પર મુકી દીધો હતો. વિગતો પ્રમાણે આ કુસ્તીબાજો સતત એક વર્ષ સુધી પોતાની લડત લડતા રહ્યા અને આખરે સરકાર દ્વારા તેમના પક્ષમાં સંતોષકારક નિર્ણય પણ લીધો હતો.
ભારત વિશ્વનો વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો
ભારત એપ્રિલમાં ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. અત્યારે ભારતની વસ્તી 140.76 crથી પણ વધારે થઈ ગઈ છે. હવે આ ઘટનાને ભારતની દુઃખમાં સમાવવી કે, સુખમાં એ જ નથી સમજાતું પરંતુ એ વાત તો છે જ કે, ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. UN દ્વારા તો એવું પણ એવું કહેવામાં આવ્યું છે કે, હજી ત્રણ દાયકા સુધી ભારતની વસ્તીમાં વધારો થવાનો છે, જોકે તેના પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે. ઘટાડો થવાની સંભાવના એટલે કે, વસ્તીના વૃદ્ધિદરમાં ઘટાડો થવાનો છે.
મણિપરમાં ફાટી નીકળેલી હિંસા
ભારત માટે સૌથી દુઃખની વાત કે, જે સમગ્ર દેશ અને સરકાર માટે આઘાતજનક વાત હતી તે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હતી. જેમાં બે સમુદાયો વચ્ચે ભારે હિંસા જોવા મળી હતી. કુકી અને મેઈતેઈ સમુદાયો વચ્ચે ભારે હિંસા ફાટી નીકળી હતી. જેનાં અનેક વીડિયોઝ પણ વાયરલ થયા હતા. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવાનો વીડિયો ખુબ જ દુઃખદાયી હતો કે, લોકો ત્યારે માનવતા ભૂલી ગયા હતા. અહીં વધારે દુઃખની વાત એ પણ હતી કે, આ બાબતે મીડિયાએ પણ ખુબ જ ઓછું ધ્યાન આપ્યું હતું. જોકે તેના કારણોથી સમગ્ર દેશ વાકેફ છે.
2000 રૂ.ની નોટ પાછી ખેંચાઈ
2023માં કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને પાછી ખેચવાનો નિર્ણય કર્યો હતો. જેનાથી દેશના લોકોમાં ભારે કુતુહલ પણ સર્જાયો હતો. કારણે કે, નોટ બહાર પાડ્યાના ખુબ જ ટૂંકા ગાળામાં નોટને પાછી પરત ખેચી લેવામાં આવી હતી. જે નોટને પાછી બેન્કમાં જમા કરવા માટે RBI દ્વારા 30 સપ્ટેમ્બર, 2023 સુધીની સમય અવધી આપવામાં આવી હતી. સરકારના આ નિર્ણય ખરેખર સામાન્ય લોકો માટે અચંબિત કરે તેવો હતો. આખરે આ નોટ પાછી ખેચવામાં કેમ આવી તેનાથી દેશ અવગત હતો.
કુદરતી અને માનવસર્જિત ઘટનાએ કેટલાયના જીવ લીધા
કુદરતી અને માનવનિર્મિત આફતો પણ ઘણી આવી હતી. જેમાં ઘણાય લોકોના મોત પણ થયા અને અસંખ્ય લોકો ઘાયલ પણ થયા હતા. જેમ કે, 2 જૂનના રોજ ઓડિશામાં ચેન્નઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અને SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કેટલાય લોકોના મોત થયા હતા. ત્યારે લગભગ 300 જેટલા લોકોના મોત થયા હતા અને 800થી વધારે લોકો ઘાયલ થયા હતા.
ત્યાર બાદ દેશમાં બિપોરજોયે નામનું વાવાઝોડું પણ આવ્યું જેમાં પણ દેશની માનવ સંપતિ સહિત ભારે નુકસાન થયું હતું. જુન મહિનામાં બિપોરજોયે ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી. અને મળતી વિગતો પ્રમાણે 1977 પછી હિંદ મહાસાગરમાં આ સૌથી લાંબુ સક્રિય ચક્રવાતી તોફાન હતું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,80,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ સાથે વધારે દુઃખની વાત એ પણ રહી કે, જુલાઈ મહિનામાં હિમાચલ પ્રદેશમાં વિનાશક પુર પણ આવ્યું હતું. જેમાં પણ કેટલાય લોકો પ્રભાવિત થયા હતાં. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યને વિનાશક ભૂસ્ખલન અને પૂરનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર સુંદર પર્યટન સ્થળની સુંદરતાનો નાશ કર્યો હતો અને કરોડોની સંપત્તિ વેરવિખેર બની હતી. આ સમયે ત્યાંની રાજ્ય સરકારને 12,000 કરોડનું નુકસાન થયું હતું.
સંસદ હુમલાની વરસી પર ફરીવાર હુમલો થયો
ડિસેમ્બરના મધ્યમાં સંસદ હુમલાની વરસી પર કરવામાં આવી હતી. હકીકતમાં લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદી પડ્યા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો. જો કે, આ મુદ્દો સમગ્ર દેશમાં ગુંજી ઉઠ્યો. હાલમાં દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. આ એ જ તારીખ હતી જ્યારે જુની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલો થયો હતો. જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં. ત્યારે એ હુમલાના 22 વર્ષ પછી આ હુમલાની વરસી પર સંસદમાં પ્રદર્શનકારીઓ પ્રવેશ્યા હતા. જોકે આ હુમલો તો ના કહી શકાય પણ સુરક્ષામાં મોટી ખામી જરૂર કહી શકાય.
ભારત 2023નો વર્લ્ડ હારી ગયું
આ વખતે આમ તો ભારત ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાને આવી ગયું હતું. તેની સાથે સાથે 2023માં વર્લ્ડ કપ પણ યોજાયો હતો. ભારત શરૂઆતથી 10 મેચો સુધી મેચો જીતતું રહ્યું. આખા દેશને લાગતું હતું કે, આ વખતે ભારત વર્લ્ડ કપ જીવતવાનું છે અને વિશ્વમાં એક બીજો પણ રેકોર્ડ પોતાને નામ કરવાનો છે. પરંતુ થયું કઈક એવું કે, ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનને હરાવીને ફાઈનલમાં આવ્યું અને આખી બાજી ફેરવી નાખી! આમ તો ભારત બીજા દાવ સુધી મેચ જીતી શકે તેમ હતું પરંતુ રમત કઈક એવી રમાઈ કે, ભારતને હારનો સમાનો કરવો પડ્યો. આ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચના કારણે કે, ભારતના 1.4 અજબ લોકોને દિલ તુટી ગયા હતા.
સિલ્કયારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આબાદ બચાવ
આ ઘટના બની નવેમ્બર મહિનામાં જ્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હતો. આ વખતે ઉત્તરાખંડમાં સિલ્કયારા ટનલમાં 41 જેટલા મજૂરો ફફાઈ ગયા હતા. સામાન્ય રીતે આ એક અલગ પ્રકારની આફત હતી. કારણ કે, આ ટનલમાં ભૂસ્ખનલ થતાં તેમાં 41 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા. જે લોકોને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા અને આખરે 14 દિવસની લાંબી મથામણ અને બચાવ કામગીરી બાદ તે લોકોનો બચાવ પણ કરી લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ મજૂરોએ દિવાળી પછી પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી હતી અને તેમાં આખા દેશના લોકોએ પણ ભાગ લીધો હતો.
સારી યાદોનું એક સંભારણું
ક્રિકેટ જગતમાં ભારતીય ટીમે ઈતિહાસ સર્જ્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમે ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવીને ક્રિકેટ જગતમાં ભારતનું નામ લખાવીને એક નવો જ ઈતિહાસ રચ્યો હતો. ખરેખર ભારતના દરેક ક્રિકેટ પ્રેમીઓ માટે તો આ સોનેરી ક્ષણ હતી. કારણે કે, ભારતીય ક્રિકેટ ટીમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે રાષ્ટ્રીય ટીમ એક સાથે ત્રણેય ફોર્મેટમાં ટોચ પર રહી હોય.
ઓગસ્ટમાં ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર પહોંચી ઈતિહાસ રચ્યો
ભારત માટે ઓગસ્ટ મહિનો ખુબ જ ઐતિહાસિક રહ્યો હતો. કારણ કે, ભારતે 23 ઓગસ્ટના રોજ મિશન ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર સફળતાથી લેન્ડ કર્યું હતું અને તેની સાથે ભારતને અનોખી સિદ્ધિ અપાવી હતી. જોકે તેના માચે ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને આભાર માનવો ઘટે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત એકમાત્ર દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થવા લાગી. દરેકે ભારતને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ ભારતીય પ્રમાણિત સમય પ્રમાણે બપોરે 02:35 પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. ઉતરાણ એકમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીકના પ્રદેશ પર 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજના 06:014 વાગે ઉતર્યું. રોવરનું પાવર્ડ ઉતરાણ 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 05:44 વાગે શરુ થયું અને રોવરનો ચંદ્રતલ (ચંદ્રની સપાટી)ને સ્પર્શ 06:04 વાગે થયો
સપ્ટેમ્બરમાં ભારતે G-20ની અધ્યક્ષતા કરી
આમ, તો ભારત માટે સપ્ટેમ્બર મહિનો પણ સારો રહ્યો હતો. કારણ કે, આ મહિને નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરાયું હતું. રાજધાનીમાં આયોજિત આ સમિટમાં ઘણા શક્તિશાળી વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો. આ સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બિડેન, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. G-20 સમિટમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી હતી.
G-20 ની સફળતા બાદ P-20 સમિટનું આયોજન ભારતમાં 13-14 ઓક્ટોબર 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર’, દ્વારકા દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. P-20 સમિટમાં G20 દેશોની સંસદના સ્પીકર્સ અને અધ્યક્ષોએ ભાગ લીધો હતો. આ સમિટમાં 25 દેશોના પ્રમુખ અધિકારીઓ અને G20 સભ્ય દેશોના 10 ડેપ્યુટી સ્પીકરોએ ભાગ લીધો હતો.
એશિયન ગેમ્સમાં ભારતે જીત્યા 107 મેડલ
ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતે 100 મેડલનો આંકડો સ્પર્શીને વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતે હાંગઝોઉ 2023માં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સહિત કુલ 107 મેડલ જીત્યા હતા.
ભારતને મળી એક નવી અને અત્યાધુનિક સંસદ
28 મેના રોજ જ ભારતને તેની નવી અને અત્યાધુનિક સંસદની ઇમારત મળી. પીએમ મોદીએ 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 971 કરોડના ખર્ચે બનેલી આ ઈમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 300 સાંસદો બેસી શકે છે.
મહિલા આરક્ષણ બીલ
2023 મહિલાઓ માટે આમ ખાસ રહ્યું એવું કહી શકાય કારણ કે, મહિલા આરક્ષણ બીન અથવા નારી શક્તિ વંદન એક્ટને 29 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ પોતાના હસ્તાક્ષર કરીને મંજૂરી આપી દીધી હતી. આ સાથે લોકસભા અને ભારતની તમામ વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો મહિલા માટે અનામત કરી દેવામાં આવી. આ બિલ સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 26 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
થોડી આ બાબતો પણ ધ્યાને લેવા જેવી છે
આ વર્ષે એટલે કે 3 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM પાર્ટીએ પ્રચંડ જીત મેળવી હતી. પરંતુ ભાજપ પણ કઈ પાછળ નહોતું રહ્યું કારણ કે, ત્રણ રાજ્યોમાં પોતાનો ભગવો લહેરાવ્યો હતો. ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારે મતો સાથે જીત મળેવી હતી.
આ સાથે સાથે 11 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. જેને હટાવવાનો નિર્ણ સંપૂર્ણપણે બંધારણીય છે.’
સુપ્રીમ કોર્ટે એક બીજો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેમાં કોર્ટે સર્વસંમતિથી ગે લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ નિર્ણય પણ એકદમ શાંતિપૂર્ણ રીતે અપનાવવામાં આવ્યો હતો.
એક મહત્વની વાત એ પણ છે કે, એપ્રિલ મહિનામાં ગેંગસ્ટર જે રાજકારણી બની ગયો હતો તેવા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મીડિયાની સામે કરવામાં આવી હતી. જેથી તે પણ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો.
ભારતે સુર્યની માહિતી મેળવવા માટે એક મિશન લોન્ચ કર્યું હતું. આદિત્ય L-1 મિશને ભારતને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપી છે. આદિત્ય L-1 એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. તેને લોન્ચ કરીને ભારત સૌર વાતાવરણની ગતિશીલતા એટલે કે ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરવા માંગે છે. આ સાથે, તે કોરોનામાંથી મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાના રહસ્યો પણ ખોલશે તેવી પણ એંધાણ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો