રક્ષાબંધન એટલે? જૂની પણ વાસ્તવિક વાતો

બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના તહેવારને સૌથી પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. આ તહેવાર ક્યારે અને કેમ ઉજવાય છે તેનાથી બધા જ વાકેફ છે. પરંતુ આજે મારે તમને નવી વાત કરવી છે. જે કદાચ ના તો ક્યાય લખાઈ છે કે ના કહેવાઈ છે. આ એક એવો સંબંધ છે જેમાં કોઈ કલંકીત દાગ નથી લાગતો. પરંતુ શું આ તહેવાર સાચી રીતે ઉજવાય છે. મને એવું લાગે છે કે, આપણે એટલા બધા મોર્ડન થઈ ગયા છીએ કે, માત્ર ફોટા પાડવા માટે જ રાખડીઓ બધાવામાં કે બંધાવવામાં આવે છે. રાખડીઓ પાછળ ખર્ચ કરવાનો કોઈ અર્થ નથી. માત્ર આ રક્ષાબંધનના તહેવારનો અર્થ સમજવાની જરૂર છે. માત્ર સુતરનો એક ધાગો ભાઈને બંધવામાં આવે તો પણ તહેવાર તો ઉજવાઈ જાય છે. પણ ફોટા પાડવા, સ્ટેટ્સ રાખવા અને પછી ભૂલી જવાનું? 

યાદ કરો એ મહાભારતના દિવસને જ્યારે કૃષ્ણની આંગળી પર લોહી આવે છે અને દ્રોપદી પોતાનો પાલવ ફાડી તેના ટૂકડા વડે કૃષ્ણને પાંટો બાંધે છે. અને કૃષ્ણ દ્રોપદીના વસ્ત્રાહરણ વખતે જેટલા તે પાટામાં દોરા હતા એટલી જ સાડીઓ પૂરી પાડે છે. આ અર્થ છે રક્ષાબંધનનો! પરંતુ મને લાગે છે કે, ભારત પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતા ભૂલી ગયો છે. ડગલેને પગલે દીકરીઓની છેડતી થઈ રહીં છે. જ્યાં સુધી હવસની નજરો નહીં હણાય ત્યા સુધી કેવી રીતે સાચો રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે?

ભાઈઓને મારે ખાસ એ કહેવું છે કે, જો તમે તમારી બહેનને સુરક્ષિત જોવા માંગતા હો તો પછી તમારી ફરજ બને છે કે, બીજાની બહેન પણ સુરક્ષિત રહે! કારણ કે, એ પણ કોઈની બહેન છે. તેણે પણ કોઈ ભાઈને રાખડી તો બાંધી જ છે. અને દોસ્તો ભાઈ-બહેનનો સંબંધ માત્ર લોહીના સંબંધમાં જ નથી હોતો. અરે આ ભારત વર્ષમાં તો કેટલાય ભાઈ ધર્મની બહેન માટે પાળીયા થઈ ગયા છે. જો તમે કોઈની રક્ષા ના કરી શકો તો કાઈ નહીં પરંતુ નુકશાન તો ના પહોંચાડવું જોઈએ. 

એક બહેન તો હંમેશા માટે ભાઈની રક્ષા માટે પ્રાર્થનાઓ કરતી આવી છે. પરંતુ હવે સમય આવ્યો છે કે, ભાઈએ બહેનોની રક્ષા કરવી પડશે. ભાગ્યે જ કોઈ બહેન એવી હશે જેણે પિતાની સંપત્તિમાં ભાઈ પાસે પોતાનો ભાગ માંગ્યો હોય! અહીં માત્ર સગી બહેનની વાત નથી. ક્યારેય પણ તમને કોઈ છોકરી ભાઈ કહીને બોલાવે છે તો તમારી ફરજ છે કે, હેવાન લોકો સામે તમને એનું રક્ષા કવચ બનો. અને એક વાત યાદ રાખજો કે, હેવાનો નરકમાં ડૂબી મરે છે જ્યારે બહેન માટે ખપી જનારને ઇતિહાસ સોનાના અક્ષરે લખે છે!   

રક્ષાબંધનના પવિત્ર તહેવારની સૌને હાર્દિક શુભેચ્છાઓ

ટિપ્પણીઓ