રાજ્યમાં થયેલી દુઃખદ દુર્ઘટનાઓ! કથિત રીતે 'હત્યાકાંડ'

Surat, Vadovara, morbi And Rajkot Tragedy 

રાજકોટ અગ્નિકાંડ જેમાં અનેક લોકોના જીવ હોમાયા! આ લોકોનો આખરે વાંક શું હતો? શું તેઓ આનંદ માણવા માટે ગયા એ જ એમનો વાંક? માહિતી એવી પણ સામે આવી છે કે, અહીં લોકોની સુરક્ષાના નામે માત્ર મીંડું હતું. 

ત્રણ વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો. તેના ઉદ્ઘાટન માટે પણ અધિકારીઓ આવ્યા હતા. તો શું આ અધિકારીઓને ખબર નહોતી કે, આ ગેમ ઝોનમાં કાયદાનું ઉલંઘન થયેલું છે? કે પછી એમાં અધિકારીઓની જ મિલીભગત હતી? કેમ થોડાક પૈસા છાપવા માટે લોકોની જિંદગી સાથે રમતો રમવામાં આવે છે?

આવું ગુજરાતમાં કઇ પહેલી વાર નથી બન્યું? આ પહેલા પણ સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી બ્રિજકાંડ, વડોદરા હરણી બોટકાંડ જેવા જીવલેણ બનાવો બની ચૂક્યા છે! પણ કાર્યવાહી કેવી તો કે, મીંડું! મારો અહીં સવાલ સરકારને નહીં જેતે શહેરના તંત્રને છે? 

અત્યારે તો તમામ શહેરોમાં તંત્ર દોડતા થયા છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોંકાવનારી વાત એ છે કે, રાજ્યમાં કેટલાય ગેમ ઝોનમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે, જેથી તેને બંધ કરી દેવામાં આવ્યા છે. પણ અહીં સવાલ છે કે, રાંડ્યા પછી ડાપણ કેમ? શું રાજકોટ અગ્નિકાંડ ના થયો હોત તો આ બધા ગેમ ઝોન ચાલતા જ રહોત ને? 

ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ આ રીતે હોમાયા રહેશે? અત્યારે તો ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે કે, એમને રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય વિશ્વાસ નથી! અને હોય પણ ક્યાંથી? આટઆટલા લોકોના જીવ ગયા પછી પણ જો તંત્રની આંખો ના ખુલતી હોય તો બીજું શું કહી શકાય.

જો આવી દુર્ઘટનાઓ થતી રોકવી હોય તો હવે તંત્ર પહેલા લોકોને જાગૃત થવું પડશે. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા પાસે સ્માર્ટ ફોન છે તો તમને જ્યાં પણ સુરક્ષાની ખામી દેખાય તો વીડિયો બનાવો, ફોટા પાડો અને શેર કરો, મીડિયા ચેનલને મોકલો, તમારા ખુદના એકાઉન્ટમાં શેર કરો. જેતે શહેરની પોલીસને વીડિયોમાં ટેગ કરો. તો જ કાર્યવાહી થશે અને તંત્ર જાગશે. 

બાકી તંત્રના ભરોસે બેસી રહીશું તો આવા બીજા હત્યાકાંડ થતાં જ રહેશે. તંત્ર દ્વારા તપાસના નાટકો પણ ચાલુ રહેશે, પણ કાર્યવાહી નામે તમને જોવા મળશે માત્ર 'એકડા વગરનું મીંડું'. તો શું તમે હવે તૈયાર છો? કારણ કે, આવા બીજા કાંડ ના થાય તેની જવાબદારી હવે આપણે લેવાની છે. 

યાદ રાખજો બીજાના ભરોસે રોટલો ના ખવાય! આપણી સુરક્ષા આપણા હાથમાં છે. સરકાર અને પોલીસ પર ભરોસો રાખો પણ તેમના સુધી કઈક ખોટું થઈ રહ્યું છે તે પહોંચાડવું તો પડશે ને? એ કામ હવે આપણે કરવાનું છે. કઈક ખોટું થઈ રહ્યું હોય, લોકોની સુરક્ષા દાવ પર હોય તો મોબાઈલ કાઢો અને રેકોર્ડ કરો! પછી જુઓ કેમ કાર્યવાહી નથી થતી!

આ વીડિયો પણ જુઓ


અગ્નિકાંડ પોતાના સંતાન સહિત પરિવારને ગુમાવનાર પિતાની વેદના



ટિપ્પણીઓ