NID Ahmedabad દ્વારા ડીઝાઇન કરાયેલ રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું
ગાંધીનગર ખાતે તારીખ 1લી જુલાઈ 2025 - GST દિવસ નિમિત્તે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ 2024ઇ25 માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ નાણા વિભાગ દ્વારા રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારાઓ લાવવા માટે કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને વિશ્વાસની સ્થાપના, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ (પાલનની સરળતા) અને ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગ દ્વારા વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
રાજ્ય કર વિભાગના નવા લોગોની વિશેષતા:
NID Ahmedabadના ડો. ત્રિધા ગજ્જર, સીનીયર ફેકલ્ટી દ્વારા ડીઝાઇન પામેલ રાજ્ય કર વિભાગનો નવો લોગો વિભાગની વિકસતી ઓળખને સ્પષ્ટપણે રજૂ કરે છે. આ લોગો પારદર્શિતા, ટેક્નોલોજી-આધારિત સુધારાઓ અને ‘નાગરિક પ્રથમ’ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે. આ લોગો ડિજિટલ શાસનના યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ અને કરદાતા-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેના વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે.
આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે. લોગોમાં દર્શાવેલ વાદળી રંગ કમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવે છે. જ્યારે, સોનેરી રંગ કરવેરા (Taxation) અને વિકાસનું પ્રતિક છે. આ નવો લોગો નાણા વિભાગની આધુનિક અને જન-કેન્દ્રિત શાસન પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે.
આ લોગો અનાવરણ પ્રસંગે નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો, નાણાં વિભાગના સચિવ આરતી કંવર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો