ઘણાં સમયથી એક વાત મનમાં ખુબ જ ખૂંચતી હતી. એમાંય કાલે સંગીતના એક પ્રોગ્રામમાં જવાનું થયું એટલે વાત પ્રમાણિત પણ થઈ ગઈ. કલાકારનું નામ મારે એટલા માટે નથી લખવું, કેમ કે આ માત્ર કોઈ એક કલાકાર પૂરતી વાત નથી. જ્યારે પણ કોઈ કાર્યક્રમ ગોઠવાય છે તો તેમાં સમય લખ્યો હોય અથવા આપ્યો હોય કે ' આટલા કલાકે ' કાર્યક્રમ શરૂ થઈ જશે.
હવે મુદ્દાની વાત એ છે મેં આજ સુધી જેટલા પણ કાર્યક્રમમાં હાજરી આપી છે તેમાં જે મુખ્ય અતિથિ હોય, મહેમાન હોય, કલાકાર હોય, નેતા હોય, અભિનેતા હોય, અભિનેત્રી હોય, લેખક હોય કે પછી સન્માનિત વ્યક્તિ હોય આ લોકો ક્યારેય સમયસર આવ્યા નથી. જે સમય લખ્યો હોય તેના કરતા તેઓ 30 મિનિટ મોડા હોય અથવા તો 1 કલાક મોડા હોય, પણ મોડા તો હોય જ!
હવે પ્રશ્ન એ થાય છે કે જે લોકો તેમને સાંભળવા કે જોવા આવ્યા હોય તેમના સમયની કોઈ કિંમત જ નથી એમ! શું શ્રોતાઓ વહેલા આવીને કોઈ ભૂલ કરે છે? સમય 24 કલાકનો છે એ તે દરેક માટે સરખો છે જ છે. પણ જેમને થોડી પણ નામના મેળવી લીધી છે, એ લોકોના મનમાં એવી લઘુતા ગ્રંથી બંધાઈ ગઈ છે કે, કાર્યક્રમમાં મોડા જવાથી પોતાનું મહત્વ અને નામના વધે છે!
એક કાર્યક્રમ નક્કી થયો છે અને તેમાં સમય લખ્યો છે તો તેમાં જે પણ મુખ્ય હોય તેની પોતાની જવાબદારી છે કે સમયસર પહોંચી જવું. બાકી હવે સમય બદલાઈ ગયો છે, લોકો તમને ભૂલતા ક્ષણવાર પર રાહ નહીં જુએ! આ વાત સમયસર સમજી જવી જોઈએ. તમારો કે તમારા નામે કાર્યક્રમ છે, તમારા ચાહકો તમને ચાહે છે તો તમારી પણ થોડી ફરજ બને કે નહીં! જો આ લોકોએ મોડા જ પહોંચવું હોય તો પછી સમય લખવાનું બંધ કરી દો! પછી આવો તમતમારે મનફાવે તેવા સમયે! બાકી સમય લખ્યો છે તો એને વળગી રહો.
આ કોઈ એક કાર્યક્રમની વાત નથી. દરેક વખતે આવું થાય છે. લોકો કલાકો સુધી રાહ જોઈને બેસી રહે છે, પણ ક્યારેય મુખ્ય મહેમાનો સમયસર આવ્યા નથી. અને આવે એટલે પાછા એમના સન્માન કરવાના! આમાં પાછો કલાક થઈ જાય એટલે લોકો તો જાણે નવરા જ છે. ફલાણા ભાઈ કે ફલાણા બેન આવી ગયા છે તાળીઓના ગડગડાટથી એમને વધાવો! ફલાણા ભાઈનું ફલાણા બેન સાલથી સન્માન કરશે. ફલાણા બેનનું ઢેકણા ભાઈ ફૂલથી સન્માન કરશે. એટલે જાણે અમારે તો કોઈ કામધંધો છે જ નહીં! જો કે થોડો વાંક તો લોકોનો પણ છે! જો સમયસર મુખ્ય મહેમાનો ના આવે તો નીકળી જ જવાય એટલે બધાને સમયનું ભાન થાય.
એક બે વાર આવું થશે એટલે આપોઆપ બધા સન્માનનીય લોકોને ખબર પડી જશે કે સમયનું મહત્વ શું હોય છે. કારણ કે, સૌથી વધારે કિંમતી છે. Time is Money એ કંઈ એમજ નથી કે'વાયું. બધાનો સમય સરખો છે અને કિંમત પણ સરખી છે. એટલે માનનીય અને સન્માનનીય લોકો સમયસર આવવાનું રાખો અને થોડી કૃપા કરો! બાકી સમય છે એટલે સમજી જજો...
સમજાયું હોય તેમને વંદન અને ના સમજાયું હોય તેમને મારા અભિનંદન

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો