ચૂંટણી પહેલા જીતનો દાવો: શું બિનહરીફ નેતાઓ જનતાના કામ કરશે?


ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાઈ ગયાં છે. આગામી 26 એપ્રિલે મતદાન થશે અને 28મી એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ ગુજરાતમાં તો ચૂંટણી પહેલા જ જીતની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. બિનહરીફ થયાની ખુશીઓ પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે.  વાસ્તવમાં કેવું હોય કે, પરિણામ જાહેર થયા તે વખતે જ બિનહરીફ જીત્યા તેવું જાહેર કરવામાં આવે પરંતુ અહીં જીતી જ ગયા છીએ તેવો દાવો કરવામાં આવ્યો છે. તો આવું શા માટે? આવો પ્રશ્ન મતદાતા તરીકે તમને થવો જોઈએ કે, નહીં? કોઈ પણ ચૂંટણી હોય કોઈ ઉમેદવારને બિનહરીફ ક્યારે થવા દેવાય? જ્યારે તમને લાગે તે સર્વગુણ સંપન્ન છે ત્યારે! અને આજના નેતાઓ સર્વગુણ સંપન્ન છે તેવો દાવો કરવો ખરેખર મુર્ખામી જ કહેવાય!

અત્યારે એક પક્ષે દાવો કર્યો છે કે, 700 બેઠકો બિનહરીફ થઈ છે. વિચાર કરો ગુજરાતે 700 નેતાઓને બિનહરીફ રીતે જાહેર કર્યાં. તેમને ચૂંટ્યાં છે તેવું તો કહી શકાય જ નહીં! કારણ કે મતદાન તો થયું જ નથી. ભારત લોકશાહી દેશ છે, તેમાં કોઈ પણ નેતાને ચૂંટણી દ્વારા જ પસંદ કરવામાં આવે છે, પરંતુ અહીં તો 700 નેતાઓ બિનહરીફ થયા. આવું શા માટે થઈ રહ્યું છે? 

શું ગુજરાતમાં કોઈને રાજનીતિમાં આવવું જ નથી? જો કોઈને રાજનીતિમાં નથી જ આવવું તો પછી નેતાઓને કોસવાનું બંધ કરી દેવું જોઈએ. જેને ચૂંટણીમાં આવવું નથી, મતદાન કરવું નથી તેમને કોઈ જ અધિકાર નથી તે કોઈ પણ રાજનેતાને ખરી-ખોટી સંભળાવે!

માત્ર ફોર્મ ના ભર્યું હોવાના કારણે જે નેતા લોકોને પસંદ જ નથી તે સત્તામાં આવી જાય છે. તો પછી રાજાશાહી શું ખોટી હતી? તેમાં ખબર તો હતી કે, કોણ રાજા બનવાનું છે અને તેનું આચરણ કેવું છે. અહીં તો કાળા સાથે કાળા થવા જેવું છે. કહે છે કે, રાજનીતિ ખૂબ જ ગંદી છે, અલ્યા ભાઈ કમળ કિચડમાં જ ખીલે છે. ઘરને સાફ રાખવું હોય તો શેરીમાંથી કિચડ સાફ કરવું પડે, અને તેના માટે હાથ તો બગડવાના છે. પણ કોઈને રાજનીતિમાં આવવું જ નથી, બસ ચાની કિટલીએ કાં તો પછી ગામના બાંકડે બેસીને આલોચનાઓ કરવી છે, તેમને માત્ર એટલું જ કહી શકાય કે.. 'માતા જી તેનું ચંગા રખી'

કેટલાક તો ફોર્મ ભર્યા પછી ફોર્મ પાછા પણ ખેંચી રહ્યાં છે. અરે ભાઈ ત્રેવડ ના હોય તો પછી ઘરે જ બેસી રહોને! શું તમને લાગે છે જેણે ફોર્મ પાછા ખેંચ્યા એ ખાલી એમ જ ખેંચ્યાં હશે? કોઈએ એક રૂપિયો પણ નહીં લીધો હોય? કેટલાક તો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, પરિવારને ધમકીઓ મળી રહી હતી એટલે ફોર્મ પાછા ખેંચ્યાં છે. તો શું પહેલા ભાન નહોતું કે આવું થશે? શું કામ મોટી મા થવા માટે નીકળી પડ્યાં હતા. આને માંયકાંગળા જ કહેવાય! સ્ત્રી હોય કે પુરૂષ ત્રેવડ હોય તો જ ચૂંટણી લડવા માટે આગળ થવાય પછી ખોટા આક્ષેપો કરીને બાના બનાવો એમ ના ચાલે! પછી લોકો કહેશે જ કે તમે રૂપિયા લઈને ઘરે બેસી ગયાં છે, ભ્રષ્ટ છો. 

ધાક-ધમકી આપતા વીડિયો પણ જોવા મળ્યાં છે. જ્યા એક પક્ષ બીજા પક્ષના ઉમેદવારને ખરીદવા માટે પૂરતો પ્રયત્ન કરે છે. જેમાં કેટલાક વેચાઈ જાય છે તો કેટલાક સામે બળવો પણ કરે છે. પણ આ ખરેખર નિર્બળતા કહેવાય તમારામાં જીતવાની ત્રેવડ નથી અથવા તો ખબર છે કે હવે લોકો તમને મત આપવાના નથી એટલે સામેના ઉમેદવારને રૂપિયા કે ધમકી આપીને બેસાડી તો એટલે ચૂંટણી લડ્યાં વગર જ જીતી જવાય! પછી આવા નેતાઓ પાસે વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. તે પહેલા તેનું ઘર ભરશે અને પછી જો થોડા ઘણા રૂપિયા વધશે તો જે તે વિસ્તારનું કામ કરશે. બાકી પહેલા જ એ વિસ્તારનું કામ કરશે તેવી આશા રાખતા હોવ તો તમે ખૂબ જ મોટી ભ્રમણામાં જીવી રહ્યાં છો. 

બાકી કેટલાક એવા પણ છે જેમણે વેચાવવાની ચોખ્ખી ના પાડી ધીધી અને સામે વિરોધ પણ કર્યો છે. આવા નેતાઓ જનતા માટે કામ કરી શકે. અને તેમની પાસે વિકાસના કામની આશા પણ રાખી શકાય

ખરેખર આવી રીતે જો ચૂંટણી થઈ રહી છે, તેનો કોઈ જ અર્થ નથી. કારણ કે ચૂંટણી દ્વારા જે નેતાની પસંદગી કરવામાં આવે તો તે થોડું ઘણું કામ કરશે તેવું માની શકાય. જો કોઈ બેઠક પર કોઈ ઉમેદવાર બિનહરીફ જાહેર થાય છે તો તે બેઠક પર ચૂંટણી પંચે ફરી બે દિવસનો સમય આપવો જોઈએ કે જેથી અન્ય કોઈ વ્યક્તિ ઉમેદવારી ફોર્મ ભરી શકે, જેથી ચૂંટણી યોજાય અને યોગ્ય વ્યક્તિ સત્તામાં આવી શકે, અંગે તમારૂ શું કહેવું છે જણાવજો...

જય હિંદ

વંદે માતરમ્

ભારત માતા કી જય 

જય જય ગરવી ગુજરાત


ટિપ્પણીઓ