Memorable Days : એ પણ શું દિવસો હતાં...!

વિમલ પ્રજાપતિ/ विमल प्रजापति/ Vimal Prajapati 

2011 ની યાદો ફરી તાજી થઈ. ત્યાં બેસવાનું થયું જ્યાં બેસીને હું મારી સ્કૂલ વાનની રાહ જોતો હતો. 

ભીલડી શહેર અને ગંજના નાળાનો એ ખૂણો જ્યાં મારે દર શનિવારે ઊભા રહેવું પડતું. અહી એક મોચી પણ બેસતો હતો. તે અમને અલક મલકની વાતો કરતા અને કે'તા કે, ભણજો હો! બાકી રહી જશો. મારે એમની સાથે ખુબ વાતો થતી. આમ તો રોજ શાળાના ગેટ આગળથી જ વાનમાં બેસી જવાનું થતું પરંતુ શનિવારે હું છાપું લેવા માટે જતો. 

છાપું લેવા શાળાએથી થોડે દૂર ચાલીને જવું પડતું એટલે પછી અહીં નાળે બેસવાનું થતું. મને ત્યારે શનિવારે સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં આવતી પૂર્તિ વાંચવાનો ખુબ જ શોખ હતો. એમાં આવતી અવનવી વાર્તાઓ અને જાણવા જેવી વિગતોને હું કટિંગ કરી એક ચોપડામાં ચોંટાડી રાખતો. ગમે તે થાય પણ કોઈ દિવસ મને શનિવારનું છાપું ના ભૂલાય!

સવારના 11 વાગ્યાનો સમય હોય એટલે બધાય તૈયાર થઈ ને કામે જતા હોય. પણ હું છાપું લઈને અહીં ઊભો રહેતો અને મોચીકાકા સાથે વાતો કરતો. મને મજા પણ એટલી જ આવતી, એમની પાસે કેટલી વાતો હતી! ક્યારેય એકની એક વાત પાછી ના આવે. દર શનિવારે ત્યાં અલગ જ વાત મને સાંભળવા મળે. 

શાળા છોડ્યા પછી ઘણો પ્રયત્ન કર્યો પણ એ કાકા કોઈ દિવસ મળ્યા જ નહીં. પણ આ જગ્યાએ આવ્યો એટલે શાળા, કાકાની વાન, શનિવારનું છાપું અને આ જગ્યા સાંભરી આવી! 

ખરેખર ભૂતકાળના એ દિવસોમાં ઘણી યાદો હતી અને એ પણ કેવી અદ્ભુત યાદો....!

ટિપ્પણીઓ