મત કોને આપવો? આવો પ્રશ્ન ના થાય તો તમે સાચા મતદાર નથી

અત્યારે ભલે સ્થાનિક સ્વરાજ્યાની ચૂંટણી છે, પણ અહીં વાત તમામ પ્રકારની ચૂંટણીની છે. તમારો એક મત કોઈને હરાવી પણ શકે છે અને જીતાડી પણ શકે છે. તો પછી મત આપતા પહેલાં શું આપણે વિચાર ના કરવો જોઈએ? આપણે જેને મત આપીએ છીએ તે કામ કરશે કે નહીં? તમારી વાતને ધ્યાને લેશે કે નહીં? એટલું જ નહીં પરંતુ પ્રામાણિક રહેશે કે નહીં? બધા જાણે છે કે, એક વ્યક્ત રાજનીતિમાં આવ્યાં પછી અમીર થઈ જ જાય છે. એક પણ એવો રાજનેતા નથી જે નિવૃત થયો અને પાછો ગરીબ પણ હોય! કોઈ પણ નેતા ગરીબ મરતો નથી, બધા ઓછામાં ઓછી પોતાની ચાર પેઢીને તો સુખી કરીને જાય છે. 

નેતાને મત આપનારા હજી પણ દુઃખી છે તેના લાખો દાખલા છે. જે વિસ્તારમાં નેતા અમીર અને લોકો ગરીબ થતા હોય તો તે વિસ્તારના નેતાને રસ્તો બતાવવો પડે! પહેલા નક્કી કરો કે, જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે, તેનો ભૂતકાળ કેવો રહ્યો છે! જો ધાક-ધમકી, વ્યાજ, ગુસ્સો, અહંકાર, લોભ આવા ગુણો તેમનામાં હોય તો દૂરથી રામ રામ કરો! પ્રશ્ન થાય કે કેમ? અરે ભઈ વિચાર જે.. વ્યક્તિ સત્તા વગર પણ આવા ગુણો ધરાવે છે તો પછી સત્તામાં આવ્યાં પછી તેનું વ્યક્તિત્વ કેવું થશે? ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો પર્વ છે. તો આ પર્વને આપણે ઉત્સાહ પૂર્વ કેમ ના ઉજવીએ? 

હું મારા વિસ્તારના સારામાં સારા વ્યક્તિને સત્તા આપું આવો વિચાર દરેક મતદાતાને આવવો જોઈએ. સમય બદલાઈ રહ્યો છે, પહેલા કોઈ પરિવાર પાસે સત્તા રહે, અમીર જ સત્તા ભોગવે એવું ના ચાલે... કારણ કે સત્તા એક જવાબદારી છે. તેને ભોગવવાની થોડી હોય! ઉમેદવારે ભણેલો છે પણ અહંકારી છે તો તેને મત ના અપાય અને થોડો ઓછો ભણેલો છે પણ પ્રામાણિક અને કામ કરે તેવો છે તો તેને મત આપવો જોઈએ.

આપણાં દેશમાં આ એક કડવી વાસ્તવિકતા કે, સામાન્ય નોકરી માટે ડિગ્રી અને પરીક્ષા આપવી જરૂરી નહીં પરંતુ ફરજિયાત છે. પણ દેશ ચલાવવા માટે અંગુઠા છાપ નેતા જ કાફી છે. આવું ક્યાં સુધી ચાલશે? જ્યા સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી અભણ ભણેલા પર રાજ કરતા રહેશે. તમારા મતની અહેમિયતને સમજો, તમારો એક મત કેટલો અસરકારક અને કેટલો શક્તિશાળી છે. તમને ખબર છે કે તમારી પાસે હુકમનો એક્કો છે, તો પછી દુગ્ગી-તીડી પાછળ કેમ ભાગો છો? તમારા હુકમના એક્કાને એક્કા સાથે જ મૂકોને! દરેક એક્કા એક બાજીમાં આવે તો વિચારે એ ચાલ કેટલી મજબૂત બને! તો મત હવે વિચારીને, સમજીને, જાણીને અને બુદ્ધિનો સદ્ઉપયોગ કરીને આપશો તેવો સંકલ્પ કરો.

જય હિંદ
વંદે માતરમ્
ભારત માતા કી જય 
જય જય ગરવી ગુજરાત

ટિપ્પણીઓ