ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. દરેક રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. પરંતુ આમાં તમે એક વસ્તુની નોંધ લીધી કે નહીં? કેટલાક કાર્યકર્તાઓએ એવો દાવો કર્યો છે તેમણે પાર્ટી માટે ખૂબ જ કામ કર્યું છે છતાં પણ તેમને ટિકિટ આપવામાં નથી આવી! ટિકિટ ના મળી એટલે કેટલાક તો બાળકની જેમ રોવા લાગ્યાં અને એક તો ફિનાઈલ જ પી લીધું!
પ્રશ્ન એ થાય છે કે, આમાંથી કોઈ કાર્યકર્તાએ એવું નથી કહ્યુ કે, મે લોકો માટે ખૂબ જ કામ કર્યું છે. હું આટલા વર્ષોથી લોકોની સેવા કરતો આવ્યો છું તે મને ટિકિટ મળવી જોઈએ. દરેક એક જ રાગ આલાપે છે કે, મેં ફલાણી પાર્ટી માટે કામ કર્યું, હું ફલાણી પાર્ટીને વફાદાર રહ્યો! અલ્યા ભાઈ તમે પાર્ટીની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યાં છો કે લોકોની?
એવા નેતાઓથી દૂર રહેવું જોઈએ જે લોકો કરતા પાર્ટીને વધારે મહત્વ આપતા હોય! આવા નેતાઓ દેશ માટે કે લોકો માટે સારૂ કામ કરશે તેવી આશા રાખવી એટલે પથ્થર પીગળીને પાણી થશે તેવો વિશ્વાસ રાખવો!
વીડિયોઝ તમે ઘણાં જોયા હશે જેમાં આવા તાયફા કરવામાં આવી રહ્યાં છે. ટિકિટ માટે પાર્ટી નેતાઓની આગળ પાછળ ફરવું એના કરતા તો અપક્ષમાં રહીને ચૂંટણી લડોને! જો તમે ખરેખર લોકો માટે કામ કરતા હશો તો તમે જીતી જ જવાના છો, અને જીતી જશો એટલે જે તે પાર્ટી તમારો સંપર્ક કરશે જ કે અમારી સાથે આવી જાઓ.. ત્યારે છાતી ઠોકીને કેવાનું કે આપણાં વિચારો નથી મળતા! પણ ખેર આવું તો ક્યારેય શક્ય બનવાનું છે જ નહીં. કારણ કે, લોકો માટે કામ કરે તેવા નેતાઓ તો મરીને માટી થઈ ગયાં છે. અત્યારે તો બધા પથ્થર છે, ગમે એટલું પાણી રેડો કંઈ જ ફરક નહીં પડે!
ટિકિટ ના મળે તો રોવાનું અને ફિનાઈલ પી લેવાનું? શું આવા નેતાઓને મજબૂત નેતા કહેવાય? આવા નેતાઓને ટિકિટ મળે અને પછી ક્યારે હાઈકમાન્ડ સાથે વાત કરવાનું થાય અને સામેથી કઈક ભારે શબ્દો કહી દેવામાં આવે, અથવા તો તમને ગ્રાન્ટ નહીં મળે તેવું કહી દે તો શું તેઓ સહન કરી શકે? ના જ કરી શકે... જેનું મન જ ઢીલું છે તેવા નેતાઓને સત્તામાં મોકલાય જ નહીં.
ચૂંટણીટાણે જ આવા તાયફાઓ જોવા મળે.. પછી તો એકય જોવાય નહીં મળે, બધા પોતાના આલીશાન બંગાલાઓની એસીમાં બેસીને આરામ કરતા હશે. નેતાઓ સુત્ર એક જ હોય "અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા". એક એવો નેતા બતાઓ જેણે લોકોની સમસ્યા માટે પોતાની સંપત્તીને એક ટકા પણ રૂપિયો પણ આપ્યો હોય! પણ હા ફંડના રૂપિયા પચાવી પાડ્યા હોય તેવા અનેક દાખલાઓ છે.
બીજી મહત્વની વાત એ છે કે, કોઈ પણ પાર્ટી ઉમેદવારોને કઈ રીતે ટિકિટ આપે છે? શું આ નેતાઓ માટે કોઈ પરીક્ષા યોજવામાં આવે છે? એક પટાવાળાની નોકરી માટે પણ 12 પાસ અને પરીક્ષા આપવામાં આવે છે, તો પછી નેતાઓ કેમ કોઈ ધારાધોરણ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓછામાં ઓછી 12 પાસની લાયકાત તો હોવી જ જોઈએ ને! શું કહેવું છે તમારૂ... જણાવજો

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો