Vaat Budhvarni: "લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે" બેફામ રૂપિયા લૂંટતા લક્કી ડ્રો

 

Vaat Budhvarni: બનાસકાંઠામાં અત્યારે કૌભાંડની વણજાર જામી છે, વાત છે લકી ડ્રોની. એક બે નહીં પરંતુ 7 જેટલા ડ્રો તો ધ્યાને આવ્યાં છે. આ ડ્રો માટે પરમીશન કોણે આપી? એ એક મોટો સવાલ છે! કોના હાથ નીચે આટલું મોટું કૌભાંડ થઈ રહ્યું છે. મોટા ભાગે તો ગૌશાળાનું નામ લઈને ટિકિટો વેચવામાં આવી રહીં છે. હવે તો શૈક્ષણિક લાભાર્થે ડ્રો કરવામાં આવ્યો હોય તેવું કહી રહ્યાં છે. પરંતુ શું આ પૈસા તેમાં વપરાય છે ખરા? આ કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે શું એનો કોઈ ટેક્સ પે કરવામાં આવે છે? મારી પાસે તો આવા અનેક પ્રશ્નો છે. જેનો જવાબ અત્યારે આ લકી ડ્રો વાળા લોકોએ આપવાનો છે.

સૌથી મોટી વાત એ છે કે, આમાં જે ઇનામોના પૈસા જીતનારને મળે છે ખરા? સૂત્રો દ્વારા જાણકારી એવી પણ મળી છે કે, એ પૈસા આપવા માટે પણ આ લોકો મનમાની કરતા હોય છે. આ પહેલા જ પણ ડ્રો થયા છે તેમાં આવું જ થયું હતું. થરાદ પોલીસ દ્વારા કેટલાક ઇસમો વિરૂદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, તેમ છતાં લોકો ખુલ્લે આમ ટિકિટો વેચી રહ્યાં છે.

મેં એક ડ્રો એજન્ટ સાથે વાત કરી તો મને એવું કહ્યું કે, હા પહેલો કેસ થયો હતો. પણ હવે ડ્રો ચાલુ જ રહેશે. અમારી પાસે બધી પરમિશન છે. જો કે, આંકડા માંગ્યા તો ભાઈ તાનાવાના કરવા લાગ્યાં! મૂળ વાત એ કે એજન્ટને પણ પૂરી જાણકારી નહીં હોય! પાછું એવું પણ પૂછ્યું કે, જો હું ટિકિટે વેચી આપું તો મને શું ફાયદો? તો એજન્ટે મને 399 રૂપિયાની પ્રતિ એક ટિકિટ પાછળ 80 રૂપિયા કમિશન આપવાની વાત કરી! જો એજન્ટ મને 80 રૂપિયા કમિશન આપવાની વાત કરતો હોય તે મૂળ સંચાલક કેટલું કમિશન આપે? આ દરેક બાબતો વિચારવા માટે મજબૂર કરી નાખે છે. 

અશોક માળી નામનો ડ્રો સંચાલક ગૌશાળાના નામે ટિકિટોનું વેચાણ કરતો હતો કે, અમે ગૌશાળામાં દાન આપીએ છીએ. આ વાતની જાણ તે ગૌશાળાના સંચાલકને થઈ. જેથી ગૌશાળા સંચાલકે ટેલિફોનિક વાતમાં તેને આકરા શબ્દોમાં ટકોર કરી કે તમે એક રૂપિયો પણ દાન આપ્યું નથી, તો ગૌશાળાનું નામ આપી કેમ પ્રચાર કરો છો? ડ્રો સંચાલક પાસે તેનો કોઈ જવાબ નહોતો.

હવે તમને લકી ડ્રોના નામ આપું, બનાસ ધરા મિત્ર મંડળ લક્કી ડ્રો -રાહ, જય દ્વારકાધીશ મિત્ર મંડળ લક્કી ડ્રો, રામદેવ ફાઉન્ડેશન ઇમાની યોજના-મોરથલ, વિશ્વ લેવલ લક્કી ડ્રો, જય ભોલેનાથ લક્કી ડ્રો યોજના- સેદલા. આ ડ્રો યોજાનાર છે. અનેક ડ્રો તો યોજાઈ ચૂક્યાં છે. આ રૂપિયા રળવાનો એક ટૂંકો અને ખોટો રસ્તો છે, જેમાં સામાન્ય અને ભોળી પ્રજાને ભોળવીને રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે. 

મોટી વાત તો એ છે કે, આ લોકો હવે સોશિયલ મીડિયામાં અંધાધૂન પ્રચાર કરી રહ્યાં છે. પ્રશ્ને એ પણ છે કે, શું આમાં કોઈ કાયદો છે કે કેમ? જો કાયદો છે તો પોલીસ કેમ કાર્યવાહી કરવામાં વિલંભ કરે છે? અને જો કાયદો નથી તો ખુબ જ ચિંતાની વાત છે. આ પૈસા કાળુ નાણું જ છે એમાં શંકાનો કોઈ સ્થાન નથી! કારણે કે, આનો સરકારને કોઈ ટેક્સ પે કરવામાં આવતો નથી. જો તમારી આવક 10 લાખ કરતા વધારે હોય તો 30 ટકાથી વધારે ઇન્કમ ટેક્સ ચુકવવાનો હોય છે. પરંતુ શું આ લોકોએ ટેક્સ પે કર્યો છે? 

એક લક્કી ડ્રોમાંથી એક બે લાખ નહીં પરંતુ કરોડ કરોડ રૂપિયાનો નફો રળવામાં આવે છે. વિચાર તો કરો એક ડ્રો અને એક કરોડનો નફો! સામાન્ય વ્યક્તિ મજૂરી કરી કરીને મરી જાય તોય લાખ રૂપિયા જમા નથી કરી શકતો અને આ લોકો માત્ર 2 થી 3 મહિનામાં કરોડ રૂપિયા રળી લે છે! પોલીસે પણ માત્ર એક જ કેસ કર્યો છે અને હવે ફરી બધુ પહેલાની જેમ ધમધોકાર ચાલી રહ્યું છે. પણ જો 'વાજ જ ચિભડા ગળે તો' શું થાય? અત્યારે આવું જ થઈ રહ્યું છે. 

પેલી એક કહેવત છે કે, "લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે" બનાસકાંઠામાં અત્યારે આવું જ લોભિયા અને ધૂતારા જેવું જ ચાલી રહ્યું છે. ના તો પોલીસને કાર્યવાહી કરવી છે અને ના તો લોકોને વિરોધ કરવો છે. શિક્ષણના નામે, ગૌશાળાના નામે અને સેવાના નામે બેફામ પૈસા લૂંટવામાં આવી રહ્યાં છે પરંતુ રત્તીભાર પણ કોઈને ફરક પડી રહ્યો નથી. 

લોભએ દુઃખનો દ્વાર છે, પણ સમજાય તો ને! જેને સંભાળવું જ ના હોય તેની સામે તમે ગમે તેવી સારી વાત કરો તો શું ફરક પડવાનો? હજી પણ સમય છે વહેલા જાગી જાવ બાકી અમાં કરોડોનું કૌભાંડ છે તેમાં કોઈ બેમત નથી. આવતા બુધવારે પણ હું આના પર જ આર્ટિકલ લખીશ અને હજી પણ થોડી વધારે માહિતી લઈને આવીશ. ત્યાં સુધી રજા આપો અને સાવધાન રહો... જય જય ગરવી ગુજરાત


ટિપ્પણીઓ