વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ

આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે તમોને ખુબ ખુબ શુભેચ્છા અને આનંદ. માતૃભાષા પ્રત્યે બધાને ગર્વ હોવો જોઈએ. કારણ કે, જે ભાષા આપણને સરળતાથી સમજાઈ જાય, તે ભાષામાં સમસ્યાનો ઉકેલ જલ્દી મળી જાય અને કે ભાષામાં આપણે વિચારી શકતા હોઈએ તે ભાષા પ્રત્યે માન-સન્માન હોવું એ સ્વાભિમાનની વાત છે. આમ, છાતી ઠોકીને કહેવું જોઈએ કે હા આ મારી માતૃભાષા છે! 

વાત ભણવાની હોય કે પછી ભણાવવાની, વાત સમજવાની જોય કે સમજાવવાની, વાત આચરણની હોય કે આચરનવૃત્તીની અને ખાસ તો કે વાત મારા સવાલની હોય કે તમારા જવાબની! જો માતૃભાષામાં બોલવા મળે તો તો જગ જીત્યા હો!

હું અહીં એમ પણ નથી કહેતો કે, બીજી ભાષાનો વિરોધ કરવો જોઈએ કે બહિષ્કાર કરવો જોઈએ, પણ જ્યાં સુધી પોતાની 'મા' હયાત હોય ત્યાં સાવકી 'મા' ની પૂજા કેવી રીતે કરવી? આ તો એવી જ વાત થઈ કે મંદિરમાં બેઠેલી 'મા' ને ચૂંદડી ઓઢડવી અને જન્મ આપનાર 'મા' ને એક સાડલો જ નસીબ ના થવા દેવો! હું તો એટલું જ માનું છું કે, જ્યાં સુધી 'મા' નું ધાવણ ગણકારે ત્યાં દૂધની ઠેલીઓનો આશરો ના લેવાય. તોય તમારે પાવડરનું જ મિશ્રણ પીવું હોય તો હું કહેવા વાળો કોણ? 

અરે જે ભાષાએ મારો ઉછેર કર્યો હોય તેનું ઋણ મારે સમય આવે ચૂકવવું પડે! કોઈના ઉપકાર લઈને ભૂલી જઈએ તો એનાથી મોટો 'કૃતઘ્ની' બીજો કોણ હોય શકે! 

જે કરેલા ઉપકારને જીવનભર યાદ રાખે એ 'કૃતજ્ઞી' અને જે કરેલા ઉપકારને ભૂલી જાય તે 'કૃતઘ્ની'

'કૃતજ્ઞી' થવું કે 'કૃતઘ્ની' તો એ વિચારવાનું કોને? 

જે ભાષાએ મને સપના આપ્યા છે, મુક્ત વિચારો આપ્યા છે, નાત વગરનો નાતો આપ્યો છે અને ફૂલથી પણ કોમળ સંબંધો આપ્યા છે જેને કેમ કરી ભૂલાય વ્હાલા! 

જન્મ લીધા પછી જ્યારે પણ આપણે બોલવાની શરુઆત કરીએ અને ત્યારે જે શબ્દ મુખમાંથી સરી પડે તે આપણી માતૃભાષા! ઘણી વાર વાંચ્યું પણ છે અને ઘરના લોકો પાસે એવું સાંભળ્યું છે કે, મારા મુખેથી પેલો શબ્દ 'મા' નીકળ્યો હતો. એટલે મને તો મારું મા અને માતૃભાષા બંને પ્રત્યે અપાર પ્રેમ પણ છે અને અત્યંત લાગણી પણ છે. મારા મુખેથી પહેલો શબ્દ 'મા' નીકળ્યો હતો અને છેલ્લો શબ્દ 'કૃષ્ણ' નીકળશે! આ બંને પાત્રો એવા છે જે પોતાના કરતાં બીજા માટે ઘણું જીવ્યા છે. એક પોતાના બાળકો રૂપી પરિવાર માટે જ્યારે બીજો આ જગત રૂપી પરિવાર માટે!

એકવાર ફરી આપ સૌને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્રેમ

ટિપ્પણીઓ